Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

બટેટાનું ઘરે પણ વાવેતર કરી શકાયઃ ગાંઠવાળા બટેટાનો બિજ તરીકે ઉપયોગ

ભાગ્યે કોઈ ઘર એવુ હશે જેમાં બટેટા વપરાતા હોય. બટેટા કોઈપણ શાક સાથે ભળી જાય છે આથી દરેક ઘરમાં બટેટાનો વપરાશ વધારે હોય છે. વળી, તેમાંથી ચિપ્સ, ફ્રેન્ચ ફ્રાઈઝ વગેરે નાસ્તા પણ બનાવી શકાય છે. આમ તો બટેટા સસ્તા ભાવે મળી રહે છે પરંતુ તમે બટેટા ઘરે ઉગાડશો તો તેનો અલગ ટેસ્ટ આવશે. માર્કેટમાં ગમે ત્યાંથી બટેટા ખરીદશો, આવો સરસ ટેસ્ટ તમને નહિ મળે. ઘરે બટેટા ઉગાડવા આસાન છે. અરે, તમે તૂટેલી બાલ્દીમાં પણ બટેટા ઉગાડી શકો છો. આથી જો તમને ગાર્ડનિંગનો થોડો શોખ હોય તો ઘરે બટેટા ઉગાડવાનો જરૂર પ્રયત્ન કરો.

બટેટા ઉગાડવા શું શું જોઈએ?

તમને જણાવી દઈએ કે બટેટા એક એવો છોડ છે જેને સૂર્યપ્રકાશ ગમે છે. આથી તમારા ઘરમાં સરસ તડકો આવતો હોય તો તમે બટેટા ઉગાડી શકો. ઉપરાંત તમારે થોડુ ખાતર, માટી, કાંકરા અને લાકડાનો વહેર જોઈશે.

કેવી રીતે ઉગાડાય?

બટેટાના કોઈ બીજ નથી આવતા. તમે બજારમાં ઘણીવાર બટેટા ખરીદવા જાવ છો તો તેના પર ગાંઠ જોવા મળે છે. આપણે સામાન્ય રીતે છાલ સાથે ગાંઠ કાઢી નાંખતા હોઈએ છે. વાસ્તવમાં ગાંઠવાળો ભાગ બટેટાના બી તરીકે કામ કરે છે. તારે બટેટામાં ગાંઠવાળો જે ભાગ હોય તે કાપી લેવાનો છે. બાકીનું બટેટુ તમે રસોઈમાં વપરાશમાં લઈ શકો છો.

ડોલમાં ઉગાડી શકાયઃ

તમે ઘરે બટેટા ઉગાડવા માંગતા હોવ તો ડોલમાં ઉગાડવા સૌથી શ્રેષ્ઠ છે. માટે ડોલની નીચેના ભાગમાં થોડા કાણા પાડો જેથી વધારાનું પાણી બહાર નીકળી શકે. ડોલની નીચેના ભાગમાં થોડા પથરા અથવા કાંકરા રાખો. તેના પર ખાતર પાથરો. તેના પર માટીનું લેયર કરો અને પછી તેમાં બટેટાનો ગાંઠવાળો ભાગ માટીમાં દબાય તે રીતે બટેટા મૂકી દો. ત્યાર પછી ઉપર થોડી માટી અને લાકડાનો વહેર નાંખી દો. તમે વહેરની જગ્યાએ કોકો પીટ પણ નાંખી શકો છો.

કેટલા દિવસ લાગે?

બટેટાના છોડને નિયમિત પાણી આપવું જરૂરી છે. 14થી 15 દિવસમાં તમને લીલા પાંદડા બહાર આવેલા દેખાશે અને જોતજોતામાં છોડ મોટો થઈ જશે. છોડ થોડો મોટો થાય એટલે ફરી લાકડાનો વહેર અને ખાતર ઉમેરી દો અને છોડને પાણી આપવાનું ચાલુ રાખો. બે મહિનાના અંતે છોડના પાંદડા પીળા પડવા માંડે એટલે સમજી જજો કે બટેટા તૈયાર થઈ ગયા છે. બટેટા કંદ હોવાથી તે જમીનની અંદર ઉગે છે. આથી તેના પાંદડા સૂકાય ત્યારે તમને ખ્યાલ આવી જશે કે બટેટા તૈયાર થઈ ગયા છે. તમે છોડને આખો ખેંચી કાઢશો તો તેના મૂળમાં બટેટા ઉગેલા દેખાશે.

(5:54 pm IST)