Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ભાજપને ભીડવવા થનગનતી કોંગ્રેસ ઉપર પણ ફૂટયો # MeTooનો બોંબઃ બે નેતા ઉપર આરોપ

યુપીએ સરકારમાં મંત્રી રહેલા નેતા ઉપર મહિલા પત્રકારના સતામણીના આરોપ

નવી દિલ્હી, તા. ૧૭ :. ભાજપાને ઘેરવાના પ્રયાસ કરી રહેલી કોંગ્રેસ પર પણ મી ટુની વિજળી પડી છે. મહિલા પત્રકારો દ્વારા યૌન શોષણના આરોપો લગાવાયા પછી અકબરને મોદી પ્રધાન મંડળમાં બહાર કાઢવાની માગણી કરી રહેલી કોંગ્રેસના એક નેતા જે યુપીએ સરકારમાં પ્રધાન હતા તેના પર એક ગુજરાતી મહિલા પત્રકારે યૌન શોષણના આક્ષેપો કર્યા છે. જો કે પત્રકારે નેતાનું નામ નથી બહાર પાડયું.

ગુજરાતી મહિલા પત્રકાર સોનલ કેલ્લોગે લખ્યુ કે તે એક અંગ્રેજી દૈનિકમાં અમદાવાદમાં કામ કરતી હતી. ૨૦૦૬માં જ્યારે આ અખબારનું પ્રકાશન ગુજરાતમાં બંધ થયુ તો તેને દિલ્હી જવું પડયું હતું, ત્યાં તેને એક કેન્દ્રીય પ્રધાનના મંત્રાલયનું કવરેજ કરવાની જવાબદારી સોંપાઈ હતી. તેણે લખ્યુ છે કે જ્યારે પણ તે કેન્દ્રીય પ્રધાન તેને મળતા ત્યારે તેનો ચહેરો ચુમવાની કોશિષ કરતા હતા. એટલું જ નહી, ૨૦૧૪માં જ્યારે તેણી તે પ્રધાનના સાંસદ આવાસમાં તેમને મળવા ગઈ તો તેમણે અત્યંત આપત્તિજનક વ્યવહાર કર્યો હતો. ત્યાર પછી તેણે તે નેતાને મળવાનું બંધ કર્યુ.

એનએસયુઆઈ પ્રમુખ પર કેસ દાખલ

બીજી તરફ કોંગ્રેસના વિદ્યાર્થી એકમ એનએસયુઆઈના રાષ્ટ્રીય પ્રમુખ ફિરોઝખાન ઉપર છત્તીસગઢની એક મહિલા કાર્યકરે દિલ્હીમાં જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો છે. ત્યાર પછી ખાને પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપી દીધુ છે. કોંગ્રેસ સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ફિરોઝખાનનું રાજીનામુ મંજુર કરી દીધુ છે. પીડીતાએ પોતાની બહેન અને પક્ષની અન્ય કેટલીક મહિલાઓનું યૌન શોષણ કરવાનો આરોપ પણ ફિરોઝખાન પર લગાવ્યો છે. જમ્મુ કાશ્મીરના રહેવાસી ખાને સોમવારે સાંજે રાજીનામુ આપ્યુ છે. સૂત્રો અનુસાર ખાને ત્યાગ પત્રમાં લખ્યુ કે તેના પર લાગેલા આરોપોથી પક્ષની છબી ખરાબ થાય એટલે તેમણે આ પગલુ લીધુ છે. જો કે ખાને જાતિય સતામણીના આરોપોનું ખંડન કર્યુ હતું. આ મામલાની તપાસ માટે કોંગ્રેસ ત્રણ સભ્યોની સમિતિ બનાવી છે. પિડીતાએ પહેલી ફરીયાદ જૂનમાં કરી હતી. તે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને બીજા ઉચ્ચ નેતાઓને મળી હતી અને ખાન પર કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. તેણે સંસદ રોડ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરીને પોતાના પર જીવનુ જોખમ હોવાનું કહ્યુ હતું.

અકબર વિરૂદ્ધ ૧૬ મીટુ

વિદેશ રાજ્ય પ્રધાન એમ.જે. અકબરે ભલે પત્રકાર પ્રિયા રમાણી વિરૂદ્ધ ગુનાહીત માનહાનીનો કેસ કર્યો હોય પણ મહિલાઓ હાર માનનાર નથી. અત્યાર સુધીમાં તેમના પર આરોપ લગાવનારી મહિલાઓની સંખ્યા ૧૬ થઈ ગઈ છે. અન્ય બે મહિલાઓએ તેમની સાથેના કડવા અનુભવો જાહેર કર્યા છે. જેમાથી એક તુષિતા પટેલ એક પત્રકાર છે. તેણે લખ્યુ કે ૧૯૯૦માં જ્યારે તે એક અંગ્રેજી અખબારમાં ટ્રેઈની હતી ત્યારે અકબરે તેને પોતાની હોટલના રૂમમાં બોલાવી હતી. જ્યારે તે ત્યાં પહોંચી ત્યારે અકબર ફકત અંડરવેરમાં હતા. એટલુ જ નહીં, જ્યારે તે હૈદરાબાદમાં એક અંગ્રેજી અખબારમાં કામ કરતી હતી ત્યારે અકબરે તેની સાથે બે વાર છેડતી પણ કરી હતી.(૨.૪)

(11:46 am IST)