Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

વિજયા દશમી : રાટ્રીય સ્વયંસેવક સંઘનો સ્થાપના દિન

રાજકોટ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ૧૯૨૫ માં વિજયા દશમીના દિવસે નાગપુરમાં મોહીતેવાડ મેદાન ખાતે થઇ હતી. આજે પુરા ભારતમાં ૯૫% જિલ્લાઓમાં સંઘનું કામ ચાલી રહ્યુ છે. દેશના ૩૭,૧૯૦ સ્થાનો સંઘની ગતીવિધિથી ચાલે છે. શાખા દ્વારા સંઘના ૧.૫૦ લાખ સ્વયંસેવકો સેવા કાર્યમાં લાગ્યા છે.

સંઘની સ્થાપા ડો. કેશવરાવ બલીરામ હેડગેવારે કરેલી. તેમણે પત્થરોમાં પ્રાણ પુરી માટીમાંથી માનવ મર્દો પેદા કર્યા. રાષ્ટ્રના ઉત્થાન માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું અનુપમ સંગઠન ઉભુ કરવાનો શ્રેય તેઓને મળે છે. હજારો સ્વયંસેવકોની દેશ સેવા માટે ફોજ ઉભી કરી તપસ્વી ડો. હેડગેવારજી માતૃભુમિની પરમ વૈભવની પ્રાર્થના કરતા ગયા અને અનેકને જોડતા ગયા.

દ્વીતીય સરસંઘચાલક પૂ. માધવરાવ સદાશિવરાવ ગોલવારકર (ગુરૂજી) એ દૈનિક શાખા દ્વારા રાષ્ટ્રોત્સાન આગળ વધારવા સફળ પ્રયત્નો કર્યાઃ તેઓ નાગપુર બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલયમાં બે વર્ષ અધ્યાપક કાર્ય કરી વિદ્યાર્થી પ્રિય રહ્યા. ૩૩ વર્ષના પ્રદીર્ઘ કાલખંડમાં તેમણે પ્રતિવર્ષ બે વાર સંપૂર્ણ દેશનો પ્રવાસ કર્યો, સ્વહસ્તે હજારો પત્રો લખ્યા, હજારો લોકોનો વ્યકિતગત સંપર્ક કર્યો અને દેશભરના હજારો કાર્યકર્તા પરિવારોના આદરણીય સભ્ય બની રહ્યા. 'રાષ્ટ્રીય સ્વાહા ઇદં ન મમ્' જેવા મંત્રો પ્રચલીત છે. તેઓના કાર્યકાળ દરમિયાન સંઘનો વ્યાપ તમામ ક્ષેત્રોમાં વધાર્યો જે ક્ષેત્રો આજે વિશ્વમાં નંબર એકના સ્થાન ઉપર છે.

તૃતીય સરસંઘચાલક શ્રી પૂ. મધુકર દત્તાત્રેય દેવરસ (બાળા સાહેબ દેવરસ) ના સમયમાં ત્રોજોભાગ શરૂ થયો ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘએ સાબિત કર્યુ કે રાષ્ટ્ર ઉપર આવેલ લોકતાંત્રીક અથવા ભૌગોલીક સંકટોના સમયે એકસાથે મળીને દેશ અને સમાજની રક્ષા માટે પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. સંઘના 'મૈ નહીં તુ' ના આદર્શ સંસ્કારોની પ્રેરણા આખા વિશ્વને આપી હતી.

ચતુર્થ સર સંઘચાલક પ્રો. રાજેન્દ્રસિંહ જેઓને ગામના વડીલો, વૃધ્ધો, સગાસંબંધીઓ રજજુ તરીકે સંબોધતા અને સંઘમાં રજજુ ભૈયાના નામે લોકપ્રિય થયા. અલ્હાબાદ વિશ્વ વિદ્યાલયમાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર અને પરમાણુ ભૌતિકીના સુવિખ્યાત વિદ્વાન હતા.

પાંચમા સર સંઘચાલક કુપ. સી. સુદર્શનજી કે જેઓનો જન્મ ૧૮ જુન ૧૯૩૧ ના મધ્યપ્રદેશના રાયપુર શહેરમાં થયો. નાનપણથી જ મેઘાવી એવા મા.સુદર્શનજી ટેલિ કોમ્યુનિકેશનમાં એન્જીનીયરીંગની પદવી ધરાવે છે. ભર યુવાન વયે ૨૩ માં વર્ષે ૧૯૫૪ ની સાલમાં તેઓ સંઘના પ્રચારક તરીકે નિકળ્યા. સુદર્શનજી સંઘ કાર્યના વિસ્તાર માટે સતત પ્રવાસ કરતા રહ્યા.

છઠ્ઠા સર સંઘચાલક મા. મોહનજી ભાગવતનો જન્મ ૧૧ સપ્ટેમ્બર ૧૯૫૦ ના મહારાષ્ટ્રના વિદર્ભના ચંદ્રપુરમાં થયો. તેમના પિતા મા. મધુરકરરાવજી ભાગવત ૧૯૪૪ થી ૧૯૫૧ સુધી ગુજરાતમાં સંઘના પ્રાંત પ્રચારક હતા. તેમની મિષ્ટવાણી અને મિષ્ટ વ્યવહારે આ છ વર્ષના ગાળામાં ગુજરાતના લગભગ ૧૧૫ ગામોમાં સંઘકાર્યની શાખાઓની જાળ પાથરી હતી. મોહનરાવ ભાગવતે પંજાબરાવ કૃષિ વિદ્યાપીઠમાંથી વેટરનરી ડોકટરની ઉપાધિ મેળવેલ છે.

૧૯૨૫ થી ૨૦૧૮ સુધીમાં સંઘે વિવિધ ક્ષેત્રમાં સંઘના સ્વયંસેવક દ્વારા અભૂતપૂર્વ કામ શરૂ કરેલ છે. જેવી કે રાજકીય ક્ષેત્રે ભારતીય જનતા પક્ષ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ, વિદ્યાભારતી, ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ, નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઇઝર, પંડિત દિનદયાલ શોધ સંસ્થાન, સ્વદેશી જાગરણ મંચ, અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, ભારતીય વિકાસ પરિષદ, વિશ્વ સંવાદ કેન્દ્ર, અખિલ ભારતીય સાહીત્ય પરીષદ, સહકાર ભારતી, વનવાસી કલ્યાણ પરીષદ, ભારતીય કિસાન સંઘ, રાષ્ટ્રીય શીખ સંગત, ભારતી શિક્ષણ મંડળ, ભારતીય મજદુર સંઘ, ભારતીય અધિવકતા પરીષદ, લઘુઉદ્યોગ ભારતી, સંસ્કૃત ભારતી એમ અનેક પરિવાર ક્ષેત્રોમાં નવા નવા લોકોને જોડી દેશભકિતના સંસ્કારમાં પ્રવૃત્તમય કરેલ છે.

આમ આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે વિશ્વમાં પોતાની સંસ્થાનો, તાકાતનો પરચો દેખાડેલ છે. (૧૬.૧)

- જયેશ સંઘાણી, મો.૯૪૨૮૨ ૦૦૫૨૦

(11:44 am IST)