Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ડિઝલનો ભાવવધારો રેલવેને ૮૦૦ - ૧૦૦૦ કરોડમાં પડશે

રેલવેનું બજેટ વેરવિખેર : વર્ષે ડિઝલ પાછળનો ખર્ચ છે રૂ. ૧૮૦૦૦ કરોડ

નવી દિલ્હી તા. ૧૭ : વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવની અસર દેશના નાગરિકોને જ થતી નથી, પરંતુ સરકાર પણ તેમાંથી બાકી નથી. ડીઝલના વધતા જતા ભાવે ભારતીય રેલવેની ચિંતા વધારી દીધી છે અને તેનું સમગ્ર બજેટ ખોરવાઈ ગયું છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ડીઝલના વધતા જતા ભાવને કારણે છેલ્લા એક મહિનાથી રેલવેનું બજેટ ખોરંભે ચડ્યું છે. રેલવેના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, જો ભાવ આ રીતે જ વધતા રહેશે તો તેની સીધી અસર રેલવેના માળખાકીય સુવિધાઓના પ્રોજેકટ પર પડશે. રેલવેને રેલગાડીઓના પરિચાલન ખર્ચની સરેરાશની ફરીથી સમીક્ષા કરવી પડશે. પરિચાલન સરેરાશ ખર્ચને સાદી ભાષામાં કહીએ તો રૂ.૧ કમાવા માટે કેટલા રૂપિયાનો ખર્ચ કરવો પડશે.

એક અંદાજ મુજબ ભારતીય રેલવે દર વર્ષે ડીઝલ પાછળ રૂ.૧૮,૦૦૦ જેટલો ખર્ચ કરે છે. આ વર્ષે જે રીતે ડીઝલના ભાવમાં વધારો થયો છે તે જોતાં રેલવેને ઉપરોકત બજેટ ઉપરાંત રૂ.૮૦૦થી રૂ.૧૦૦૦ જેટલી વધુ રકમ ખર્ચવી પડી શકે એમ છે.

આ કારણે જ જમીન પરના માળખાકીય પ્રોજેકટો જેવા કે વિજળીકરણ, લાઈન ડબલ કરવી, ત્રણ લાઈન કરવી અને નવી લાઈન પાથરવી જેવા કામોને અસર થઈ શકે છે.

ડીઝલ ઉપરાંત રેલવેના બજેટ પર અન્ય આર્થિક નિર્ણયોએ પણ અસર કરી છે. પગારધોરણમાં સાતમું પગારપંચ લાગુ કરવામાં આવ્યું છે અને તેના કારણે પેન્શન મેળવતા કર્મચારીઓને પણ રેલવેએ હવે વધુ રકમ ચુકવવી પડશે. આ ઉપરાંત, પ્રવાસીઓને રૂ.૩૩,૦૦૦ કરોડ જેટલી સબસિડી આપવામાં આવી છે.

હવે તહેવારો આવી રહ્યા છે ત્યારે કર્મચારીઓને બોનસ પણ ચૂકવવી પડશે. સાથે જ વિશ્વના સૌથી મોટા નોકરી પ્રદાતા એવી ભારતીય રેલવેને નવી ૧ લાખ નોકરીઓ ઊભી કરવાનું પણ દબાણ છે.

આ બધાની વચ્ચે વધતા જતા ડીઝલના ભાવોએ રેલવેને બજેટને વેરવિખેર કરી નાખ્યું છે. રેલવેના અધિકારીઓ પણ આ બજેટને કેવી રીતે સેટ કરવું તેના માટે માથું ખંજવાળી રહ્યા છે.(૨૧.૪)

(9:31 am IST)