Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયેલ ગુજરાતી યુવાનની ડોક કપાઇ ગઇ : અરેરાટી

છેલ્લી ઘડીએ દોડીને ચડવા જતા હેલીકોપ્ટરની બ્લેક વાગી

કાઠમંડુ તા. ૧૭ : એક દર્દનાક ઘટનામાં નેપાળના હિલ્સા ક્ષેત્રનાં આંતરિયાળ વિસ્તારમાં આવેલા હેલિપેડ ખાતે હેલિકોપ્ટરની બલ્ડે વાગતા કૈલાશ માનસરોવરના એક ગુજરાતી યાત્રીનું અવસાન થયું હતું, એમ ભારતીય દૂતાવાસે કહ્યું હતું.

૪૨ વર્ષના કાર્તિક નાગેન્દ્ર મહેતા મુંબઇના નિવાસી હતા. હેલિકોપ્ટરમાં બેસવા માટે તેઓ દોડયા હતા તે વખતે અકસ્માતે હેલિકોપ્ટરની પૂંછડી વાગતા તેમની ડોકમાં ગંભીર ઇજા થઇ હતી. તેઓ ઘટના સ્થળે જ ગુજરી ગયા હતા. ભારતીય દૂતાવાસે પ્રવાસ આયોજક સાથે સંકલન કરી લગભગ તમામ શકય સહાયતા કરી હતી. માય રિપબ્લીકા અનુસાર મરનાર જ્યારે હેલિકોપ્ટરમાં બેસવા માટે આવ્યા હતા ત્યારે અચાનક જ પાછળની પૂંછડીની બ્લેડ તેમની ડોક પર વાગતા તેમની ગરદન લગભગ અલગ થઇ ગઇ હતી.

મહેતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિમિકોટ લઇ જવાશે અને ત્યારપછી તેમના સબંધીઓને સોંપાશે. નેપાળના સિમિકોટ અને હિલ્સા સ્થળો માત્ર હવાઇ માર્ગે જ દેશના બાકીના ભાગો સાથે સંકળાયેલા છે. ત્યાં જવા માટે વિમાન અથવા તો હેલિકોપ્ટરની જ જરૂર પડે છે. આ સિવાય અન્ય કોઇ જ વાહન વ્યવહાર સાધન કામમાં આવી શકે નહીં.

ચીન કબ્જાગ્રસ્ત તિબેટ ક્ષેત્રમાં આવેલું કૈલાશ માનસરોવર હિન્દુઓ માટે ખૂબ જ પવિત્ર મનાય છે. દર વર્ષે સેંકડો યાત્રીઓ અહીંયા આવે છે.

(3:45 pm IST)