Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

અભૂતપૂર્વ સન્માનઃ પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન

'અટલ બિહારી અમર રહે'ના ગગનભેદી નારા : 'બચપન, યૌવન ઔર બુઢાપા, કુછ દશકોમેં ખત્મ કહાની-ફિર-ફિર જીના, ફિર-ફિર મરના યહ મજબુરી યા મનમાની ? મૈને જન્મ નહિ માંગા થા, કિન્તુ મરણ કી માંગ કરૃંગા...' : અટલજીના નિવાસસ્થાને તથા ભાજપના હેડકવાર્ટરે અંતિમ દર્શન માટે લાંબી લાંબી લાઇનો લાગીઃ વિશાળ અંતિમયાત્રાઃ અંતિમયાત્રામાં વડાપ્રધાન મોદી અને ભાજપના અધ્યક્ષ અમીતભાઇ શાહ પગપાળા જોડાયાઃ દિલ્હીના માર્ગો ઉપર બંન્ને બાજુ લાખો લોકોએ પોતાના લોકલાડીલા નેતાને આપી શ્રધ્ધાંજલી : તિરંગામાં લપેટાયેલો અટલજીનો પાર્થિવ દેહ ફુલોથી સજેલા તોપ લઇ જતા વાહન ઉપર રખાયોઃ ભાજપના વડા મથકે મોદી, અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ વગેરેએ અંતિમ દર્શન કર્યાઃ દેશ-વિદેશથી અંતિમ દર્શન માટે આવ્યા મહાનુભાવોઃ યમુના કિનારે સ્મૃતિ સ્થળમાં સંપૂર્ણ રાજકીય માન-સન્માન સાથે અંતિમ સંસ્કાર : દોઢ એકરમાં બનશે સ્મારક

નવી દિલ્હી તા. ૧૭ : દેશના પૂર્વ વડાપ્રધાન અને દેશ-વિદેશના કરોડો લોકોના હૃદય સમ્રાટ એવા અટલ બિહારી વાજપેયીનું ગઇકાલે સાંજે ૯૩ વર્ષે દુઃખદ નિધન થયા બાદ આજે સવારે તેમનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને લોક દર્શન માટે રાખવામાં આવ્યો હતો જ્યાં દિવંગત નેતાને શ્રધ્ધાંજલિ અર્પવા લાંબી લાંબી લાઇનો લાગી હતી તેઓ ભાજપના જન્મદાતા હોવાથી  તેમનો પાર્થિવ દેહને ભાજપના વડામથકે લઇ જવાયો હતો. જ્યાં વડાપ્રધાન મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, પૂર્વ નાયબ વડાપ્રધાન અડવાણી સહિત કેન્દ્રીય મંત્રીઓ, ભાજપના દિગ્ગજ નેતાઓ, ભાજપના શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત અગ્રણી લોકોએ આ નેતાને અશ્રુભિની શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. બપોરે બે વાગ્યા બાદ ભાજપના વડામથકેથી તેમની અંતિમયાત્રા શરૂ થઇ હતી જે દરમિયાન રસ્તાની બંને બાજુએ લાખો લોકોએ 'અટલ બિહારી અમર રહે'ના ગગનભેદી નારા લગાવી પોતાના લોકલાડીલા નેતાને રડતી આંખે અંતિમ વિદાય આપી હતી. બપોરે ૪ વાગ્યા બાદ સ્મૃતિ સ્થળ ખાતે યમુના કિનારે સંપૂર્ણ રાજકીય માન-સન્માન સાથે અટલજીના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને આ મહામાનવનો દેહ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો હતો. અંતિમયાત્રામાં મોદી અને અમિત શાહ પગપાળા ચાલ્યા હતા.

અટલબિહારી વાજપેયીનો પાર્થિવ દેહ દિલ્હીના ૬-એ, કૃષ્ણમેનન રોડ પર આવેલ તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યો હતો. બધા મોટા મોટા નેતાઓ અટલજીના અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. સોશીય મીડિયાના માધ્યમથી પણ દેશ-વિદેશના લોકોએ અટલજીને શ્રદ્ધાંજલીઓ આપી હતી.

આજે વાજપેયીનું પાર્થિવ શરીર સવારે સાડાનવ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી જનતાને અંતિમ દર્શન માટે ભાજપાના મુખ્ય કાર્યાલયમાં રખાયું હતું. ત્યાર પછી બપોરે દોઢ વાગ્યાથી તેમની અંતિમ યાત્રા નિકળી છે. અંતિમ યાત્રા ભાજપા મુખ્યાલયથી દિનદયાલ ઉપાધ્યાય માર્ગ થઇને આઇટીઓ રેડ લાઇટ પહોંચશે, ત્યાર પછી ત્યાંથી રાજઘાટના રાષ્ટ્રીય સ્મૃતિ સુધી જશે.

પ્રાર્થના સભા અને ર૧ બંદુકની સલામી સાથે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના પાર્થિવ શરીરને આજે સાંજે ૪ વાગ્યે યમુના કિનારે રાજઘાટની પાસે રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર અગ્નિ સંસ્કાર આપવામાં આવશે.

સ્મૃતિ સ્થળ પર વાજપેયીના અંતિમ સંસ્કાર ચારે તરફ હરિયાળીથી ઘેરાયેલા ચોક ઉંચા સ્થળ પર થશે. સ્મૃતિ સ્થળ જવાહરલાલ નેહરૂના સ્મારક શાંતિવન અને લાલબહાદુર શાસ્ત્રીના સ્મારક વિજય ઘાટની વચ્ચે આવેલું છે. ભૂતપૂર્વ વડા પ્રધાન આઇ.કે. ગુજરાલના અંતિમ સંસ્કાર યમુના નદીના કિનારે ડીસેમ્બર-ર૦૧રમાં સ્મૃતિ સ્થળ પર કરાયા હતાં. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, સોનિયા ગાંધી, રાજનાથસિંહ, ઉદ્ધવ ઠાકરે સહિત ઘણી મોટી હસ્તીઓએ વાજપેયીજીને ફૂલ ચઢાવીને શ્રદ્ધાંજલી આપી હતી.

વાજપેયીજીના અંતિમ સંસ્કાર આજે રાજકીય સન્માન સાથે કરવામાં આવશે અને કેન્દ્ર સરકારની બધી ઓફીસોમાં આજે અર્ધા દિવસની રજા રહેશે. વાજપેયીના સન્માનમાં સરકારે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. ગૃહમંત્રાલયે સર્કયુલર બહાર પાડીને કહ્યું છે કે, આખા દેશમાં રાષ્ટ્રીય ધ્વજ આજથી અર્ધી કાઠીએ રહેશે. ગૃહ મંત્રાલયે કહ્યું છે કે વાજપેયીના સમ્માનમાં આખા ભારતમાં ૧૬ ઓગસ્ટથી રર ઓગસ્ટ સુધી રાજકીય શોક મનાવવામાં આવશે.

અટલજીના નિધન પર, ચીન, જાપાન, અમેરિકા, બ્રિટન, નેપાળ અને બાંગ્લાદેશે પોતાની સંવેદનાઓ વ્યકત કરી છે. પાકિસ્તાનના થનાર વડાપ્રધાન ઇમરાનખાને પણ તેમના મૃત્યુ પર દુઃખ વ્યકત કર્યું છે.

અટલજીના નિધન પર બોલીવુડના સુપરસ્ટારો દુઃખી છે અને શોક વ્યકત કરી રહ્યા છે. અટલજીની હાલત હોસ્પિટલમાં અંત્યત નાજુક બની ગઈ હતી.તે લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા. આ સમાચાર પછી જ્યારે આખો દેશ દુઃખી છે ત્યારે બીજી તરફ  બોલીવુડમાં પણ કલાકાર શોકાતુર છે. જેવા આ સમાચાર મળ્યા કે બોલીવુડના સ્ટોરોએ સોશિયલ મીડિયા પર તેમને શ્રધ્ધાંજલિ આપવા લાગ્યા હતા.

વાજપેયીજીની અંતિમયાત્રામાં ભાજપા કેટલાય દિગ્ગજ નેતાઓ સહિત હજારો કાર્યકર્તાઓ અને આમ પ્રજા પણ શામેલ થઇ. આ ઉપરાંત શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશની સરકારના પ્રતિનિધિઓ પણ વાજપેયીના અંતિમ દર્શન માટે દિલ્હીમાં હાજર રહ્યા. આ કારણે ટ્રાફીક જામથી બચવા અને સુરક્ષા કારણોથી અંતિમયાત્રાનો માર્ગ સામાન્ય જનતા માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. દિલ્હી સરકારે આજે પોતાની બધી ઓફીસો શાળાઓ અને બજારને પણ વાજપેયીના માનમાં બંધ રાખવાની જાહેરાત કરી છે.

(3:23 pm IST)