Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ ભારતીયો સહિત ૧૦૦ જેટલા વિદેશી નાગરિકોની ધરપકડઃ બંધ ટ્રકમાં મુસાફરી કરી રહેલા વિદેશી નાગરિકો ટેકસાસ બોર્ડર ઉપર ઝડપાયા

હયુસ્‍ટનઃ અમેરિકામાં બંધ ટ્રકમાં મુસાફરી કરી ગેરકાયદે પ્રવેશ મેળવવાની કોશિષ કરવા બદલ ભારતીયો સહિત ૧૦૦ જેટલા વિદેશીઓની ધરપકડ થઇ છે.

જેમાં કેટલાક ભારતીયોનો પણ સમાવેશ થાય છે. જો કે અમેરિકાના અધિકારીઓએ પકડાયેલાઓમાં કેટલા ભારતીયો છે તેની કુલ સંખ્યા જણાવી હતી. અમેરિકાની બોર્ડર પેટ્રોલ એજન્સીના જણાવ્યા મુજબ ગેરકાનૂની સંગઠન દ્વારા વિદેશીઓને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરાવવા માટે બંધ ટ્રકોનો ઉપયોગ કરવામાં આવે છે. હાલ જે લોકો પકડાયા છે તે ૭૮ લોકો રેફ્રિજરેટેડ ટ્રકમાં હતા. ટેક્સાસની બોર્ડર પર ચેકપોઈન્ટ ખાતે તેમને પકડવામાં આવ્યા હતા. તમામની ધરપકડ કરીને તેમની સામે ગેરકાયદે પ્રવેશ અંગે કાર્યવાહી હાથ ધરાઈ છે.

બોર્ડર પેટ્રોલ એજન્ટ દ્વારા છેલ્લા પાંચ દિવસમાં ૧૦૦થી વધુ વિદેશી પ્રવાસીઓને પકડવામાં આવ્યા છે. હ્યુસ્ટનમાં પણ ૪૫ લોકોને પકડવામાં આવ્યા છે. બે મહિના પહેલા આવી એક કાર્યવાહીમાં ૫૦થી વધુ વિદેશીઓને પકડવામાં આવ્યા હતા. અગાઉ ૧૦૦ જેટલા ભારતીયોને અમેરિકાની બોર્ડર પરથી બે ઈમિગ્રેશન સેન્ટર ખાતે પકડવામાં આવ્યા હતા જેમાં મોટાભાગના પંજાબીઓ હતા.

અમેરિકાના ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા અમેરિકામાં ઘૂસવા માગતા લોકોને પકડવામાં આવ્યા છે તેમાં હોન્ડુરાસ, અલ સાલ્વાડોર, મેક્સિકો, ગ્વાટેમાલા, આર્જેન્ટિના, ક્યૂબા, નાઇજીરિયા, ભારત ચિલી અને તુર્કીનાં નાગરિકોનો સમાવેશ થાય છે.

(9:04 pm IST)