Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

ITનું અવનવુઃ નવો કાયદો આવ્યો છતાં જુના કાયદા પ્રમાણે જ નોટીસ ફટકારી

વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૮ના વર્ષના કેસમાં ૩૦૦૦ નોટીસ આપી : જુના કાયદા પ્રમાણે નોટીસ આપતા કરદાતા કોર્ટમાં જવા તૈયાર

મુંબઇ, તા.૧૭: એક એપ્રિલ ૨૦૨૧થી નવો કાયદો અમલમાં આવ્યો કે છેલ્લા ત્રણ વર્ષના જ કેસ ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા રીઓપનીંગ કરી શકાશે. તેમ છતાં ઇન્કમટેક્ષ વિભાગે ૩ હજાર કરદાતાઓને નોટીસ આપતા આગામી દિવસોમાં વિવાદ થવાની શકયતા વધુ છે. કારણ કે ૫૦ લાખથી વધુની આવક છુપાવી હોય તો જ આઇટી અધિકારી નોટીસ ફટકારી શકે તેવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. છતાં પણ નોટીસ આપી દેતા મોટા ભાગના કરદાતાઓએ નવા નિયમ લાગુ થવા છતાં જૂના નિયમ પ્રમાણે નોટીસ આપતા કોર્ટમાં જવાની તૈયારી શરૂ કરી દીધી છે. નવા લાગુ થયેલા કાયદામાં ૫૦ લાખથી વધુની આવક છુપાવી હોય તો જ જૂના વર્ષના કેસ રીઓપનીંગ કરી શકાશે. જયારે પાછલા વર્ષના કેસ રીઓપનીંગ કરવા માટેની નોટીસ ૩૧ માર્ચ ૨૦૨૧ પહેલા આપી દેવાની હતી. પરંતુ કોરોનાની સ્થિતીને કારણે આઇટી અધિકારીઓએ આવી નોટીસ એક એપ્રિલ બાદ આપી છે. તેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જ ૩ હજાર નોટીસ ફટકારી છે. વિવાદ થવાનુ કારણ એવુ છે કે એક એપ્રિલ ૨૦૨૧થી પાછલા ત્રણ વર્ષના જ કેસ રીઓપનીંગ કરી શકાશે. તે પહેલાના કેસમાં ૫૦ લાખથી વધુની આવક છૂપાવી હોય તો જ આઇટી અધિકારી નોટીસ આપી શકે છે. જેથી સૌથી પહેલા તો નોટીસ આપ્યા બાદ અધિકારીએ સાબિત કરવાનુ છે કે ૫૦ લાખની આવક કરદાતાએ કેવી રીતે છુપાવી. જો તે સાબિત નહીં કરી શકે તો કરદાતાને પરેશાન કરવા માટે નોટીસ આપવામાં આવી રહી હોવાનુ બહાર આવવાની શકયતા રહેલી છે. જેથી આવા કિસ્સામાં કોર્ટ દ્વારા પણ અધિકારી સામે કડક કાર્યવાહી કરી શકે તેમ છે.(૨૩.૩)

નવા નિયમને કારણે જ અધિકારીઓ ભેરવાયાની સ્થિતી

સરકારે બહાર પાડેલા કાયદા અને તેના નિયમોમાં કરાયેલી જોગવાઇને કારણે જ આવી સ્થિતી સર્જાઇ છે. કારણ કે નવા નિયમ પ્રમાણે ૫૦ લાખની આવક છુપાવી હોવાનુ અધિકારીએ સાબિત કરવુ પડશે. જેથી કરદાતાએ નોટીસનો જવાબ આપતા પહેલા તમામ ચોકસાઇ રાખવાની રહેશે. તેમજ પુરતા પુરાવા હોય અને કોર્ટમાં કેસ દાખલ કરે તો તેઓની તરફેણમાં ચુકાદો આવી શકે છે. - વિરેશ રુદલાલ, સીએ

(12:58 pm IST)