Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

૨૦ વર્ષ લિવ ઈનમાં રહ્યા પછી ૫૮ વર્ષના વરરાજા અને ૫૦ વર્ષની કન્યાએ કર્યા લગ્ન

ઉત્તપ્રદેશના એક ગામમાં અનોખા લગ્ન લેવાયા હતાં: જેમાં સરપંચ અને ગામવાળાઓએ ૫૮ વર્ષના વરરાજા અને ૫૦ વર્ષની કન્યાના લગ્ન કરાવ્યા હતા : તેમને ૧૩ વર્ષનો દીકરો પણ છે

ઉન્નાવ, તા.૧૭: ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં એક અજબ લગ્ન થયા છે જેની ચર્ચા સમગ્ર ઉત્તર પ્રદેશમાં છે. ઉન્નાવના ગંજમુરાબાદના ગામમાં ૫૮ વર્ષના વરરાજા અને ૫૦ વર્ષની દુલ્હન લગ્નના બંધનમાં બંધાયા. તેમનો ૧૩ વર્ષનો પુત્ર પણ લગ્નમાં જાનૈયાઓ સાથે બેન્ડબાજા પર ડાન્સ કરતો જોવા મળ્યો. લગ્ન બાદ ૫૮ વર્ષના વરરાજાએ જણાવ્યું કે, કેટલાક લોકો તેને લગ્ન વગર મહિલાની સાથે રહેવાથી મેણા ટોણા મારતા હતા. આ મેણા ટોણાથી બચવા માટે ગામના વડિલોના કહેવા મુજબ આ ઉંમરે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. વરરાજાની બહેનનો દાવો છે કે બંનેએ ૨૦ વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા, પરંતુ કેટલાક કારણોસર લગ્ન રીતિ રિવાજો મુજબ થઈ શકયા ન હતા, પરંતુ તેઓ એકબીજા સાથે રહેતા હતા. હવે પરિવારની પરસ્પર સંમતિ પછી બંનેના લગ્ન રીત રિવાજ સાથે થયા છે.

રસુલપુર રૂરીમાં રહેતા નારાયણ અને રામરતી બંને લગભગ ૨૦ વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. બંને ખેતી અને મજુરી કરીને જીવન પસાર કરતા હતા. લગ્ન માટે ગામના સરપંચ અને અન્ય લોકોએ ડીજે, બેન્ડબાજા અને રસોઈની વ્યવસ્થા કરી અને ૧૨ જુલાઈના રોજ બંનેએ રીતિ રિવાજો પ્રમાણે લગ્ન કર્યા. ગામના સરપંચ રમેશે વરરાજા-કન્યા તેમજ ગામના લોકો સાથે મળીને લગ્નની સંપૂર્ણં તૈયારીઓ કરી હતી. રસ્તામાં પ્રાથમિક વિદ્યાયલની પાસે જાનૈયાઓને નાસ્તો કરાવ્યો હતો. ગામની બહાર આવેલા બ્રહ્મદેવ બાબાના મંદિરે વર-કન્યાના લગ્નની વિધિ પૂરી થઈ. ત્યારબાદ, તે બંને તેમના દ્યરે ગયા અને એકબીજા સાથે સાત ફેરા લીધા અને ગામના લોકોએ શુભેચ્છા પાઠવી.

નારાયણ અને રામરતી છેલ્લા ૨૦ વર્ષથી લિવ ઇન રિલેશનશિપમાં રહે છે અને તેમને ૧૩ વર્ષનો એક પુત્ર અજય પણ છે. પુત્ર પોતાના માતા-પિતાના આ લગ્નથી દ્યણો ખુશ છે અને તેને ડીજે પર ડાન્સ પણ કર્યો હતો. રામરતીના પિતાએ કન્યાદાન કર્યું અને લગ્નની વિધિ પૂરી કરી. જાનૈયાને ભોજન પણ કરાવ્યું. આ લગ્નથી ગામના લોકોની સાથે તેમના પરિવારના લોકો પણ દ્યણા ખુશ હતા. મીડિયામાં આવેલા અહેવાલો મુજબ આ લગ્નની સંપૂર્ણ તૈયારી ગામની પંચાયતની આગેવાનીમાં ગામ લોકોએ સાથે મળીને કરી હતી. એકદમ ધામધૂમથી લગ્નની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. જાનમાં ડીજે પર ગ્રામજનો ખૂબ નાચ્યા હતા. ગામના સરપંચે કરાવેલા આ લગ્ન અત્યારે આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. વરરાજા નારાયણ રૈદાસે જણાવ્યું કે ગામ લોકોની મદદથી જ તેઓ રીત રિવાજ મુજબ લગ્ન કરી શકયા છે.

(10:59 am IST)