Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

ઓલટાઈમ હાઈ બનાવ્યા બાદ બજાર નીચે આવી ગયું

વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતની સ્થાનિક બજાર પર અસર : એચસીએલ ટેક, ઈન્ફોસિસ, બજાજ ફિનસર્વ, એનટીપીસી અને ઈન્ડસઈન્ડ બેંક મુખ્યરુપે નુકશાનમાં

મુંબઈ, તા.૧૬ : શુક્રવારનો દિવસ શેર બજાર માટે વધુ એક ઓલટાઈમ હાઈ લઈને આવ્યો હતો. બજારમાં બન્ને મુખ્ય સુચકાંક-બીએસઈ-૩૦ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી કારોબાર દરમિયાન નવી ઊંચાઈએ પહોંચ્યા બાદ ગિરાવટ સાથે તેમના છેલ્લા સ્તરો પર બંધ થયા. વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતની સ્થાનિક બજાર પર અસર જોવા મળી હતી.

૩૦ શેરો પર આધારિત બીએસઈ સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં ૫૩,૨૯૦.૮૧ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો, પરંતુ પછીથી તે ૧૮.૭૯ પોઈન્ટ એટલે કે ૦.૦૪ ટકાની ગિરાવટ સાતે ૫૩,૧૪૦.૦૬ પોઈન્ટ પર બંધ થયો. તો વળી નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૦.૮૦ પોઈન્ટ એટલે કે ૦.૦૧ ટકાની નામમાત્ર ગિરાવટ સાથે ૧૫,૯૨૩.૪૦ પોઈન્ટ પર બંધ થયો હતો.

સેન્સેક્સના શેરોમાં ૩ ટકાથી વધુ ગિરાવટ સાથે સર્વાધિક નુકશાનમાં એચસીએલ ટેકના શેર રહ્યા. આ ઉપરાંત ઈન્ફોસિસ, બજાજ ફિનસર્વ, એનટીપીસી, આઈસીઆઈસીઆઈ બેંક અને ઈન્ડસઈન્ડ બેંક મુખ્યરુપે નુકશાનમાં રહ્યા હતા. બીજી બાજુ ભારતી એરટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા સ્ટીલ અને પાવર ગ્રિડ સહિતના અન્ય શેરો લાભમાં રહ્યા હતા.

એચડીએફસી સિક્યોરિટીસના રિસર્ચ એનાલિસ્ટ નાગરાજ શેટ્ટીના નુસાર આજે સેન્સેક્સ અને નિફ્ટીએ સારી મુવમેન્ટ બતાવી. બન્નેએ નવી ઊંચી બનાવી. જોકે, દિવસમાં થોડું કરેક્શન જોવા મળ્યું હતું. પરંતુ પછી બજાર સામાન્ય ગિરાવટ સાતે બંધ રહ્યું હતું. રિલાયન્સ સિક્યોરિટીસના રણનીતિ પ્રમુખ વિનોદ મોદીએ કહ્યું કે સેન્સેક્સ અને નિફ્ટીના અત્યાર સુધીમાં સર્વોચ્ચ સ્તર પર પહોંચવાની સાથે સ્થાનિક શેર બજાર સીમિત દાયરામાં રહ્યા હતા.

જોકે, આઈટી અને નાણાંકીય શેરોમાં નફા વસુલવાના વલણ ને વેચવાલીના દબાણથી નિફ્ટી નીચે આવ્યો હતો. તેમણે કહ્યું કે રોકાણકારોનું ઔષધિ અને એ પછી ધાતુ શેરો પર જોર રહ્યું. સારી કમાણીની આશાએ મધ્યમ અને નાની કંપનીઓના શેરોમાં તેજી જળવાઈ રહી હતી.

એશિયાના અન્ય બજારોમાં શાંઘાઈ, સિયોલ અને ટોક્યો નુકશાનમાં રહ્યા હતા જ્યારે હોંગકોંગમાં તેજી જોવા મળી હતી. યુરોપના મુખ્ય બજારોમાં મધ્યાહન કારોબારમાં તેજીનું વલમ રહ્યું. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓઈલ માનક બ્રેન્ટ ક્રૂડ -૩૩ ટકાની વૃધ્ધિ સાથે ૭૩.૭૧ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું હતું.

(12:00 am IST)