Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

અકસ્માત રોકવા માટે મોટા વાહનો પર કલર કોડ લાગુ થશે

ટ્રક, ટ્રેલર વગેરે ડાર્ક બ્લુ રંગના થશે, વાહન ટ્રેકીંગ ડીવાઇસ લગાવવી જરૂરીઃ પાર્કીંગ એલર્ટ સીસ્ટમ ફરજીયાત બનશે

નવી દિલ્હી તા.૧૭: ધંધાદારી વાહનોને લીધે થતા રોડ અકસ્માત ઘટાડવા માટેના સૂચનો મુજબ ખતરનાક વસ્તુનું વહન કરતાં ટેંકરો સફેદ રંગથી રંગવામાં આવશે જયારે ટ્રકોને ડાર્ક બ્લુ રંગથી ટેંકર-ટ્રક પર રાતે ચમકતા હોય તેવા રીફલેકટરની પટ્ટી હશે. આ સાથે જ વાહનોની વીંડ સ્ક્રીન પર ઇલેકટ્રોનીક ટોલ કલેકશન માટે ફાસ્ટટેગ ફરજીયાત બનશે.

સડક પરિવહન મંત્રાલયે ૧૩ જુલાઇના રોજ આવા આદેશો આપતી અધિસૂચના કરી દીધી છે. જેના ઉપર એક મહિનામાં લાગતા વળગતા લોકો પાસેથી સુઝાવ અને ફરીયાદો માંગવામાં આવી છે. ત્યાર પછી નવા નિયમો લાગુ કરી દેવામાં આવશે. મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે દેશમાં રોડ અકસ્માતમાં ૧,૫૦,૦૦૦ લોકોના મોત થાય છે જેમાંથી ૩૫ ટકા એટલે કે ૫૨૦૦૦ લોકોના મોત ભારે વાહનોથી થાય છે. સરકારે અકસ્માતો ઘટાડવા માટે લાંબા અંતરના ધંધાદારી વાહનોની નેશનલ પરમીટમાં નવા નિયમો શામેલ કર્યા છે.

જેમાં નેશનલ પરમીટ મેળવવા માટે ટેંકરોને સફેદ કલરથી રંગવા પડશે. ટેંકરની પાછળ અને સાઇડની બોડી પર રીફલેકટર પટ્ટી લગાડવી જરૂરી બનશે. ટ્રક-ટ્રેલર વગેરેનો રંગ ડાર્ક બ્લુ અને રીફલેકટર પટ્ટીવાળો હશે.

ગેસ, પેટ્રોલીયમ જેવી ખતરનાક વસ્તુઓની હેરફેર કરતા ટેંકરોની બોડી પર મોટા અક્ષરોમાં નેશનલ પરમિટ અને તેમાં રહેલી વસ્તુનો ઉલ્લેખ કરવો પડશે. વાહનોના વીન્ડ સ્ક્રીન પર ફાસ્ટ ટેગ લગાવવી ફરજીયાત બનશે જેથી ટોલ પ્લાઝા ઉપર ચાલતા વાહનોને ટોલ વસુલ થઇ શકે અને જામ જેવી સ્થિતિ ઉત્પન્ન ન થાય.

આઠ વરસ જુના વાહનો માટે દર બે વર્ષે એકવાર ફીટનેસ સર્ટીફિકેટ લેવાનું રહેશે. આનાથી વધારે જુના વાહનો માટે તે દર વર્ષે લેવાનંુ રહેશે. જો કે નવા ટ્રક માટે તેની જરૂર નહીં પડે. માલનું વહન ઢાંકેલા ટ્રકમાં કરવાનું રહેશે. જો તે શકય ન હોય તો તેને કપડાથી ઢાંકવુ પડશે. ધંધાદારી વાહનોમાં વાહન ટ્રેકીંગ ડીવાઇસ લગાડવી ફરજીયાત બનશે. પરિવહન ક્ષેત્રના નિષ્ણાંત એસ.પી.સિંહનું કહેવું છે કે સરકારના આ પગલાથી રોડ અકસ્માતો ઘટશે.

- દર કલાકે રોડ પર ૧૭ મોત થાય છે.

- ૮૪ ટકા મોત ૧૩ રાજયોમાં થાય છે. યુપી અને તામલીનાડુ સોૈથી આગળ

- પાર્કિંગ એલર્ટ સીસ્ટમ ફરજીયાત

સરકાર ધંધાદારી વાહનોમાં પાર્કિંગ એલર્ટ સીસ્ટમ ફરજીયાત કરવાનું વિચારી રહી છે. તેની સાથે જ ડ્રાઇવરોની સુરક્ષા મજબુત કરવાના હેતુથી ટ્રકોમાં એયરબેગ, સીટબેલ્ટ, ઓવરસ્પીડ, એલર્ટ ડીવાઇસ સહિત વધારાના સુરક્ષા ઉપાયો લાગુ કરશે. સરકારે આ માટે પ્રસ્તાવ તૈયાર કર્યો છે. વિશેષજ્ઞો સાથે ચર્ચા વિચારણા પછી વાહન અધિનિયમમાં તેને શામેલ કરાશે.

(4:31 pm IST)