Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

અડધા ભારતમાં મેઘતાંડવ : લુધિયાણામાં ચાર કલાકમાં નવ ઇંચ વરસાદ ખાબકયો

દહેરાદૂન તા. ૧૭ : દેશનાં લગભગ મોટા ભાગનાં રાજયમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, જેમાં લુધિયાણામાં માત્ર ચાર જ કલાકમાં નવ ઈંચ વરસાદ પડતાં ઠેરઠેર જળબંબાકાર સર્જાયો છે. બીજી તરફ ઉત્તરાખંડમાં સતત બીજા દિવસે પણ વાદળ ફાટતાં ભારે ખાનાખરાબી થઈ છે.

આ ઉપરાંત મનાલીમાં ભૂસ્ખલન થતાં કુલુ-મનાલી હાઈવે પાંચ કલાક ઠપ થઈ ગયો હતો. જયારે દિલ્હીમાં ભારે વરસાદથી પુલ નીચે એક બસ ફસાઈ હતી, જોકે બસમાં બેઠેલા મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. પિથોરાગઢમાં પૂરમાં તણાઈ જતાં એક મહિલાનું મોત થયું હતું. હવામાન વિભાગે યુપી અને મધ્યપ્રદેશમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતના સોમનાથમાં છ કલાકમાં ૧૨ ઈંચ વરસાદ થતાં વાયુસેનાની મદદ લેવામાં આવી રહી છે.

ઉત્તરાખંડમાં સિઝનના પ્રથમ વરસાદે આફત ઊભી કરી છે. રાજયના ચમૌલી જિલ્લામાં ફરી આભ ફાટતાં વરસાદથી માલસામાનને ભારે નુકસાન થયું છે. ગઈ કાલે થયેલા વરસાદમાં ચમૌલીની ૧૦ દુકાનો અને પાંચ કાર પાણીના વેગમાં વહી ગયાં હતાં.પરોઢિયે ચાર વાગ્યા આસપાસ આભ ફાટતાં કુંડી ગામમાં છ પરિવાર છત્રવિહોણા થયા હતા. જયારે પશુઓ ગૌશાળામાં અટવાઇ ગયા હતા. જયારે ગઢવાલમાં પાણીના પ્રચંડ પ્રવાહમાં ૩૫૦ બકરીઓ તણાઈ ગઇ હતી. સતત વરસાદના કારણે બદરીનાથ હાઇવે પણ બંધ કરી દેવાયો હતો.ઢાડરબગડથી રતગાંવનો રસ્તો ધોવાઇ જતાં તથા ભૂસ્ખલનના કારણે વાહનવ્યવહાર અટકી ગયો હતો. આ રૂટ પર એક પુલ પણ તૂટી પડતાં બંને ગામ સંપર્કવિહોણાં બન્યાં છે.

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતાં તેમજ શિમલામાં ભારે વરસાદના કારણે સર્વત્ર પાણી ભરાઇ ગયાં હતાં. હવામાનખાતાના જણાવ્યા અનુસાર આગામી ૨૦ જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી છે. ગત શનિવારથી હિમાચલ પ્રદેશના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધર્મશાળામાં રવિવારથી શરૂ થયેલા વરસાદે સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું.

ભારતનાં મોટા ભાગનાં રાજયમાં હાલ ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. છિંદવાડામાં પણ છેલ્લા કેટલાક સમયથી અટકી-અટકીને વરસાદ થઈ રહ્યો છે, તેના કારણે અનેક નદીઓ અને નાળાં ઊભરાઈ ગયાં છે. નાસિકની ગોદાવરી નદીમાં પૂર આવતાં મંદિર ડૂબી ગયું હતું.

(4:29 pm IST)