Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

નફરતની આગમાં યુપી સૌથી આગળ : ગુજરાત બીજા ક્રમે

માનવ અધિકારોની પેરવી કરતાં સંગઠન 'એમનેસ્ટી' ઇન્ટરનેશનલનો રિપોર્ટ : ભેદભાવ હેડ ક્રાઇમ્સનું મુખ્ય કારણઃ ૨૦૧૮ના પ્રથમ ૬ મહિનામાં 'હેડક્રાઇમ્સ'ની ૧૦૦ ઘટનાઓ બની : ભોગ બન્યા દલિત, આદિવાસી, લઘુમતીઓ અને ટ્રાન્સજેન્ડરો

મેરઠ તા. ૧૭ : માનવ અધિકારોની પેરવી કરતા સંગઠન એમનેસ્ટી ઈંટરનેશનલ ઈંડિયાના હાલના રિપોર્ટ પર ધ્યાન આપીએ તો, ૨૦૧૮ના વીતેલા ૬ મહિનામાં દેશભરમાં હેટ ક્રાઈમ્સ (નફરતના કારણે હિંસા કરવી)ની ૧૦૦ ઘટનાઓ સામે આવી છે. હેટ ક્રાઈમનો શિકાર દલિત, આદિવાસી, જાતિ અને ધર્મના આધારે અલ્પસંખ્યક સમુદાયના લોકો, ટ્રાન્સજેન્ડર વગેરે બન્યા છે. હેટ ક્રાઈમની ૧૮ ઘટનાઓ સાથે ઉત્તરપ્રદેશ સૌથી આગળ છે. બીજા ક્રમે ૧૩ ઘટનાઓ સાથે ગુજરાત છે. ત્યાર બાદ રાજસ્થાન (૮ ઘટનાઓ), તમિલનાડુ અને બિહાર (બંને રાજયમાં ૭ ઘટનાઓ)નો નંબર આવે છે.

હાપુડમાં મોબ લિચિંગની ઘટનાની તપાસ ચાલી રહી છે ત્યારે આ રિપોર્ટ સામે આવ્યો છે. હાપુડમાં જૂન મહિનામાં મોહમ્મદ કાસિમ નામના એક શખ્સને ગૌહત્યાની શંકામાં માર મારીને મારી નાખ્યો હતો. આ કિસ્સામાં માંડ માંડ બચેલા અન્ય શખ્સ સમયદ્દીને પોલીસને ફરિયાદ કરી તો પોલીસે મોબ લિચિંગના બદલે ઝઘડા તરીકે આ સમગ્ર મામલો દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો.

માનવ અધિકારોની રક્ષા સાથે જોડાયેલા આ સંગઠને દેશમાં થતી હેટ ક્રાઈમની ઘટનાઓનો ડેટા તૈયાર કરવાની કામગીરી દાદરીમાં મોહમ્મદ અખલાખની હત્યા બાદ શરૂ કરી છે. સપ્ટેમ્બર ૨૦૧૫માં દાદરીમાં રહેતા મોહમ્મદ અખલાખની સ્થાનિક લોકોએ બીફ ખાવાની શંકાના આધારે મારી-મારીને હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ દેશભરમાં હેટ ક્રાઈમના ૬૦૩ કિસ્સા સામે આવ્યા છે. એમનેસ્ટીએ પોતાની વેબસાઈટ 'હોલ્ટ ધ હેટ' પર આ કિસ્સાઓ નોંધ્યા છે.

૨૦૧૮ના વીતેલા ૬ મહિનાઓ વિશે એમનેસ્ટીના રિપોર્ટમાં માહિતી છે. રિપોર્ટ પ્રમાણે, દેશભરમાં અત્યાર સુધી દલિતો સામે આ પ્રકારના ૬૭ અને મુસ્લિમો સામે ૨૨ કિસ્સાઓ સામે આવ્યા છે. એમનેસ્ટીએ રેકોર્ડ કરેલા આ અપરાધોમાં સૌથી વધારે કિસ્સા ગૌહત્યાની શંકા અને ઓનર કિલિંગ સાથે જોડાયેલા છે. ઉત્તર પ્રદેશનો પશ્ચિમ વિસ્તાર આ મામલે સૌથી વધુ સંવેદનશીલ છે. અહીં જાતિ અને ધર્મના નામે ઘણીવાર હિંસા ભડકી છે. ૨૦૧૮માં અમારા સહયોગી TOIએ દલિતો સામે થયેલી ૬ હેટ ક્રાઈમની ઘટનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. દલિતો સામેની આ ઘટનાઓ મેરઠ, મુઝઝફરનગર, સહારનપુર અને બુંદલશહરમાં ઘટી હતી.

એમનેસ્ટી ઈંટરનેશનલ ઈંડિયાના કાર્યકારી નિર્દેશક આકર પટેલે કહ્યું કે, 'હેટ ક્રાઈમ બીજા ગુનાઓ કરતાં અલગ છે. આ ગુનાઓ પાછળ ભેદભાવ મુખ્ય કારણ છે. જો કે કાયદો (અમુક અપવાદોને બાદ કરતાં) હેટ ક્રાઈમને ઓળખ અલગથી નથી કરતો. પોલીસે આ પ્રકારના અપરાધો પાછળના ભેદભાવના સાચા કારણો શોધીને પોતાના રિપોર્ટમાં યોગ્ય રીતે ઉલ્લેખ કરવો જોઈએ.'(૨૧.૫)

(10:39 am IST)