Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

સત્યેન્દ્ર જૈન સાથે સંકળાયેલા ૧૦ સ્થળ પર ઈડીના દરોડા

આપના જેલમાં બંધ મંત્રી પર કાયદાનો શિકંજો કસાયો : દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના ઠેકાણાઓ પર બે સપ્તાહની અંદર આ બીજી વખત દરોડો પડ્યો

નવી દિલ્હી, તા.૧૭ : જેલમાં બંધ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન સાથે સંકળાયેલા ૧૦ ઠેકાણાઓ પર આજે સવારે દરોડો પાડવામાં આવ્યો હતો. ઈડીએ દિલ્હી-એનસીઆરમાં આવેલા આ તમામ સ્થળોએ દરોડો પાડ્યો હતો. આ ઉપરાંત ઈડીના અધિકારીઓએ લાલા જીવન વિજ્ઞાન ટ્રસ્ટ તથા કરોલ બાગ મસાલે (કેબીએમ)ના માલિકના ઠેકાણાઓ પર પણ દરોડો પાડ્યો છે.

સત્યેન્દ્ર જૈનના ઠેકાણાઓ પર બે સપ્તાહની અંદર આ બીજી વખત દરોડો પડ્યો છે. અગાઉ ગત ૬ જૂનના રોજ પણ ઈડીના અધિકારીઓએ જૈન સાથે સંકળાયેલા સ્થળોએ દરોડો પાડ્યો હતો. સત્યેન્દ્ર જૈન મની લોન્ડ્રિંગના કેસમાં હાલ ગત વખતના દરોડા દરમિયાન ઈડી દ્વારા કથિતરૂપે એવો દાવો કરવામાં આવ્યો હતો કે, દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન તથા તેમના સાથીદારોના ત્યાં પાડવામાં આવેલા દરોડામાં કરોડો રૂપિયાની રોકડ તથા ઘરેણાંઓ મળી આવ્યા છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, દરોડા દરમિયાન પ્રકાશ જ્વેલરના ત્યાંથી ૨.૨૩ કરોડની રોકડ મળી આવી હતી જ્યારે અન્ય એક સહયોગી વૈભવ જૈનના ત્યાંથી ૪૧.૫ લાખની રોકડ તથા સોનાના ૧૩૩ સિક્કાઓ મળી આવેલા. જ્યારે જીએસ મથારૂના ત્યાંથી ૨૦ લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી.

ઈડીના કહેવા પ્રમાણે દરોડા દરમિયાન અનેક મહત્વના દસ્તાવેજો તથા ડિજિટલ રેકોર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. સાથે જ કુલ ૨.૮૫ કરોડ રૂપિયાની રોકડ તથા સોનાના ૧૩૩ સિક્કા મળી આવ્યા છે જેનું વજન ૧.૮૦ કિગ્રા જેટલું થાય છે. આ તમામ વસ્તુઓના સ્ત્રોત અંગે કોઈ જાણકારી નહોતી મળી શકી. 

(8:11 pm IST)