Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

પયગંબર પર ટિપ્પણીની ભાજપ દ્વારા ટીકાથી આનંદ થયોઃ યુએસ

ભાજપના બે નેતાની ટિપ્પણીથી મુસ્લિમ દેશોમાં હોબાળો : અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તાએ ભાજપના બે નેતા દ્વારા કરવામાં આવેલા નિવેદનની ટીકા કરી

વોશિંગ્ટન, તા.૧૭ : સંયુક્ત રાજ્ય અમેરિકાએ કેન્દ્રની સત્તાધારી પાર્ટી ભાજપના બે અધિકારીઓ દ્વારા પયગંબર મોહમ્મદ પર કરવામાં આવેલા વિવાદિત નિવેદનની નિંદા કરી છે, જેણે મુસ્લિમ દેશોમાં હોબાળો મચાવી દીધો છે.

અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે ગુરૂવારે કહ્યુ, અમે ભાજપના બે અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા વિવાદિત નિવેદનની ટીકા કરીએ છીએ પરંતુ અમને એ જોઈને ખુશી થઈ કે પાર્ટીએ સાર્વજનિક રીતે તે ટીકાની નિંદા કરી છે.  તેમણે કહ્યુ, અમે ધર્મ કે આસ્થાની સ્વતંત્રતા સહિત માનવાધિકાર સંબંધી ચિંતાઓ પર ભારત સરકારની સાથે વરિષ્ઠ સ્તર પર નિયમિત રીતે જોડાતા રહ્યા છીએ અને અમે ભારતને માનવાધિકારોના સન્માનને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટી ભાજપની પ્રવક્તા નૂપુર શર્માએ ૨૬ મે એ પયગંબર મોહમ્મદ પર એક ટેલીવિઝન ડિબેટમાં ટીકા કરી હતી, જેનો ઈસ્લામિક દેશોમાં વિરોધ થઈ રહ્યો છે અને તેના વિરુદ્ધ પ્રદર્શનો થઈ રહ્યા છે. બીજેપી નેતાઓની ટિપ્પણીનુ ધની અરબ દેશોમાં રાજદ્વારીઓના સ્તરે વિરોધ કરવામાં આવ્યો, જ્યાં સામાન્ય રીતે ભારતની સાથે ઘનિષ્ઠ સંબંધોનો આનંદ લેવામાં આવતો રહ્યો છે. બાંગ્લાદેશમાં પણ પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન શેખ હસીનાને આ મામલે ભારત સાથે ઔપચારિક નિંદાની માગ કરવાનુ કહ્યુ છે.

બીજેપીએ ડેમેજ કંટ્રોલ કરતા નૂપુર શર્મા અને નવીન કુમાર જિંદલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. ભાજપે નૂપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે, અને નવીન કુમાર જિંદલને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે.

(8:09 pm IST)