Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

ચીસ પાડીને કમાણી કરે છે આ લેડી

એશ્‍લેના મતે ચીસ પણ ઘણા પ્રકારની હોય છે

ન્‍યુયોર્ક, તા.૧૭: ચીસ પાડવા માટે પણ તમને રૂપિયા મળી શકે છે. અમેરિકામાં પ્રોફેશનલ સ્‍ક્રીમ આર્ટિસ્‍ટ ઍશ્‍લે પેલ્‍ડન માઇક્રોફોન સામે કલાકો વિતાવે છે જેના બદલામાં તે રૂપિયા મેળવે છે. એશ્‍લેને એક્‍ટિંગમાં પહેલી વખત તક મળી જેમાં ચીસનો બહુ મોટો ફાળો હતો. ૧૯૮૦ના દાયકામાં ન્‍યુયોર્કમાં મોટી થયેલી ઍશ્‍લેને ‘ચાઇલ્‍ડ ઓફ રેજ' નામની ફિલ્‍મમાં મહત્ત્વનો રોલ મળ્‍યો હતો, જેમાં તેણે બૂમ અને ચીસ પાડવાનાં મોટાં દૃશ્‍યો ભજવવાનાં હતાં. ઓડિશન દરમ્‍યાન તેણે પાત્રએ અનુભવેલી વેદના દર્શાવવા માટે ચીસો પાડવાની હતી. ઍશ્‍લે ૨૦ વર્ષની થઈ ત્‍યાં સુધી તે ૪૦થી વધુ ફિલ્‍મ અને ટીવી-શોમાં કામ કરી ચૂકી હતી.

શાંતિથી જીવન વિતાવવા તેણે ૨૦૦૦ના દાયકાના અંતથી ઓન કેમેરા પર્ફોર્મરની જગ્‍યાએ વૉઇસ ઓવર અભિનેતા બનવાનું નક્કી કર્યું. તેને એવી ઘણી ફિલ્‍મો મળી, જેમાં તેણે બૂમ તેમ જ ચીસ પાડવાની હોય. એશ્‍લેએ ‘ફ્રી ગાય', ‘પેરાનોર્મલ એક્‍ટિવિટી' અને ‘સ્‍ક્રીમ' જેવી ફિલ્‍મોમાં પોસ્‍ટ પ્રોડક્‍શન વખતે કામ કર્યું છે. જ્‍યારે કોઈ ઍક્‍ટર પોતાના અવાજમાં એ જોર ન લાવી શકે ત્‍યારે ડિરેક્‍ટર ઍશ્‍લેને યાદ કરે છે.

ઍશ્‍લેના મતે ચીસ પણ ઘણા પ્રકારની હોય છે; જેમાં ડર, ગુસ્‍સો, આનંદ અને સફળતાનો સમાવેશ હોય છે.સ્ત્રી સશક્‍તીકરણની ચીસો, દુઃખ અને પીડાની ચીસો તેમ જ લડાઈની ચીસો હોય છે. કેરેક્‍ટરની ચીસો કયા પ્રકારની છે એ જાણવું પડે છે. કોઈ ચીસ અમુક સમયે સૌથી વધુ તીવ્ર હોય તો કોઈ લાંબા સમય સુધી એકસરખી હોય અને જીવ જોખમમાં હોય ત્‍યારે પાડેલી ચીસો જેવી બાબતોનો આમાં સમાવેશ છે. સ્‍ક્રીમ આર્ટિસ્‍ટ પણ સ્‍ટન્‍ટમેન જેવું જ કામ હોય છે. ઍશ્‍લે માટે સૌથી અઘરી ચીસ દુઃખની છે. વાસ્‍તવમાં માણસ ડરે ત્‍યારે અવાજ કરતો નથી, પરંતુ ફિલ્‍મોમાં એવું નથી.

(4:14 pm IST)