Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

સોનિયા ગાંધીને શ્વાસનળીમાં સંક્રમણ : કોરોના બાદ નાકમાંથી આવ્યુ'તું લોહી

કોંગ્રેસ અધ્યક્ષના સ્વાસ્થ્યની જાણકારી અપાઇ : સારવાર હજુ પણ ચાલુ

નવી દિલ્હી તા. ૧૭ : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી શ્વસન માર્ગમાં ગંભીર ચેપ સામે ઝઝૂમી રહ્યા છે. કોવિડ બાદ તાજેતરમાં તેના નાકમાંથી લોહી નીકળ્યું હતું. શુક્રવારે કોંગ્રેસે તેમના સ્વાસ્થ્યને લઈને મહત્વપૂર્ણ માહિતી શેર કરી હતી.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના પ્રવકતા જયરામ રમેશે જણાવ્યું કે સોનિયા ગાંધી હજુ પણ દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ છે. તે શ્વસન માર્ગના ચેપ અને કોવિડ-૧૯ પછીની ગૂંચવણો માટે સારવાર હેઠળ છે. તે ડોકટરોની નજીકની દેખરેખ હેઠળ છે.

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષના નીચલા શ્વસન માર્ગમાં 'ફંગલ ઇન્ફેકશન' જોવા મળ્યું છે. તેમણે કહ્યું કે કોવિડ-૧૯ સંક્રમણ પછી આ ચેપ અને ગૂંચવણોને ધ્યાનમાં રાખીને તેમની સારવાર ચાલી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને કોવિડનું નિદાન થયા બાદ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે ૧૨ જૂને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેણી ૨ જૂને કોરોના વાયરસથી સંક્રમિત મળી આવી હતી.

જયરામ રમેશે એક નિવેદન જારી કરીને કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષની સારવાર સર ગંગારામ હોસ્પિટલમાં ચાલી રહી છે. ગુરુવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. આ પછી તપાસમાં જાણવા મળ્યું કે તેને શ્વસન માર્ગમાં ફંગલ ઇન્ફેકશન છે. તેમને અન્ય સમસ્યાઓ પણ છે. તબીબો તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે.

એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી) એ નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષને ૨૩ જૂને પૂછપરછ માટે હાજર થવા માટે નવેસરથી સમન્સ જારી કર્યું છે. અગાઉ, તેમને ૮ જૂને હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ કોરોના સંક્રમિત હોવાના કારણે, તેમણે તપાસ એજન્સી સમક્ષ હાજર થવા માટે નવી તારીખની વિનંતી કરી હતી.

દરમિયાન, પાર્ટીના નેતા, રાહુલ ગાંધીની ઇડીની પૂછપરછ દરમિયાન વિરોધ કરી રહેલા કોંગ્રેસના સાંસદો અને કાર્યકરો સાથે દિલ્હી પોલીસના ગેરવર્તણૂકને લઈને સોમવાર, ૨૦ જૂને સાંજે ૫ વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે.

(4:07 pm IST)