Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

NCERTના ધોરણ ૧૨ના પુસ્‍તકોમાંથી ગુજરાત રમખાણોનો વિષય કાઢી નાખવામાં આવ્‍યો

નક્‍સલવાદી ચળવળનો ઈતિહાસ જેવા ઘણા અભ્‍યાસક્રમો પણ હટાવી દેવામાં આવ્‍યા છે

નવી દિલ્‍હી, તા.૧૭: NCERT (નેશનલ કાઉન્‍સિલ ઓફ એજ્‍યુકેશનલ રિસર્ચ એન્‍ડ ટ્રેનિંગ) એ ધોરણ ૧૨ના અભ્‍યાસક્રમમાં સુધારો કર્યો છે. આ નવા સુધારા અંગે ગુરુવારે NCERની વેબસાઈટ પર એક નોંધ જારી કરવામાં આવી છે. આ મુજબ NCERTએ ૧૨મા ધોરણના પોલિટિકલ સાયન્‍સના પુસ્‍તકમાંથી ગુજરાત રમખાણોનો અભ્‍યાસક્રમ હટાવી દીધો છે. આ સિવાય નક્‍સલવાદી ચળવળનો ઈતિહાસ જેવા ઘણા અભ્‍યાસક્રમો પણ હટાવી દેવામાં આવ્‍યા છે.NCERT દ્વારા જારી કરાયેલી નોંધ મુજબ ૧૨મા પોલિટિકલ સાયન્‍સના અભ્‍યાસક્રમમાં કરાયેલા સુધારા મુજબ લખાણ સામગ્રીના આ ગુજરાત રમખાણો દર્શાવે છે કે સરકારી તંત્ર પણ સાંપ્રદાયિક લાગણીઓ પ્રત્‍યે સંવેદનશીલ બને છે. ગુજરાતની જેમ આ ઉદાહરણો આપણને રાજકીય હેતુઓ માટે ધાર્મિક લાગણીઓનો ઉપયોગ કરવાના જોખમો વિશે ચેતવણી આપે છે. તે લોકશાહી રાજકારણ માટે ખતરો છે, તે એક ફકરામાં કહેવામાં આવ્‍યું છે જેને દૂર કરવામાં આવ્‍યું છે.
આ સાથે, ટેક્‍સ્‍ટમાંથી તત્‍કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું નિવેદન પણ હટાવી દેવામાં આવ્‍યું છે, જેમાં મુખ્‍યમંત્રી (ગુજરાતના)ને સંદેશ છે કે તેઓ રાજ ધર્ર્મનું પાલન કરે. શાસકે જાતિ, સંપ્રદાય અને ધર્મના આધારે તેની પ્રજા વચ્‍ચે ભેદભાવ ન કરવો જોઈએ.અત્‍યાર સુધી આ ટેક્‍સ્‍ટ મટીરીયલ ધોરણ ૧૨માં પોલિટિકલ સાયન્‍સના પુસ્‍તકમાં પાના ૧૮૭ થી ૧૮૯ પર નોંધવામાં આવતું હતું. જણાવી દઈએ કે NCERT એ કોરોના મહામારીને ધ્‍યાનમાં રાખીને અભ્‍યાસક્રમ ઘટાડવાની પ્રક્રિયાના ૧૨મા અભ્‍યાસક્રમમાં સુધારો કર્યો છે.
આ સિવાય NCERTએ ૧૨માના પોલિટિકલ સાયન્‍સના પુસ્‍તકમાંથી ગુજરાતના રમખાણો તેમજ અન્‍ય વિષયોને દૂર કરવાનો નિર્ણય લીધો છે. જેમાં નક્‍સલવાદી ચળવળનો ઈતિહાસ અને ઈમરજન્‍સી દરમિયાનના વિવાદો વગેરેનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. પુસ્‍તકમાં પેજ નંબર ૧૦૫માં ‘નકસલવાદી ચળવળનો ઈતિહાસ' અને પેજ નંબર ૧૧૩-૧૧૭માં ‘ઇમરજન્‍સી દરમિયાન વિવાદ'નો સમાવેશ થાય છે. NCERTએ તેની નોંધમાં કહ્યું છે કે કોરોના મહામારીને જોતા વિદ્યાર્થીઓ પર વધારાનો ભાર ઓછો કરવો હિતાવહ છે. એ જ હેતુ માટે અપ્રસ્‍તુત વિષયો દૂર કરવામાં આવ્‍યા છે.

 

(4:06 pm IST)