Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

સેન્સેક્સમાં ૧૩૫ તેમજ નિફ્ટી ૬૭ પોઈન્ટનો ઘટાડો

સતત છઠ્ઠા દિવસે બજારમા કડાકો જોવા મળ્યો : બ્રેન્ટ ક્રૂડ ૧૨૦.૯૬ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું

મુંબઈ, તા.૧૭ : સ્થાનિક શેરબજારો શુક્રવારે સતત છઠ્ઠા દિવસે ઘટ્યા હતા અને અસ્થિર ટ્રેડિંગમાં બીએસઈ સેન્સેક્સ ૧૩૫ પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. વૈશ્વિક સ્તરે મિશ્ર વલણ વચ્ચે, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ તેમનો મૂડીનો પ્રવાહ ચાલુ રાખ્યો હતો અને બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો થયો હતો. બીએસઈના ૩૦ શેરો વાળો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૩૫.૩૭ પોઈન્ટ્સ અથવા ૦.૨૬ ટકાના ઘટાડા સાથે ૫૧,૩૬૦.૪૨ના સ્તર પર બંધ થયો છે. ટ્રેડિંગ દરમિયાન સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સ ૫૭૪.૫૭ પોઈન્ટ્સ તૂટ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ૬૭.૧૦ પોઈન્ટ અથવા ૦.૪૪ ટકાના ઘટાડા સાથે ૧૫,૨૯૩.૫૦ પર બંધ થયો હતો. સેન્સેક્સ શેરોમાં ટાઇટન, વિપ્રો, ડૉ. રેડ્ડીઝ, એશિયન પેઈન્ટ્સ, સન ફાર્મા, પાવરગ્રીડ, લાર્સન એન્ડ ટુબ્રો, અલ્ટ્રાટેક સિમેન્ટ, મારુતિ, ટીસીએસ અને હિન્દુસ્તાન યુનિલિવર મુખ્ય ઘટ્યા હતા. બીજી તરફ, લાભ મેળવનારાઓમાં બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને આઈસીઆઈસીઆ બેક્નનો સમાવેશ થાય છે.

અન્ય એશિયન બજારોમાં, જાપાનના નિક્કી અને દક્ષિણ કોરિયાના કોસ્પી નુકસાન સાથે સમાપ્ત થયા હતા, જ્યારે હોંગકોંગના હેંગસેંગ અને ચીનના શાંઘાઈ કમ્પોઝિટ સૂચકાંકો વધારા સાથે સમાપ્ત થયા હતા. યુરોપિયન બજારોમાં બપોરના કારોબારમાં તીવ્ર વલણ જોવા મળ્યું હતું. જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે, શેરબજારને અસર કરતી બાબતો વૈશ્વિક સ્તરે નાણાકીય નીતિની કડકાઈ અને તેના કારણે સંભવિત આર્થિક મંદી છે.

દરમિયાન, આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૯૬ ટકા વધીને ૧૨૦.૯૬ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. શેરબજારના ડેટા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારો મૂડીબજારમાં ચોખ્ખા વેચાણકર્તા હતા. તેમણે ગુરુવારે રૂ. ૩,૨૫૭.૬૫ કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

 

 

(8:07 pm IST)