Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

૨૦૨૩ની જી-૨૦ મીટીંગોનું યજમાન બનશે ગુજરાત ! !!

ડીસેમ્બર ૨૦૨૨ થી ૧ વર્ષ માટે ભારત જી-૨૦નું બનશે પ્રમુખ જી-૨૦ના પ્રતિનિધીએ રાજય સરકાર સાથે કરી પ્રાથમિક મીટીંગ

નવી દિલ્હી, તા.૧૭: ડીસેમ્બર-૨૦૨૨થી એક વર્ષ માટે ભારત જી-૨૦ દેશોના ગ્લોબલ ફોરમનું પ્રમુખ બનવાનું છે ત્યારે જી-૨૦ની મીટીંગોના યજમાન પદ માટે ગુજરાત સરકાર સક્રિય પ્રયાસો કરી રહી છે. આ મહિનાની શરૂઆતમાં જી-૨૦ના એક પ્રતિનિધીએ રાજય સરકારના અધિકારીઓ સાથે ભારતના પ્રમુખ પદ દરમ્યાન જી-૨૦ ના ઇવેન્ટસ માટે ગુજરાતની યજમાનગીરીની શકયતાઓ બાબતે મીટીંગ કરીને ચર્ચા કરી હતી.

મુખ્ય સચિવ પંકજકુમારના નેતૃત્વ હેઠળ રાજયના ઉચ્ચ અધિકારીએ વિદેશ મંત્રાલયના અધિકારીઓને પણ મળ્યા હતા. જેમાં ૧ ડીસેમ્બર ૨૦૨૨થી ૩૦ નવેમ્બર ૨૦૨૩ દરમ્યાન ભારતના પ્રમુખ પદે થનારા જી-૨૦ના કાર્યક્રમો અંગે ગુજરાતની ટીમને માહિતી આપવામાં આવી હતી.

આ મીટીંગ પછી મુખ્ય સચિવે આદેશ આપ્યા છે કે ગુજરાતમાં જી-૨૦ની મહત્વની મીટીંગોના આયોજન માટે વિદેશ મંત્રાલય અને જી-૨૦ સેક્રેટરીયેટ સાથે સમયોજન માટે રાજય સરકારના ઉચ્ચ અધિકારીઓની એક ટીમની રચના કરવામાં આવે.

એક મહત્વના સૂત્રએ કહ્યું કે નેતાઓની કોન્ફરન્સ અથવા પ્રધાન કક્ષાની જી-૨૦ મીટીંગના આયોજનની તક ગુજરાતને મળી શકે છે. રાજય સરકારે જી-૨૦ના બધા ઇવેન્ટસના જી-૨૦ સેક્રેટરીયેટ અને વિદેશ મંત્રાલય સાથે સમાયોજન માટે ઉદ્યોગ અને ખાણ વિભાગનું નામ નોડલ એજન્સી તરીકે નક્કી કર્યુ છે. સુત્રએ વધુમાં કહ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત સમીટનો બહોળો અનુભવ ધરાવતા અધીકારીઓના નામ કો-ઓર્ડીનેટર્સ અને નોડલ ઓફીસર માટે નક્કી કરાશે. વિદેશ મંત્રાલય અને જી-૨૦ સેક્રેટરીયેટની સૂચના અનુસાર અમે વધુ ટીમો બનાવીશું જે જી-૨૦ ઇવેન્ટસના બધા પાસાઓ જોશે.

(1:39 pm IST)