Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

બિહારમાં પરિસ્‍થિતિ બેકાબૂઃ અનેક ટ્રેનોમાં આગથી કરોડોની સંપત્તિ રાખ, તંત્ર બન્‍યું મૂકદર્શક

અગ્નિપથ યોજનાને લઇને વિરોધ પ્રદર્શન યથાવત : બિહારના સમસ્‍તીપુર અને લખીસરાયમાં યુવકોએ ટ્રેનોમાં આગ લગાવીઃ બિહિયામાં ભારે હોબાળો રેલવે ટ્રેક જામ થયો

પટણા, તા.૧૭: અગ્નિપથ યોજનાને લઈને યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન શુક્રવારે પણ ચાલુ રાખવામાં આવ્‍યું હતું. શુક્રવારે સવારે બિહારના સમસ્‍તીપુર અને લખીસરાયમાં યુવકોએ ટ્રેનોમાં આગ લગાવી દીધી હતી. યુવાનોના ટોળાએ અનેક એસી કોચને આગ ચાંપી દીધી હતી. બીજી તરફ આજે સવારે ઉત્તર પ્રદેશના બલિયા રેલવે સ્‍ટેશન પર યુવાનોએ તોડફોડ કરી હતી. તમને જણાવી દઈએ કે, ગુરુવારે પણ અગ્નિપથ યોજના સામે અનેક રાજ્‍યોના યુવાનોમાં ઉકળાટ જોવા મળ્‍યો હતો. ઘણી જગ્‍યાએ આગચંપી થઈ, રેલ અને રસ્‍તાઓ બંધ કરી દેવામાં આવ્‍યા હતા. આ યોજનાના વિરોધમાં  ઉત્તર પ્રદેશના બલિયામાં યુવાનો રસ્‍તા પર ઉતરી આવ્‍યા હતા. 

બક્‍સરના બિહિયા પોલીસ સ્‍ટેશનના ASI રામ સ્‍વરૂપે જણાવ્‍યું હતું કે હંગામો અને હિંસા કરનારા મોટાભાગના લોકો શહેરના હતા. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓની સંખ્‍યા ઓછી છે. શહેરના લોકોએ સૌથી વધુ ભાગ લીધો. એવું લાગતું હતું કે બધાને નોકરી પર રાખવામાં આવ્‍યા છે. આ હિંસામાં ASI રામ સ્‍વરૂપની સાથે અન્‍ય બે રેલવે કર્મચારીઓ ઘાયલ થયા હતા.

તો બીજી તરફ કેન્‍દ્ર સરકારની આ નવી યોજનાએ રાજકીય પક્ષોનો વિરોધ પણ શરૂ કરી દીધો છે. પોતાના બચાવમાં યુપીના મંત્રી સ્‍વતંત્ર દેવ સિંહે કહ્યું કે વિપક્ષે પહેલા ખેડૂતોને ભડકાવ્‍યા અને હવે તે યુવકોને ભડકાવી રહ્યા છે

અગ્નિપથ યોજનાના વિરોધમાં ગઈ કાલે આરા રેલવે સ્‍ટેશન પર તોડફોડ કરવામાં આવી  હતી જેમાં પોલીસે ૧૬ બદમાશોની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે ૬૫૦થી વધુ અજાણ્‍યા લોકો સામે ગુનો નોંધ્‍યો છે.

બિહિયા રેલવે સ્‍ટેશન પર યુવકોએ ઉગ્ર વિરોધ કર્યો અને રેલવે ટ્રેક જામ કરી દીધો. વિદ્યાર્થીઓ અપ-ડાઉન લાઈન પર બેસીનેઆ યોજના વિરુદ્ધ સૂત્રોચ્‍ચાર કરી રહ્યા હતા, અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા હંગામાને કારણે અનેક ટ્રેનો ખોરવાઈ ગઈ હોવાની માહિતી મળી હતી. 

બક્‍સરમાં શુક્રવારે સવારે યુવકો ડુમરાવ રેલવે સ્‍ટેશન પહોંચ્‍યા હતા અને હોબાળો મચાવ્‍યો હતો. ટોળાએ રેલવે ટ્રેક પર ટાયરો સળગાવી  વિરોધ નોંધાવ્‍યો હતો. યુવાનોના વિરોધને ધ્‍યાનમાં રાખીને ડુમરાવ સ્‍ટેશનના આગામી અને અગાઉના રેલવે સ્‍ટેશન પર અનેક ટ્રેનો બંધ કરીદેવામાં આવી છે. આ સમય દરમિયાન યુવાનોએ કહ્યું કે કેન્‍દ્ર સરકારે આ યોજના પાછી ખેંચી લેવી જોઈએ. 

ખગડિયા જિલ્લામાં યુવાનોએ રસ્‍તો અને રેલવે માર્ગને બ્‍લોક કરી દીધો હતો. યુવાનો ખગડિયા રેલ્‍વે સ્‍ટેશન પહોંચ્‍યા હતા અને કોસી એક્‍સપ્રેસ ટ્રેનને અટકાવી હતી. ઘણી ટ્રેનોને અસર થઈ છે. વિરોધને કારણે માનસીપ્રસહરસા અને માનસી-કટિહાર  રેલવિભાગ ખોરવાઈ ગયા છે.

યુવકોએ સમસ્‍તીપુરમાં બિહાર સંપર્ક ક્રાંતિ એક્‍સપ્રેસ ટ્રેનને રોકીને ટ્રેન પર પથ્‍થરમારો કર્યો હતો.  બીજી તરફ ઉત્તર-દેશના ફિરોઝાબાદમાં યુવકો દ્વારા બસોમાં તોડફોડ કરવામાં આવી હતી અને પોલીસ ઘટના સ્‍થળે હાજર છે. ફિરોઝાબાદ જિલ્લાના મઠસેનામાં શુક્રવારે સવારે પાંચ વાગ્‍યાની આસપાસ આગ્રા-લખનઉ એક્‍સપ્રેસ વે પર યુવકોએ કેટલીક બસોમાં તોડફોડ કરી હતી.  હાલ આગ્રા-લખનઉ એક્‍સપ્રેસ વે પર વાહન વ્‍યવહાર ચાલું છે.

(10:29 am IST)