Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

નવી શિક્ષણનીતિ અન્‍વયે CA ઇન્‍ટરમીડિયેટ અને ફાઇનલમાં બે-બે પેપર ઘટાડી દેવાયા

મે અથવા નવેમ્‍બર-૨૦૨૩થી નવો કોર્ષ : c-આધારે સીએ અભ્‍યાસમાં કરેલા ફેરફાર સંદર્ભે સેમિનાર યોજાયો : આર્ટિકલશિપ હવે ૩ના બદલે બે વર્ષ જ કરવાની રહેશે

નવી દિલ્‍હી તા. ૧૭ : નવી શિક્ષણ નીતિ મુજબ સીએના અભ્‍યાસમાં પેપરની સંખ્‍યા અને આર્ટિકલશિપના વર્ષમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. પ્રથમ વર્ષ ફાઉન્‍ડેશના લેવાતા ૪ પેપરમાં કોઈ ઘટાડો કરવામાં આવ્‍યો નથી. પરંતુ ઈન્‍ટરમિડીયેટ અને ફાઈનલમાં ૨-૨ પેપર ઘટાડી દેવામાં આવ્‍યાં છે. જયારે ત્રણ વર્ષની આર્ટિકલશિપમાથી એક વર્ષ ઘટાડીને હવે ૨ વર્ષ જ કરી દેવામાં આવ્‍યું છે.

ધ ઈન્‍સ્‍ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટસ ઓફ ઈન્‍ડિયાની અમદાવાદ બ્રાન્‍ચ દ્વારા નવી એજયુકેશન પોલીસીના આધારે શિક્ષણ અને તાલીમની સૂચિત યોજનાની જાણકારી આપવા સંદર્ભે આજે ગુરૂવારે એક સેમિનારનું આયોજન કરાયું હતુ.ઉપપ્રમુખ અનિકેત તલાટીએ જણાવ્‍યુ હતુ કે, ફાઉન્‍ડેશનના કોર્સમાં વિદ્યાર્થીએ ૪ પેપરોની પરીક્ષા આપવાની રહેશે. આવી જ રીતે ઈન્‍ટરમિડીયેટમાં ૬ અને ફાઉનલમાં પણ ૬ પેપર જ આપવાના રહેશે. જુના નિયમ મુજબ ઈન્‍ટરમિડીયેટ અને ફાઈનલની પરીક્ષામા કુલ ૮-૮ પેપર લેવામાં આવતા હતા. આમ હવેથી સીએના અભ્‍યાસમાં બે પેપર ઘટાડી દેવાનો નિર્ણય કરાયો છે. આ સિવાય સીએનો કોર્સ કરનાર વિદ્યાર્થીને ૩ વર્ષની આર્ટિકલશિપ કરવી પડતી હતી, જે હવે ઘટાડીને ૨ વર્ષ જ કરી દેવામાં આવી છે. નવી શિક્ષણ નીતિનો નવો કોર્ષ મે-૨૦૨૩ અથવા તો નવેમ્‍બર-૨૦૨૩થી અમલી બનાવાશે. વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્‍કીલ બેઈઝ લર્નીગનો અભ્‍યાસક્રમ ભણાવવામાં આવશે.

ઘણા વિદ્યાર્થીઓ સીએ ફાઈનલ પૂર્ણ કરી શકતા નથી જેથી આવા વિદ્યાર્થીઓને સર્ટિફીકેટ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જેમા ઈન્‍ટરમિડીયેટ થયેલા વિદ્યાર્થીઓને બિઝનેશ અકાઉન્‍ટ એસોસિએટનુ સર્ટિફીકેટ એનાયત કરવામાં આવશે.

(10:25 am IST)