Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

દાલ મખની અને બટર ચિકનમાં કેટલી કેલેરી ? એપને આપવી પડશે સંપૂર્ણ માહિતી

સ્‍વિગી અને ઝોમેટો જેવી કંપનીને આદેશ

સ્‍વિગી અને ઝોમેટો જેવી ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીઓએ હવે તેમની એપ પર પોષક તત્ત્વો, કેલરી અને ખાદ્ય પદાર્થોની સંભવિત એલર્જી વિશે માહિતી આપવી ફરજિયાત બનાવવી પડશે. આ નિયમ ૧ જુલાઈથી લાગુ થવા જઈ રહ્યો છે.

ફૂડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયાએ ગ્રાહકોના સ્‍વાસ્‍થ્‍યને ધ્‍યાનમાં રાખીને નવો આદેશ જારી કર્યો છે. FSSAIના ચીફ એક્‍ઝિક્‍યુટિવ અરુણ સિંઘલે જણાવ્‍યું હતું કે ઓનલાઈન વેચાઈ રહેલા ખાદ્યપદાર્થો માટે મેનુ લેબલીંગ કરવું પડશે. સ્‍વિગી અને ઝોમેટો જેવી કંપનીઓએ પોષક મૂલ્‍ય દર્શાવવા માટે તેમના વ્‍યવસાયિક ભાગીદારો (રેસ્‍ટોરન્‍ટ ઓપરેટર્સ) ને નિર્દેશિત કરવા પડશે.

તેનો હેતુ લોકોને એ જણાવવાનો છે કે તેઓ કેવા પ્રકારનો ખોરાક ઓનલાઈન ઓર્ડર કરી રહ્યા છે અને તેમાં કયા પ્રકારના પોષક અને એલર્જી ઘટકો છે. લોકોને ખબર હોવી જોઈએ કે તેઓ શું ખાય છે. પેકેજડ ખાદ્યપદાર્થોમાં તેમના લેબલ હોય છે, પરંતુ દાળ-મખાની અથવા બટર ચિકન જેવી રાંધેલી વાનગીઓમાં તે લેબલ્‍સ હોતા નથી. રાંધેલા ખોરાક માટેના મેનુ લેબલ્‍સ ગ્રાહકોને સ્‍વસ્‍થ ખાવા માટે સંવેદનશીલ બનાવશે.

FSSAI ના આદેશ અનુસાર, નવી જોગવાઈ ઓનલાઈન એપ કંપનીઓના તમામ બિઝનેસ પાર્ટનર્સ (રેસ્‍ટોરન્‍ટ ઓપરેટર્સ) પર લાગુ થશે. આ સિવાય જે ઓપરેટરો ૧૦ થી વધુ ફૂડ આઉટલેટ ધરાવે છે અને જેમની વાર્ષિક આવક ૨૦ કરોડ રૂપિયાથી વધુ છે તેવા ઓપરેટરોએ પણ લાઇસન્‍સ લેવું પડશે. કેટલાક ઓપરેટરો સ્‍વૈચ્‍છિક રીતે તેમના આઉટલેટ્‍સ પર આ પ્રોટોકોલને અનુસરતા હતા પરંતુ હવે તે ૧ જુલાઈથી ફરજિયાત બનશે.

FSSAIના એક અધિકારીએ જણાવ્‍યું હતું કે રાંધેલા ખોરાકનું પોષણ અને એલર્જીનું લેબલિંગ રેસ્‍ટોરન્‍ટથી રેસ્‍ટોરન્‍ટમાં બદલાય છે. તે કયા પ્રકારનો ખોરાક છે અને તે કેવી રીતે રાંધવામાં આવે છે અને કયા પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે તેના પર નિર્ભર રહેશે. તેને રેફ્રિજરેટરમાં રાખી શકાય કે નહીં.

(10:24 am IST)