Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

Jio, Airtel અને Vi ગ્રાહકોને આપશે ઝટકો! શું વધુ એકવખત મોંઘા થઈ જશે ટેરિફ પ્‍લાન્‍સ?

જૂન મહિના બાદ ગમે ત્‍યારે ટેરિફ પ્‍લાનમાં વધારો કરવામાં આવી શકે છે : ટેરિફ પ્‍લાનમાં કંપનીઓ દ્વારા ૨૦ ટકાનો વધારો કરવામાં આવી શકે છે

નવી દિલ્‍હી,તા. ૧૭: થોડા મહિનાઓ અગાઉ ટેલિકોમ કંપનીઓ દ્વારા ગ્રાહકોને ઝટકો આપતાં ટેરિફ પ્‍લાન્‍સમાં વધારો કરવામાં આવ્‍યો હતો. જો કે, હવે યુઝર્સ આવા જ બીજા ઝટકા માટે તૈયાર રહેવું પડશે. કેમ કે એવી ખબર સામે આવી રહી છે કે, ટૂંક સમયમાં જ Airtel, Reliance Jio અને VI ટેરિફ પ્‍લાનની કિંમતોમાં વધારો કરી શકે છે. સરકારે હાલમાં જ ૫જી સ્‍પેક્‍ટ્રમની હરાજીને મંજૂરી આપી દીધી છે. હવે આ સ્‍પેક્‍ટ્રમ ખરીદવા માટે ટેલિકોમ કંપનીઓને લાખો કરોડ રૂપિયા ચૂકવવા પડશે. અને અત્‍યારે કેટલીય ટેલિકોમ કંપનીઓ દેવામાં ડૂબેલી છે. તેવામાં જો હવે ૫જી સ્‍પેક્‍ટ્રમ ખરીદવું હશે, તો તેઓને વધારે દેવું લેવું પડશે. અને ટેલિકોમ કંપનીઓ દેવાનો આ ભાર ગ્રાહકોના માથે નાખશે તેવી આશંકા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. જેથી આગામી સમયમાં ટેરિફ પ્‍લાન્‍સની કિંમતો કંપની દ્વારા વધારવામાં આવી શકે છે તેવું જાણકારો કહી રહ્યા છે.

રિપોર્ટના જણાવ્‍યા પ્રમાણે ટેરિફ પ્‍લાનની કિંમતોમાં નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના બીજા ત્રિમાસિકમાં વધારો કરવામાં આવી શકે છે અને આ વધારો અંદાજે ૨૦ ટકાની આસપાસ હોઈ શકે છે. આનો અર્થ એ થયો કે, જૂન મહિના બાદ ગમે ત્‍યારે ટેરિફ પ્‍લાનની કિંમતોમાં વધારો ઝીંકવામાં આવી શકે છે.

ટેલિકોમ ઈન્‍ડસ્‍ટ્રી માટે નેટવર્ક અને સ્‍પેક્‍ટ્રમમાં રોકાણ કરવું એક મોટી વાત હોય છે. કેમ કે, તેઓને આના માટે પ્રતિ યુઝર સરેરાશ રેવન્‍યૂને વધારવું પડે છે અને આ ખુબ જ જરૂરી હોય છે. જો ગત નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના વાત કરીએ તો, પ્રતિ યુઝર સરેરાશ રેવન્‍યૂમાં વધારો ધીમો હતો. જયારે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩દ્ગક વાત કરીએ તો આ દરમિયાન ટેરિફ પ્‍લાન્‍માં ૧૫-૨૦ ટકાનો વધારો કરવામાં આવી શકે છે, એટલે કે મોંઘવારીમાં ગ્રાહકોને વધુ એક ઝટકો લાગશે.

જણાવી દઈએ કે, Reliance Jio, Airtel અને Viએ ૬ મહિના પહેલાં જ ટેરિફની કિંમતોમાં વધારો કર્યો હતો. ડિસેમ્‍બર ૨૦૨૧માં ટેલિકોમ કંપનીઓ દ્વારા ટેરિફ પ્‍લાનની કિંમતોમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો કરવામાં આવ્‍યો હતો. અને જો હવે ફરીથી ટેરિફ પ્‍લાન્‍સની કિંમતોમાં વધારો કરવામાં આવે છે તો ૬ મહિનામાં જ આ બીજી વખત હશે જયારે ટેરિફ પ્‍લાનની કિંમતો વધશે.

(10:15 am IST)