Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

આર્થિક મોરચે ચીનને પાઠ ભણાવવાની સરકારની તૈયારી : ચીની ઉપકરણોને BSNLમાંથી હાંકી કઢાશે

મંત્રાલયે ચીની સામાનનો ઓછો ઉપયોગ કરવાના નિર્દેશ આપ્યાં

નવી દિલ્હી : ભારત-ચીન વચ્ચેના તણાવ વચ્ચે દેશમાં ચાઈનીઝ સામાનનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ટેલિકોમ મંત્રાલયે નવા નિર્દેશ જાહેર કર્યા છે. ટેલિકોમ મંત્રાલયે BSNLઅને MTNLને ચીની સામાનનો ઓછો ઉપયોગ કરવાના નિર્દેશ આપ્યાં છે.

મળતી માહિતી મુજબ મંત્રાલયે 4 જી માટે ચીની ઉપકરણો પર રોક લગાવવાના આદેશ આપ્યાં છે. ચીનની કંપનીઓને રોકવા માટે નવા ટેન્ડર બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત ટેલિકોમ મંત્રાલયે ખાનગી કંપનીઓને પણ આ આદેશને અનુસરવાનું કહેવામાં આવ્યું છે.

ભારતની જેટલી પણ મોટી ઇન્ટરનેટ કંપનીઓ છે, તેમાં ચીનનું મોટું રોકાણ છે. આંકડાઓ અનુસાર ટેલિકોમ ઇક્વિપમેન્ટનું માર્કેટ 12 હજાર કરોડ છે, જેમાં ચીની પ્રોડક્ટનો હિસ્સો આશરે 25 ટકા છે.ટેલિકોમ કંપનીઓ અનુસાર, જો તેઓ ચીનની તુલનામાં અમેરિકન અને યુરોપિયન ટેલિકોમ સાધનો ખરીદવાનું વિચારે છે, તો તેમની કિંમત 10-15% વધશે. પરંતુ હવે જ્યારે સરકારે ચેતવણી આપી છે, ત્યારે કંપનીઓએ તેને ગંભીરતાથી લેવી પડશે

આ તણાવ વચ્ચે ટેલીકોમ મંત્રાલયે BSNLને ચીની કંપનીઓની ઉપયોગિતા ઓછી કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. મંત્રાલયે BSNLને નિર્દેશ આપ્યો છે કે ચીની કંપનીઓની ઉપયોગિતામાં ઘટાડો કરવામાં આવે, અને જો કોઈ બોલી લગાવે છે તો તેના પર ફરીથી વિચાર કરવામાં આવે.

(12:09 am IST)