Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ચીન સાથે તંગદિલી : ડિજિટલ ઈન્ડિયા પર અસર થઈ શકે છે

૨૦૧૮માં વ્યાપાર નુકસાન ૫૭.૮૬ બિલિયન ડોલર : પાંચ વર્ષમાં ભારતીય ટેક સ્ટાર્ટઅપ્સે ચીની રોકાણકારોને આકર્ષક રિટર્ન આપ્યું : ચીનનો વેપાર અબજો ડોલરનો છે

નવી દિલ્હી, તા. ૧૭ : ભારત અને ચીન વચ્ચે લદાખ સરહદ પર તણાવ ચાલી રહ્યો છે. આ તણાવની અસર બંને દેશોના વ્યાપારિક સંબંધો પર પડી શકે છે. ફોરેન પોલિસી થિંક ટેન્ક ગેટવે હાઉસના ફેલો અમિત ભંડારીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ભારતમાં ચીનનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ(એફડીઆઈ) લગભગ ૬ બિલિયન ડોલરનું છે, એમાંથી લગભગ બે તૃતીયાંશ ભારતના સ્ટાર્ટઅપ સેક્ટરમાં લાગેલું છે. ભારત-ચીનનો દ્વિપક્ષીય વ્યાપાર વર્ષ ૨૦૦૦માં ૩ બિલિયન ડોલરનો હતો, જે ૨૦૧૮ સુધી વધીને ૯૫.૫૪ બિલિયન ડોલર થઈ ગયો. જોકે, ભારતમાં એમાં મોટું નુકસાન ઉઠાવતું રહ્યું છે. વર્ષ ૨૦૧૮માં વ્યાપાર નુકસાન ૫૭.૮૬ બિલિયન ડોલર આંકવામાં આવ્યું હતું. ૨૦૧૮માં ભારત ચીનના ઉત્પાદકોનો ૭મો સૌથી મોટો એક્સપોર્ટ કરનાર દેશ હતો.

           જ્યારે ૨૭મો સૌથી મોટો નિકાસ કરનાર દેશ હતો. ભારતના એફડીઆઈ ચાર્ટ પર ચીન ૧૮મા ક્રમે આવે છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય ટેક સ્ટાર્ટઅપ્સે ચીની રોકાણકારોને ખૂબ આકર્ષિક કર્યા છે. ચીને ભારતના ટેક સ્ટાર્ટઅપ્સમાં છેલ્લા પાંચ વર્ષમાં ચાર બિલિયન ડોલર લગાવ્યા છે. આ રકમ મોટી નથી, પરંતુ ૯૦થી વધુ કંપનીઓમાં જે રોકાણ છે, તેણે ભારતની ઓનલાઈન દુનિયા પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. ટિકટોક, અલીબાબા, ટેનસેન્ટ, શાઓમી અને ઓપ્પો ભારતમાં છવાયેલા છે. પેટીએમનો ૪૦ ટકા હિસ્સો અલીબાબા પાસે છે. ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, સ્વિગી, ઝોમેટો, ઓલા, ઓયો, બિગ બાસ્કેટ સહિત કેટલીયે કંપનીઓમાં ચીની રોકાણ છે. ભારતમાં લગભગ ૩૦ યુનીકોર્ન(એક અબજના ડોલર વેલ્યુશન વાળી કંપનીઓ) છે, જેમાંથી ૧૮માં ચીની રોકાણકારોએ પૈસા લગાવ્યા છે. આ રીતે ચીને ભારતની આસપાસ વર્ચ્યુઅલ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ બનાવી દીધું છે.

             હકીકતમાં ભારતની મોટી ટેક કંપનીઓમાં ચીની બિઝનેસમેનોએ પહેલાંથી જ ભાગીદારી લેવાનું શરુ કર્યું હતું. એવું એટલા માટે થયું હતું કે ભારતમાં એટલા અમીર વેન્ચર ટેપિટલિસ્ટ ન હતા,જે કંપનીઓમાં પૈસા લગાવી શકે. ભારતની નીતિઓ પણ દેશી રોકાણકારોના નિરાશ બનાવે તેવી છે. ચીને આવી કમજોરીનો ફાયદો ઉઠાવ્યો છે. છેલ્લા દિવસોમાં પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ એચડીએફસીમાં પોતાનું રોકાણ વધારી દીધું છે, ત્યારે ભારત સરકારે એક મોટું પગલું ભર્યું અને વિદેશી રોકાણ માટે નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ચીન સહિત બીજા પડોશી દેશોથી ભારતમાં રોકાણ હવે ઓટોમેટિક નહીં, પરંતુ સરકારની મંજૂરી બાદથી આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવાની ચર્ચા જોરશોરથી સોશ્યલ મીડિયા પર થઈ રહી છે, પરંતુ આ બાબત એટલી સહેલી નથી, જેટલી લોકો માને છે. કેમ કે ચીની પ્રોડક્ટ મોટા પ્રમાણમાં ભારતમાં સ્થાન મેળવી ચૂકી છે.

(9:34 pm IST)