Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

દેશની ખંડિતતા સાથે સમજૂતિ નહીં કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લલકાર

ભારતીય સૈનિકોના શૌર્યને સલામઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ : ચીન સાથેના ઘર્ષણમાં શહીદ જવાનોને મોદીની શોકાંજલિ

નવી દિલ્હી, તા. ૧૭ : લદ્દાખ પૂર્વમાં લાઈન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલ પર ચીની સૈનિકો સાથેના હિંસક ઘર્ષણમાં એક કર્નલ સહિત કુલ ૨૦ જવાનોએ માતૃભૂમિની રક્ષા કાજે શહીદી વહોરી હતી. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે તેમની શહાદત વ્યર્થ જશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે ભારત ક્યારેય કોઈને ઉશ્કેરતું નથી, પરંતુ પોતાની સંપ્રભુતા અને અખંડતા સાથે કોઈપણ પ્રકારની સમજૂતી પણ કરશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું કે ભારત માતાના વીર સપૂતોએ ગલવાન વેલીમાં આપણી મા ભોમની રક્ષા કરતા કરતા સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. હું દેશ સેવા માટે તેમનાં આ મહાન બલિદાનના માટે તેમને નમન કરું છું. તેમને કૃતજ્ઞતાપૂર્વક શ્રધ્ધાંજલિ અર્પુ છું. તેમજ દુઃખના આ મુશ્કેલ સમયમાં આપણા આ શહીદોના પરિવારજનોના માટે હું મારી સંવેદના વ્યકત કરું છું. આજે સમગ્ર દેશ તમારી સાથે છે, દેશની ભાવનાઓ તમારી સાથે છે. આપણાં આ શહીદોનું બલિદાન વ્યર્થ જશે નહીં.

                જાન ફના કરી દેનારા ભારતીય સૈનિકોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રધ્ધાંજલિ અર્પતા તેમની વીરતાને સલામ કરી હતી. અમિત શાહે ટવીટ કરીને જણાવ્યુ કે ગલવાન ઘાટીમાં માતૃભૂમિની રક્ષા કરતા આપણાં બહાદુર સૈનિકોને ખોવાના દર્દને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. રાષ્ટ્ર આપણાં અમર નાયકોને સલામ કરે છે. જેમણે ભારતીય ક્ષેત્રને સુરક્ષિત રાખવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. તેમની બહાદુરી તેમની માતૃભૂમિના પ્રતિ ભારતની પ્રતિબધ્ધતાને દર્શાવે છે.  વડાપ્રધાને સાથે એમ પણ જણાવ્યું કે સ્થિતિ ભલે ગમે તેવી હોય, પરિસ્થિતિ ગમે તેવી હોય, ભારત સંપુર્ણ દ્દઢતાની સાતે દેશની એક એક ઈંચ જમીનની, દેશના સ્વાભિમાનની રક્ષા કરશે. ભારત સાંસ્કૃતિક રીતે શાંતિ પ્રિય દેશ છે.

                 આપણો ઈતિહાસ શાંતિનો રહ્યો છે. આપણે હંમેશાથી પોતાના પડોશીઓની સાથે સહયોગ અને મિત્રતાના ભાવથી હળીમળીને કામ કર્યું છે. હંમેશા તેમના વિકાસ અને કલ્યાણની કામના કરી છે. જ્યાં પણ મતભેદ રહ્યા છે, ત્યારે હંમેશા પ્રયાસ કર્યો છે કે મતભેદ વિવાદ ના બને. આપણે કોઈને ઉશ્કેરતા નથી, તો તેની સાથે આપણે દેશની અખંડતા અને સંપ્રભુતાની સાથે સમજૂતી પણ કરતા નથી. જ્યારે પણ સમય આવ્યો છે ત્યારે આપણે તેની રક્ષા કરવા માટે પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું છે. તેમજ પોતાની ક્ષમતાઓને પણ સાબિત કરી છે. હું દેશવાસીઓને ભરોસો આપવા માગુ છું કે આપણા બહાદુર જવાનોનું બલિદાન વ્યર્થ જશે નહીં. ભારતની અખંડતા અને સંપ્રભુતા સર્વોચ્ચ છે. અને તેની રક્ષા કરવાથી આપણને કોઈપણ રોકી શકશે નહીં. આ બાબતે કોઈએ પણ થોડોઘણો પણ ભ્રમ કે શંકા ન થવી જોઈએ.

ભારત શાંતિ ઈચ્છે છે, પરંતુ ભારતને ઉશ્કેરવા પર દરેક સ્થિતિમં નિર્ણાયક જવાબ પણ આપવામાં આવશે. દેશને એ વાતનું ગર્વ થશે કે આપણાં સૈનિકોએ મારતા મારતા મોતને વહાલું કર્યું છે. તેની સાથે તેમણે દેશવાસીઓને બે મિનિટનું મૌન પાળીને મા ભારતીના વીર સપૂતોને શ્રધ્ધાંજલિ અર્પવા અનુરોધ કર્યો હતો.

(9:32 pm IST)