Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ટીકટોક, ઝુમ, જેન્ડર, યુસી બ્રાઉઝર સહિત 52 મોબાઈલ એપ પ્રતિબંધિત કરવા ગુપ્તચર એજન્સી દ્વારા સરકારને ભલામણ

સુરક્ષાની દ્રષ્ટિએ હિતાવહ નથી: આ મોબાઈલ એપ્લિકેશન વડે ભારતની બહાર મોટી માત્રામાં ડેટા જઈ શકે

નવી દિલ્હી : ભારતની ગુપ્તચર એજન્સીએ, કેન્દ્ર સરકારને, ટીકટોક સહિતની વિવિધ 52 મોબાઈલ એપ્લીકેશન ઉપર પ્રતિબંધ લાદવા માટે ભલામણ કરી છે.

    મિડીયા રિપોર્ટ મુજબ મુખ્યત્વે ચીન દ્વારા નિર્મિત વિવિધ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવો સુરક્ષાની દ્રષ્ટિએ હિતાવહ નથી. આ મોબાઈલ એપ્લિકેશન વડે ભારતની બહાર મોટી માત્રામાં ડેટા જઈ શકે છે. ભારતીય ગુપ્તચર એજન્સીએ, જે મોબાઈલ એપ્લિકેશનના વપરાશ ઉપર પ્રતિબંધ લાદવા માટે ભલામણ કરી છે તેમાં મુખ્યત્વે વિડીયો કોન્ફરન્સ માટે ઉપયોગમાં લેવાતી ઝુમ, ટીકટોક, યુસી બ્રાઉઝર, જેન્ડર, શેર ઈટ અને ક્લિન માસ્ટરનો સમાવેશ થાય છે.

   મિડીયા રિપોર્ટ મુજબ, નેશનલ સિકયોરિટી કાઉન્સીલ દ્વારા ચાઈનીઝ કંપનીઓ દ્વારા બનાવાયેલી મોબાઈલ એપ્લિકેશનનો વપરાશ કરવો સુરક્ષાની દ્રષ્ટિએ યોગ્ય ન હોવાનુ અગાઉ પણ જણાવ્યુ છે. એપ્રિલ માસમાં, સરકારી સ્તરે ઝુમ એપ્લિકેશનના ઉપયોગ નહી કરવા જણાવી દેવામાં આવ્યું છે. ચીનની કંપનીઓ દ્વારા બનાવાયેલી વિવિધ મોબાઈલ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ લાદવા માટે ભારત પહેલો દેશ નહી હોય, તાઈવાન, અને જર્મનીએ પણ ચીનની કંપનીઓ દ્વારા બનાવાયેલી મોબાઈલ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ લાદયો છે.

  ભારતીય ગુપ્તચર એજન્સીઓનું માનવુ છે કે, ચીનની કંપનીઓ દ્વારા બનાવાયેલી વિવિધ મોબાઈલ એપ્લિકેશનના હાર્ડવેર અને સોફ્ટવેર ચીન સ્થિત કંપનીઓના નિયત્રણમાં છે. જેના કારણે ચીન કોઈ પણ સ્થિતિમાં, ભારતીયોના મોબાઈલમાં રહેલ એપ્લિકેશન થકી સંદેશાવ્યવહારને ઠપ્પ કરી શકે છે. જેને લઈને જ સુરક્ષા એજન્સીઓ ચિંતા વ્યક્ત કરીને મોબાઈલ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ લાદવા માટે સરકારને ભલામણ કરી છે.

(9:29 pm IST)