Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

રવિવારે મિથુન રાશીનું સૂર્યગ્રહણ આપત્તિ-આર્થિક મુશ્‍કેલી લાવશેઃ જ્‍યોતિષીઓનો મત

અમદાવાદ: 21 જૂનના રોજ દુનિયામાં 2020નું પહેલુ સૂર્યગ્રહણ જોવા મળવાનું છે. જ્યારે પૂર્ણ સૂર્યગ્રહણ થાય છે, તો ચંદ્ર પૂર્ણ રીતે સૂર્યને ઢાંકી દે છે. જ્યારે આંશિક અને કંકણાકૃતિ ગ્રહણમાં સૂર્યનો માત્ર એક ભાગ છુપાઈ જાય છે. 21 જૂનના રોજ જોવા મળનાર ગ્રહણ કંકણાકૃતિ ગ્રહણ  હશે, જેમાં સૂર્ય વલયાકાર દેખાશે. આવી સ્થિતિમાં જ્યારે ગ્રહણ ચરમ પર હોય છે, તો સૂર્ય કોઈ ચમકતી બંગડી કે અંગુઠીની જેમ નજર આવે છે. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ આ સૂર્યગ્રહણ અતિ મહત્વનું હોય છે.

જાણીતા જ્યોતિષી ચેતન પટેલ કહે છે કે, રવિવારે અવકાશી ઘટના સૂર્યગ્રહણ આકાર પામશે. સમગ્ર ભારતમાં સુર્યગ્રહણ જોવા મળશે. આ વખતે કંકણાકૃતિ સૂર્યગ્રહણ આકાર પામશે. રવિવારે સૂર્યગ્રહણ હોવાથી તેને જ્યોતિષની ભાષામાં ચુડામણી કહેવાય છે. બુધ ગુરુ શુક્ર અને શનિ વક્રી છે સાથે સાથે રાહુ અને કેતુ પણ વક્રી હોવાથી વક્રી યોગ થયો છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, આ ગ્રહણ આપત્તિ સર્જક રહેશે. મિથુન રાશિમાં થનારું ગ્રહણ આપત્તિ વધારનારુ રહેશે. કોરાનાની મહામારી વધારે લાંબી ચાલી શકે તેનો હલ મળવો મુશ્કેલ બની રહેશે. કુદરતી આપત્તિ જેવી કે, વાવાઝોડું, પૂર પ્રકોપ કે અતિવૃષ્ટી થઇ શકે છે. હિમ સ્ખલન થવાની પણ શક્યતા ભૂતકાળમાં રહી છે. 2001 ના ભૂકંપ પહેલા ૨૫ ડિસેમ્બર 2000 ના સૂર્યગ્રહણ થયું હતું. તો કેદરાનાથના પૂરના એક મહિના અગાઉ સૂર્યગ્રહણ થયું હતું. નેપાળમા આવેલા ભૂકંપ અગાઉ પણ સૂર્યગ્રહણ થયું હતું. મિથુન રાશિમાં સૂર્યગ્રહણ હોવાથી આર્થિક અધોગતિ થવાની શક્યતા છે.

તેઓએ વધુમાં કહ્યું કે, 25 ડિસેમ્બર, 2000 ના રોજ સૂર્યગ્રહણ થયું હતું, જેના બાદ 26 જાન્યુઆરી 2001 ગુજરાતમાં મોટો ભૂકંપ આવ્યો હતો. જેમાં લગભગ 20,000 લોકોના મોત નિપજ્યા હતા. 10 મે, 2013ના રોજ સૂર્યગ્રહણ સર્જાયું હતું, જેના બાદ લગભગ 36 માં દિવસે 16 જૂનના રોજ કેદારનાથની વિનાશક ઘટના બની હતી. હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. 20 માર્ચના રોજ સૂર્યગ્રહણ સર્જાયું હતું, જેના બાદ 25 એપ્રિલ 2015ના રોજ નેપાળમાં મોટો ભૂકંપ આવ્યો હતો. તેમાં લગભગ 8 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. 26 ડિસેમ્બર, 2019ના રોજ મોટુ સૂર્યગ્રહણ થયું હતું. ત્યારબાદ થોડા જ સમયમાં કોરોના વાયરસ જેવી મહામારીએ સમગ્ર વિશ્વને આફતમાં મૂકી દીધું હતું. આમ, ભૂતકાળની ઘટનાઓ સાક્ષી છે, જ્યારે જ્યારે સૂર્યગ્રહણ આવ્યું છે ત્યારે ત્યારે મોટી મોટી ઘટનાઓ સર્જાઈ છે.

આ ગ્રહણ પૂર્ણ સૂર્યગ્રહણથી અલગ હોય છે. તે મધ્ય આફ્રિકી ગણરાજ્યો, કાંગો, ઈથોપિયા, પાકિસ્તાન, ભારત અને ચીન સહિત આફ્રિકાના કેટલાક ભાગોમાં જોવા મળશે. આ સૂર્યગ્રહણને ભારતમાં સરળતાથી જોઈ શકાશે. આવો નજારો 25 વર્ષ પહેલા ઓક્ટોબર, 1995માં જોવા મળ્ય હતો. તે સમયે દિવસમાં અંધારું થઈ ગયું હતું.

ભારતમાં સૂર્યગ્રહણનો સમય

સૂર્યગ્રહણનો સૂતક કાળ - 20 જૂન રાત્રે 10:20 થી શરૂ થશે 

આંશિક ગ્રહણ શરૂ થશે - 21 જૂન સવારે 9 વાગીને 15 મિનીટ પર

પૂર્ણ ગ્રહણનો સમય - 21 જૂન સવારે 10 વાગીને 17 મિનીટ પર

વધુ સમય સુધી ગ્રહણ રહેશે - 21 જૂન બપોરે 12 વાગીને 10 મિનીટ સુધી

(5:41 pm IST)