Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ભારતીય શેરબજારના દિગ્‍ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા ઉપર સેબીની તવાઇઃ શો-કોઝ નોટીસ ફટકારી

મુંબઇ : ભારતીય શેરબજારના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા ઉપર સેબીની તવાઇ આવતી દેખાઇ રહી છે.ભારતીય બજાર નિયામક સેબીએ આ બિગબુલ ઇન્વેસ્ટર્સ રાકેશ ઝુનઝુનવાલા અને કેટલાંક અન્ય લોકોને એજ્યુકેશન કંપની એપ્ટેકમાં ઇનસાઇડર ટ્રેડિંગના આરોપમાં શો-કોઝ નોટિસ ફટકારી છે.આ માહિતી એક અગ્રણી બિઝનેસ મીડિયાએ જણાવી છે.એપ્ટેક આઇટી અને એજ્યુકેશન કંપની છે,જેનો માલિકી હક ઝુનઝુનવાલા અને તેમના પરિવાર પાસે છે.સંચાલન અને નિયંત્રણ પણ તેમના હાથમાં છે.

બજાર નિયામકે ઝુનઝુનવાલા, તેમના પરિવાર અને એપ્ટેક બોર્ડના ડિરેક્ટર રમેશ એસ. દામાણી અને મધુ જયાકુમારની ભૂમિકાની તપાસ કરી રહ્યુ છે. જ્યારે કોઇ કંપનીના માલિક, પ્રમોટર કંપની કે સિનિયર એક્ઝિક્યુટિવ્સ આંતરિક મહત્વપૂર્ણ કે ગોપનિય માહિતીનો દૂરુપયોગ કરે છે, તો તેને ઇનસાઇડર ટ્રેડિંગ કહેવાય છે.

એક અગ્રણી મીડિયા ગ્રૂપના સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ સેબીએ પોતાની નોટિસમાં ટાંક્યુ છે કે, તેઓ ઝુનઝુનવાલાના બેન્ક એકાઉન્ટ ફ્રિજ કરવા સુધીના કડક પગલાં લઇ શકે છે.અલબત તેની મર્યાદા ખોટી રીતે મેળવેલા નફા સુધી સમિતિ રહેશે. જાન્યુઆરીમાં બજાર નિયામકે આ કેસની પુછપરછ માટે તેમના ભાઇ રાજેશ કુમાર,પત્ની રેખા,સાસુ સુશીલા દેવીને બોલાવ્યા હતા.પોતે ઝુનઝુનવાલાને પણ તપાસ અધિકારી સમક્ષ હાજર થવુ પડ્યુ હતુ.તેમની બાંદ્રા-કુર્લા ખાતે આવેલી સેબની મુખ્ય ઓફિસમાં લગભગ બે કલાક સુધી પુછપરછ કરાઇ હતી.બજાર નિયામકની તપાસ ફેબ્રુઆરી 2016થી સપ્ટેમ્બર 2016 દરમિયાન કથિત રીતે કરાયેલા અનિયમિત ટ્રેડિંગ ઉપર આધારિત હતી,જે આંતરિક ગોપનિય માહિતીના દમ ઉપર કરાયુ હતુ.રાકેશ ઝુનઝુનવાળા પોતાના ઇક્વિટી પોર્ટફોલિયો રેર એન્ટરપ્રાઇસિસ મારફતે સંચાલન કરે છે.

રિપોર્ટ અનુસાર 7 સપ્ટેમ્બર 2016ના રોજ કંપનીના શેરમાં ઉપલી સર્કિટ લાગી અને તેનો ભાવ 175.50 રૂપિયા સુધી ઉછળ્યો હતો. તે દિવસે ઝુનઝુનવાલા, તેમના ભાઇ અને તેમની પત્નીએ બ્લોક ડિલ મારફતે 7.63 લાખ શેર ખરીદ્યા હતા.

ઝુનઝુનવાલાની પાસે એપ્ટેકની કુલ 24.24 ટકા હિસ્સેદારી છે,જેનુ બજાર મૂલ્ય 160 કરોડ રૂપિયાથી વધારે છે.કંપનીમાં તેનું હોલ્ડિંગ વર્ષ 2005થી વધી રહ્યુ છે તે સમયે તેની હિસ્સેદારી 10 ટકા હતી.

(5:29 pm IST)