Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

બિહારના સારણ જિલ્લાના વિર જવાન સુનીલ કુમારના શહિદ થયાના સમાચાર બાદ જવાને ફોન કરીને ચોંકાવી દીધાઃ પત્‍નીને કહ્યું હું ઠીક છું, ચિંતા ના કરો

નવી દિલ્હીઃ ભારત-ચીન સીમા પર ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝડપમાં મંગળવારનાં રોજ સાંજનાં બિહારનાં સારણ જિલ્લાનાં જવાન સુનીલ કુમારનાં શહીદ થવાનાં સમાચાર મળ્યાં હતાં. જેની જાણકારી સેનાએ જ પરિવાર અને પોલીસ અધિકારીઓને આપી હતી.

આ સમાચાર મળતાની સાથે જ દીધરા પરસા ગામમાં તેમનાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. પરંતુ બુધવારનાં રોજ આજે સવારે જ્યારે સુનીલે ખુદ ફોન કરીને પરિવારજનોને ચોંકાવી દીધા હતાં. સુનીલે પત્ની મેનકા સાથે વાતચીત કરી અને કહ્યું કે, ‘હું ઠીક છું, ચિંતા ના કરો.

બુધવારનાં રોજ આજે જ્યારે સુનીલનો ફોન આવ્યો ત્યાર બાદ ઉદાસીન થઇ ગયેલ પરિવારને રાહત થઇ. સુનીલે ફોન પર પરિવારનાં સભ્યો સાથે વાતચીત કરી. તેઓએ ફોન કરીને કહ્યું કે, ‘હું સુરક્ષિત છું. હકીકતમાં મંગળવારનાં સાંજનાં પાંચ વાગ્યે સુનીલ કુમારની પત્ની મેનકા રાયને એક ફોન આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, તેમનાં પતિ શહીદ થઇ ગયા છે. ત્યાર બાદ પરિવારજનોની રોઇ-રોઇને ખરાબ હાલત થઇ ગઇ હતી.

પત્નીએ કહ્યું, ‘પરત આવી ગઇ મારી જિંદગી

સુનીલની પત્ની મેનકાએ કહ્યું કે, ‘મારા પતિ સુરક્ષિત છે. ખોટા સમાચાર આવ્યાં હતાં. સુનીલ કુમાર નામથી કોઇ અન્ય જવાન શહીદ થયા હતાં. એક જેવું નામ હોવાંને કારણે આ ભૂલ થઇ હતી. મારા પતિએ તો મારી સાથે વાત પણ કરી. તેઓને કંઇ જ નથી થયું. મારી જિંદગી પરત આવી ગઇ. સુનીલનાં સ્વસ્થ હોવાનાં સમાચાર મળતા જ ગામમાં ફેલાયેલો માતમ પણ ખુશીમાં બદલાઇ ગયો.

જવાન અને પિતાનું એક જ નામ હોવાંથી ભૂલ થઇ

ગઇ કાલનાં મંગળવારનાં રોજ લદ્દાખની ગલવાન ઘાટી પર ચીની સૈનિકો સાથે થયેલી હિંસક ઝડપમાં જે જવાન શહીદ થયાં તેમાંથી એક જવાનનું નામ સુનીલ રાય અને પિતાનું નામ સુખદેવરાય છે. જ્યારે સારણનાં જવાન સુનીલનાં પિતાનું નામ પણ સુખદેવ રાય જ છે.

જવાન અને તેમનાં પિતા એ બંનેનું નામ એક જ હોવાંને કારણે આ ભૂલ થઇ હતી. સુનીલનાં કાકા રવિન્દ્ર રાયે જણાવ્યું કે, “તેઓને મંગળવારનાં રોજ સાંજનાં 5 વાગ્યે સેનાનાં અધિકારીએ સૂચના આપી હતી કે સુનીલ કુમાર શહીદ થઇ ગયાં છે. જો કે બાદમાં બુધવારનાં રોજ આજ સવારે તેઓની સુનીલ સાથે વાત થઇ.

ઉલ્લેખનીય છે કે ગઇ કાલનાં મંગળવારનાં રોજ ગલવાન ઘાટી નજીક બન્ને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ભારતનાં કમાન્ડિંગ ઓફિસર સહિત 20 જવાનો શહીદ થઈ ગયા છે. જ્યારે સામે પક્ષે ચીનને પણ વ્યાપક નુક્સાન ભોગવવાનો વારો આવ્યો છે. ચીનના પણ 43 સૈનિકો માર્યા ગયા છે અથવા તો ઈજાગ્રસ્ત થયાં છે.

(5:26 pm IST)