Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

બોર્ડર પર સ્થિતી વણસી રહી છે

ચીન સામે કશું પણ કરવા ભારતીય સેનાને અપાઈ છૂટ

નવી દિલ્હી, તા.૧૭: ભારત અને ચીનના લદ્દાખની ગાલવાન ખીણમાં લોહિયાળ સંદ્યર્ષ બાદ પરિસ્થિતિ ખૂબ જ તંગ બની છે. દરમિયાન સૂત્રોના જણાવ્યા મુજબ ભારતે સેનાને નિર્ણય લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. ચીની સેના સાથેના સંદ્યર્ષમાં ૨૦ ભારતીય જવાનો શહીદ થયા છે. ચીનની દગાખોરી બાદ દેશમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સેનાને જાતે નિર્ણય લેવાની છૂટ આપવામાં આવી છે. સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરમિયાન, હવે સંરક્ષણ પ્રધાન, ત્રણેય સૈન્યના વડા સતત બેઠક કરી રહ્યા છે.

પીએમ નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ વચ્ચે મંગળવારે મોડી રાત સુધી ગલવાનની ઘટના અંગે વાતચીત થઈ હતી. દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે ફરી ત્રણ સૈન્ય વડાઓ અને સીડીએસ જનરલ બિપિન રાવત સાથે સરહદ પરની વર્તમાન પરિસ્થિતિ અંગે બેઠક કરશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ગલવાન ખીણમાં સેનાને જે યોગ્ય લાગે છે તે કરવા સરકારે સેનાને મંજૂરી આપી દીધી છે. લડાખ બોર્ડર પર ભારત અને ચીનની સૈન્ય વચ્ચે એક મહિનાથી વધુ સમયથી તણાવ ચાલી રહ્યો છે.

આ તણાવ સોમવારે લોહિયાળ સંદ્યર્ષમાં ફેરવાઈ ગયું. આ સંદ્યર્ષમાં ૨૦ ભારતીય સૈનિકો માર્યા ગયા હતા જયારે ૪૩ ચીની સૈનિકો માર્યા ગયા હતા.

(4:07 pm IST)