Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

પ્રવાસન ઉદ્યોગ વેન્ટીલેટર ઉપર

જેસલમેર ટુરીઝમને વેકસીન વગર 'બુસ્ટરડોઝ' નહીં મળેઃ બુકીંગ જ નથી

ઓકટોબર, ર૦ર૦ સુધી સહેલાણીઓ આવવાની શકયતા ઓછીઃ વિદેશીઓ તો કદાચ આવશે જ નહીં : જેસલમેર (રાજસ્થાન)માં ૧૦ હજારથી વધુ લોકોની રોજગારી છીનવાશેઃ દર વર્ષે ૮ લાખ પ્રવાસીઓ આવે છે : 'જૈસલ-મેરા'યોજનાને કોરોના સામે નિષ્ફળતાનો સામનો કરવો પડયો

રાજકોટ તા. ૧૭ : વૈશ્વિક મહામારી કોરોના તથા તેની સામે તકેદારીરૂપે અપાયેલ લોકડાઉનને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વનું ટુરીઝમ ક્ષેત્ર વેન્ટીલેટર ઉપર હોય તેવું પ્રતિત થઇ રહ્યંુ છે. દર વર્ષે સહેલાણીઓથી ઉભરાતા દેશ-વિદેશમાં ફરવા માટેના ડેસ્ટીનેશન્સ સુમસામ ભાસી રહ્યા છે.

ભારતમાં ફરવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષતુ  રાજસ્થાનનું જેસલમેર આ વખતે સાવ ઠંડુ છે. હાલના સમયમાં કે નજીકના ભવિષ્યમાં જેસલમેર ખાતે હોટલ કે પેકેજીસનું બુકીંગ સાવ નહીંવત હોવાનું જાણવા મળે છે. ઓકટોબર ર૦ર૦ સુધી જેસલમેર ખાતે સહેલાણીઓ આવવાની શકયતા દેખાતી નથી. કોરોનાને કારણે આ વર્ષે કદાચ વિદેશી પ્રવાસીઓ તો આવશે જ નહીં તેવું પ્રવાસન જાણકારો કહી રહ્યા છે.

'પ્રવાસન નગરી' તરીકે પ્રખ્યાત રાજસ્થાનના જેસલ મેર ખાતેના 'ટ્રાવેલ માર્કેટ'ના અગ્રણીઓ કહી રહ્યા છે કે જયાં સુધી કોરોના સામે રક્ષણ આપતી અને કોરોનાના ઉપચારમાં ઉપયોગી વેકસીન હાથવગી નહીં થાય, ત્યાં સુધી જેસલમેર ટુરીઝમ આગળ ચાલી શકશે નહીં.

રાજસ્થાનના જેસલમેર ખાતેના હોટલના માલિકો રેસ્ટોરન્ટના સંચાલકો, રીસોર્ટસના પ્રોપ્રાઇટર્સ વિગેરે સાથે તથા ટુરીઝમ સાથે પ્રત્યેક્ષ રીતે જોડાયેલ અંદાજે દસ હજાર જેટલા લોકોની  રોજગારી કાળમુખો કોરોના છીનવી લેશે તેવું ટ્રાવેલ માર્કેટના અગ્રણીઓ કહી રહ્યા છે. ભારત તથા અન્ય દેશોમાંથી દર વર્ષે અંદાજે ૮ લાખ જેટલા પ્રવાસીઓ રાજસ્થાનના જેસલમેર ખાતે ફરવા આવતા હોવાનું જાણવા મળે છે.

જેસલમેર ખાતે આવેલ વિવિધ ટ્રાવેલ એજન્સીઓ ભારતના મેટ્રો સિટી ગણાતા દિલ્હી, મુંબઇ, અમદાવાદ, કોલકતા, ચેન્નાઇ, બેંગ્લોર વિગેરે ખાતે આવેલ વિદેશી ટ્રાવેલ એજન્સીઓને પણ ''હવે પછીના સમયમાં કયા પ્રકારની ટુરીઝમ સ્ટ્રેટેજી ફાયદાકારક રહેશે ?'' તે  વિશે પૂછી રહ્યા છે.

ઉનાળાને ધ્યાનમાં રાખીને આ વર્ષે જેસલમેર ખાતેના ટૂર એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીઓએ એપ્રિલ-ર૦ર૦ થી ૯૯ દિવસો માટે 'જૈસલ-મેરા' યોજના ઘડી હતી. જે યોજનાને પણ કોરોના સામે નિષ્ફળતા મળી હતી. આ યોજના હેઠળ ઉનાળાની ગરમીના દિવસોમાં દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષવા માટે હોટલો-રીસોર્ટસમાં ખૂબ જ ઓછા ભાવે રૂમ આપવા તથા અન્ય આકર્ષક કાર્યક્રમો પણ કરવાનું નકકી કરાયું હતું. પરંતુ માર્ચ મહિનાના બીજા અઠવાડીયાથી જ 'કોરોના કહેર' વર્તાવા લાગતા 'જૈેસલ-મેરા' યોજના ઉપર પાણી ફરી વળ્યું હતું.

(3:23 pm IST)