Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

સરહદી અથડામણમાં નથી ચાલી ગોળીઃ કાંટાળા તારના ડંડા અને પત્થરોથી ચીની સૈનિકોએ કર્યો હુમલો

ચીની સૈનિકોએ ભારતીય સૈનિકો પર પથ્થરમારો કર્યો હતોઃ આ ઉપરાંત ભારતીય સૈન્ય પર લોખંડના સળિયા, કાંટાળી લાકડીઓ અને ડંડાઓ વડે હુમલો કર્યો હતો

નવી દિલ્હી, તા.૧૭: ભારત અને ચીન વચ્ચે લદાખ સરહદ પર ગલવાન ખીણ નજીક પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. મે મહિનાથી આ વિસ્તારોમાં માથાકૂટ વધી છે. સોમવારે રાત્રે અહીં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં એક ભારતીય અધિકારી અને બે જવાન શહીદ થયા હતા. દરમિયાન સુત્રોના જણાવ્યા અનુસાર ચીની સૈનિકોએ આ દરમિયાન કાંટાળા તારવાળી લાકડીઓથી હુમલો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જયારે બોર્ડર કમાન્ડરની બેઠક થઈ ત્યારે નિર્ણય કરવામાં આવ્યો હતો કે PP ૧૪-૧૫-૧૭ પર ચીન એલએસી બોર્ડરથી હટીને પાછળ જશે. પરંતુ ચીની સૈનિકોએ તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ભારત દ્વારા વારંવાર સમજાવવામાં આવી રહ્યા હતા તે દરમિયાન ચીની સૈનિકોએ હુમલો કરી દીધો હતો.

 સુત્રોએ જણાવ્યું હતું કે, ચીની સૈનિકોએ ભારતીય સૈનિકો પર પથ્થરમારો કર્યો હતો, આ ઉપરાંત ભારતીય સૈન્ય પર લોખંડના સળિયા, કાંટાળી લાકડીઓ અને ડંડાઓ વડે હુમલો કર્યો હતો. જે ઓફિસર આ મામલાની લીડ કરી રહ્યા હતા. વાટાદ્યાટો કરી રહ્યા હતા. તેમને જ આ પત્થરમારો અને ઝપાઝપીમાં ખૂબજ ગંભીર ઈજાઓ પહોંચી છે. સુત્રોના જણાવ્યા અનુસાર ચીનના હુમલાની જવાબી કાર્યવાહી દરમિયાન ભારતના ૧૦થી ૧૨ જવાન ઘાયલ થયા છે અને તેટલીજ સંખ્યામાં ચીનના જવાનો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. જો કે, આર્મી વતી સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવશે.

પરંતુ આ દરમિયાન ચીને ભારત પર દોષારોપણ કરવાનું શરૂ કરી દીધું છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ બંને દેશોની સૈન્ય વચ્ચે અથડામણ થઈ હતી. હવે અમે ભારતને એકપક્ષી કાર્યવાહી ન કરવા અપીલ કરીએ છીએ. આ સમગ્ર મામલે ભારતીય સૈન્ય દ્વારા જારી કરાયેલા એક સત્ત્।ાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સોમવારે રાત્રે ગલવાન ખીણમાં ડી-એસ્કેલેશન પ્રક્રિયા દરમિયાન ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ દરમિયાન ભારતીય સેનાના એક અધિકારી અને બે જવાનો શહીદ થઈ ગયા છે. પરિસ્થિતિને શાંત કરવાના પ્રયાસ માટે બંને દેશોના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ મોટી બેઠક યોજી રહ્યા છે.

(3:18 pm IST)