Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ભારત - ચીન વચ્ચે તણાવ વધતા શ્રીનગર - લેહ હાઇવે બંધ

LAC પર સેના એલર્ટ મોડ પર

નવી દિલ્હી તા. ૧૭ : લાઇન ઓફ એકચુઅલ કંટ્રોલ પર ચીન સાથે ઘર્ષણ ચાલી રહ્યું છે. સેનાનાં સૂત્રોનું કહેવું છે કે કાલથી અત્યાર સુધી થઈ રહેલી સમાધાનની કોશિશોની કોઈ ખાસ અસર થઈ નથી. સીમા પર સ્થિતિ તણાવપૂર્ણ છે. વાતચીતથી સ્થિતિમાં કોઈ બદલાવ નથી આવ્યો. ના ફકત લડાખ, પરંતુ એલએસીનાં બીજા ભાગોમાં પણ સેના એલર્ટ મોડ પર આવી ગઈ છે.

આ દરમિયાન ભારતીય સેના તરફથી શહીદ થયેલા ૨૦ જવાનોનાં નામ આજે જાહેર કરવામાં આવશે. ચીન સાથેનાં તણાવને લઇને રક્ષા મંત્રીની ત્રણેય સેનાનાં ચીફ સાથે બેઠકો ચાલી રહી છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ૧૫-૧૬ જૂનની રાત્રે ગલવાન ખીણની પાસે બંને દેશોનાં સૈનિકોની વચ્ચે મારામારી થઈ જેમાં ચીનને પણ ભારે નુકસાન થયું છે. ચીનનાં ૪૦થી વધારે સૈનિકો માર્યા ગયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો ગલવાન નદીની પાસે ચીની હેલીકોપ્ટરોની ગતિવિધિઓ પણ વધી ગઈ છે. ભારત અને ચીન વચ્ચે LAC પર તણાવ વધતા હવે શ્રીનગર-લેહ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત હવે રક્ષા મંત્રાલયમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહની આગેવાનીમાં એક મોટી બેઠક ચાલી રહી છે, જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સહિત અન્ય મોટા અધિકારીઓ સામેલ છે. ઉલ્લેખનીય છે કે ભારત અને ચીનની વચ્ચે મે મહિનાથી લડાખમાં તણાવ ચાલી રહ્યો હતો. સમજૂતી પ્રમાણે ચીને પાછું હટવાનું હતુ, જયારે ભારતીય જવાનો તેને સૂચિત કરવા પહોંચ્યા ત્યારે દગાથી ચીને ભારતીય સૈનિકો પર હુમલો કર્યો.

ભારતીય સેનાનાં સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ અથડામણમાં સેનાનાં ૨૦ જવાનો શહીદ થયા છે. શરૂઆતમાં ૩ જવાનોનાં શહીદ થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારબાદ ૧૭ સૈનિકોનાં નામ જોડાયા. બુધવારનાં આ તમામ શહીદોનાં નામ જાહેર કરવામાં આવશે.

(3:16 pm IST)