Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

૩ કલાક ચાલ્યો સંઘર્ષઃ ભારતીય સૈનિકોની સટાસટી : ચીની કમાન્ડર ઓફિસર સહિત ૪૦ સૈનિકોને હણી નાખ્યા

દુશ્મન દેશને પણ ધોળે દિવસે તારા દેખાઇ ગયા

નવી દિલ્હી તા. ૧૭ : લડાખની ગાલવાન ખીણમાં ભારત અને ચીનનાં સૈનિકોની વચ્ચે થયેલી હિંસક મારામારીમાં ચીનને પણ ઘણું જ નુકસાન થયું છે. સમાચાર છે કે ચીનનાં પણ ૪૦થી વધારે સૈનિકૌનાં મોત થયા છે. એટલું જ નહીં ભારતીય સેના સાથેની મારામારીમાં મરનારા ચીની સૈનિકોમાં તેમની સેનાનાં કમાન્ડિંગ ઓફિસર પણ સામેલ છે. બીજી તરફ ભારતનાં ૨૦ જેટલા સૈનિકો ચીનનાં દગાથી શહીદ થયા છે.

ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં ભારતનાં જે ત્રણ સૈનિકોનાં શહીદ થયા હોવાના સમાચાર આવ્યા હતા તેમાં આપણા પણ કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબૂ સામેલ હતા. ચીની સૈનિકો તરફથી સૌથી પહેલા હુમલો તેમના પર કરવામાં આવ્યો હતો. ત્યારે તેઓ વાતચીત બાદ ચીની સૈનિકોને સમજાવવા ગયા હતા કે તેઓ પાછા જાય. સોમવાર સાંજે ભારતીય સેનાનાં ઓફિસર સંતોષ બાબૂ ટીમ સાથે ગલવાન વેલીમાં પીપી-૧૪ પહોંચ્યા જયાંથી ચીની સૈનિકોએ પાછા જવાનું હતુ. આવું વાતચીતમાં નક્કી થયું હતુ. ત્યારે ત્યાં ૧૦-૧૨ ચીની સૈનિકો હતા.

અચાનક ઘણા બધા સૈનિકો આવ્યા. ભારતીય ઓફિસર અને તેમના બે જવાનો પર પથ્થરો અને લોખંડનાં દંડાથી હુમલો કર્યો. ભારતીય સૈનિક ચોંકી ગયા અને વળતો જવાબ આપ્યો. મોટી સંખ્યામાં ભારતીય સૈનિકો પણ ત્યાં પહોંચ્યા અને અડધી રાત સુધી હિંસક મારામારી ચાલું રહી. સૂત્રોનું કહેવું છે કે લગભગ એક બટાલિયનની વચ્ચે આ લોહિયાળ લડાઈ થઈ એટલે કે લગભગ ૬૦૦-૭૦૦ સૈનિકો.

રાતનાં સમયે થયેલી આ મારામારીમાં કેટલાક સૈનિકો નાળામાં પણ પડી ગયા હોવાની વાત સામે આવી રહી છે. બંને તરફનાં સૈનિકો ગંભીર રીતે ઘાયલ છે. પૂર્વ લડાખમાં મારામારી બાદ ચીને ભારતને સરહદ ના ઓળંગવાની ચેતવણી આપી છે. ચીની વિદેશ મંત્રાલયે ભારત પર આરોપ લગાવતા કહ્યું કે ભારતીય સૈનિકોએ સોમવારનાં ૨ વાર એલએસી પાર કરી. બીજી તરફ ભારતે કહ્યું છે કે અમારૃં વલણ જવાબદારીભર્યું હતુ. ભારત તમામ કામ એલએસીમાં પોતાની સરહદમાં જ કરે છે. ચીન પાસે પણ આવી આશા રાખવામાં આવે છે, પરંતુ ચીન દ્વારા સ્થિતિ બદલવાની એકતરફી કોશિશોનાં કારણે મારામારી થઈ.

(3:08 pm IST)