Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ભારત વિશ્વાસમાં રહ્યું અને ચીને... ઇતિહાસની ઝલક

ડોકલામ સ્ટેન્ડ ઓફ પછી ચીન ભારતીય સરહદે ઉંબાડીયા કરતું રહે છે. પરંતુ ભારતીય દળો સતર્ક હોવાથી ચીન ફાવે તેમ નથી : ચીને તિબેટમાં ૧૪ મોટા લશ્કરી હવાઈઅડ્ડા બનાવ્યા છે. તિબેટમાં ભારતની સરહદે અણુમિસાઈલો ગોઠવી છેઃ ૧૯૫૦ થી ૧૯૫૫ વચ્ચે જવાહરલાલ નહેરૂ ચીનને યુનોમાં સ્થાન અપાવવા માટે અથાક મહેનત કરી : રહયા હતા ત્યારે ચીન ચૂપચાપ ભારત ઉપર આક્રમણ કરવાની તૈયારીમાં લાગી ગયુ હતું: મહાન ફ્રેંચ સેનાપતિ નેપોલીયન બોનાપાર્ટ (ઈ.સ. ૧૭૬૯–૧૮૨૧) ને જયારે કોઈએ ચીન વિશે પુછયુ ત્યારે તેણે કહેલું 'એ રાક્ષસ સૂતો છે, એને સૂવા દો, જો એ જાગશે તો વિશ્વને ધ્રુજાવશે'

અત્યારે સમગ્ર માનવજાત એક અભૂતપૂર્વ સંકટમાંથી પસાર થઈ રહી છે. ચીનના વુહાન શહેરમાંથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલ કોરોના વાયરસે વિશ્વના લગભગ તમામ દેશોમાં મોતનું તાંડવ મચાવ્યું છે. અત્યાર સુધીમાં વિશ્વમાં લગભગ ૬૦ લાખ લોકો આ વાયરસથી બિમાર છે અને ૩,૫૦,૦૦૦ થી વધારે લોકોના મોત થયા છે. આ વાયરસથી બિમાર થતાં લોકોની અને તેનાથી થતાં મોતની સંખ્યા રોજ વધતી જાય છે. આ વાયરસ ચીનમાંથી આખી દુનિયામાં ફેલાયો એ નકકી છે. ચીનની વુહાન ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીમાંથી આ વાયરસ છટકીને વિશ્વમાં ફેલાયો કે ચીને જાણી જોઈને આ વાયરસ ફેલાવ્યો તે તપાસનો વિષય છે.પરંતુ, ઘણા દેશોને શંકા છે કે ચીને અમેરીકા અને યુરોપના દેશોને બરબાદ કરવાના ઈરાદાથી કોરોના વાયરસ નામના આ રાક્ષસને છૂટો મુકી દીધો છે. ગમે તે હોય પણ ચીન પ્રત્યેનો અવિશ્વાસ અને આશંકા વિશ્વ આખામાં ચરમ સીમાએ છે. આ લખાય છે ત્યાં સુધીમાં ભારતમાં પણ ૨,૧૦,૦૦૦ લોકો આ વાયરસથી સંક્રમીત છે અને  ૬૦૦૦ થી વધારે લોકોના મોત થયા છે.

૧૯૪૯ માં ચીનમાં સામ્યવાદિઓ સત્ત્।ા ઉપર આવ્યા ત્યારથી ચીન ભારતનું એક નંબરનું દુશ્મન બની ગયું છે. ચીને ફેલાવેલ કોરોના વાયરસનો તો ભારત સામનો કરે જ છે તેમાં ર થી પ મે, ૨૦૨૦ વચ્ચે ચીને ભારતના લડાખમાં ગલવાન વેલી વિસ્તારમાં પેંગોંગ સરોવર નજીક અચાનક જ ઘૂસણખોરી કરીને પોતાના સૈનિકો ગોઠવી દીધા છે. ૧૯૬૨ ની લડાઈ પછી બન્ને દેશો વચ્ચે યુધ્ધ વિરામ થયો તેમાં બંને દેશોના દળો એ વિસ્તારમાં જે સ્થિતિએ હતા તે લાઈન ઓફ એકચ્યુયલ કંટ્રોલનો ભંગ કરીને ચીની દળોએ મોટી સંખ્યામાં આ વિસ્તારમાં ઘુસણખોરી કરી છે. આ લાઈન ઓફ એકચ્યુયલ કંટ્રોલના ભારતના એરીયામાં ભારતે રોડનું બાંધકામ કરતાં ચીનના પેટમાં તેલ રેડાયુ છે. ચીને આ વિસ્તારમાં પોતાના પ૦૦૦ સૈનિકો ગોઠવી દીધા છે. ભારતે પણ પોતાના  સૈનિકોની સંખ્યા વધારી છે. ચીનના સૈનિકોને આગળ વધતા અટકાવી દીધા છે પરંતુ,આ વિસ્તારમાં સ્થિતિ તંગદીલી ભરી છે. બંને દેશો વચ્ચે વાટાઘાટો ચાલુ છે તો પણ સ્થિતિ તનાવપૂર્ણ છે એ ચોકકસ, ચીન હૂમલો કરે તો ભારતે પણ તેને ભરી પીવાની તૈયારીઓ કરી લીધી છે. અમેરીકા, બ્રીટન, ફ્રાંસ, જર્મની, ઈટાલી, સ્પેન જેવા અનેક દેશો સહિત ભારત આજે કોરોના સામે લડવામાં વ્યસ્ત છે ત્યારે આ મોકો જોઈને ચીને આપણી સરહદે ગંભીર સ્થિતિ ઉભી કરી છે. આવા સંજોગોમાં ભારત અને ચીન વચ્ચેના સંબંધોનો ઈતિહાસ તપાસવાનું રસપ્રદ થઈ પડશે.

મહાન ફ્રેંચ સેનાપતિ નેપોલીયન બોનાપાર્ટ (ઈ.સ. ૧૭૬૯–૧૮૨૧) ને જયારે કોઈએ ચીન વિશે પુછયુ ત્યારે તેણે કહેલું 'એ રાક્ષસ સૂતો છે, એને સૂવા દો, જો એ જાગશે તો વિશ્વને ધ્રુજાવશે.'

ભારત અને ચીન વિશ્વના બે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો છે. ભૂમિ વિસ્તારની દ્રષ્ટિએ ચીન ભારત કરતા મોટુ છે અને વસ્તી પણ ભારત કરતા વધુ છે. આ બે પૂરાતન સંસ્કૃતિઓ વચ્ચેના સંબંધો ૨૫૦૦ વર્ષથી વધારે જૂના છે. ઈશુની પહેલી સદીમાં બૌધ્ધધર્મ ભારતમાંથી ચીનમાં પ્રસર્યો, ભારતની પ્રાચીન નાલંદા અને તક્ષશીલા વિશ્વવિદ્યાલયોમાં ચીની વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાના ઉલ્લેખ મળે છે. બન્ને દેશો વચ્ચે ઉત્તુંગ હિમાલય સીમા બનીને ઉભો હોવાથી બન્ને દેશો વચ્ચે પ્રવાસ દુર્ગમ હતો. તેમ છતાં હયુ એન સાંગ અને ફાહિયાન જેવા ચીની પ્રવાસીઓ ભારત આવેલા. તેઓના પ્રવાસ વર્ણનો મળે છે. બન્ને વચ્ચે વ્યાપારી સંબંધો પણ સદીઓ જૂના છે. બન્ને વચ્ચે રાજકીય સંબંધો નહિંવત હતાં.

તિબેટ : ભારત અને ચીન વચ્ચેના સંબંધોનો ઈતિહાસ તપાસીએ ત્યારે તિબેટ વિશે અચૂક વાત કરવી પડે કેમકે, હિમાલયની ઉત્તરે આવેલો આ વિશાળ પ્રદેશ ભારત અને ચીન વચ્ચે બફર સ્ટેટ તરીકે સદીઓ સુધી રહયો. તિબેટનો કુલ ભૂમિ વિસ્તાર ૧૨.૨૮ લાખ ચો.કિ.મી., સરેરાશ ઉંચાઈ ૪૦૦૦ મીટરથી વધારે, વસ્તીના ૯૦% બૌદ્ઘધર્મી, પાટનગર લ્હાસા. આ પ્રદેશની સરેરાશ ઉચાઈ ૪૦૦૦ મીટર હોવાથી તે 'વિશ્વનું છાપરૂ' “Roof of the world” તરીકે ઓળખાય છે. અત્યારે તિબેટની વસ્તી ૬૦ લાખ જેવી છે. ભારતની સાંસ્કૃતિક અને ધાર્મિક માન્યતાના માનબિંદુ સમા કૈલાસ પર્વત અને માનસરોવર તિબેટમાં જ આવેલા છે. પૂર્વ ભારતની ધોરી નસ ગણાતી બ્રહ્મપુત્રા નદી અહિંથી જ નિકળે છે. આજે પણ કોઈપણ હિન્દુ કૈલાસ અને માનસરોવરની યાત્રા કરીને ઘન્યતા અનુભવે છે. પૌરાણીક માન્યતા અનુસાર આ પ્રદેશ યક્ષો અને કુબેરનો છે. હિન્દુ ધર્મના અત્યંત પવિત્ર આ બે ધર્મસ્થાનો તિબેટમાં હોવા છતાં ભારતની કોઈ કેન્દ્રવર્તી સત્તાએ તિબેટ ઉપર આક્રમણ કરીને તેનો કબજો લેવાનો પ્રયાસ કયારેય કર્યો નથી. નહિ તો હર્ષ અને મોર્ય સામ્રાજયો લશ્કરી રીતે ઘણા શકિતશાળી હતાં. સમ્રાટ અશોક પણ મહાશકિતશાળી હતો. છેક ઓગણીસમી સદીમાં આવો એક પ્રયત્ન થયો તેની નોંધ લેવી જરૂરી છે. જમ્મુ-કાશ્મીર, લેહ-લડાખ, બાલ્ટીસ્તાન, સ્કાર્દુ સુધી વિસ્તૃત એવા શીખ સામ્રાજયમાં (સ્થાપના ૅં ૧૭૯૯, સ્થાપક : મહારાજા રણજીતસિંહ) આવેલ જમ્મુ રાજયના મહારાજા ગુલાબસિંહ (૧૭૯૨–૧૮૫૭) ડોગરા વંશના સ્થાપક હતાં. મહારાજા ગુલાબસિંહના શકિતશાળી સેનાપતિ જોરાવરસિંહ કહલૂરીયા (૧૭૮૬–૧૮૪૧) જેને પશ્ચિમના લેખકો ભારતના નેપોલિયન તરીકે વર્ણવે છે, તેણે લેહ-લડાખ, બાલ્ટીસ્તાન અને સ્કાર્દુ જીતી લઈને જમ્મુ રાજયમાં ભેળવી દીધા. ત્યાર બાદ મે, ૧૮૪૧ માં છ હજાર સૈનિકોની ફોજ લઈને લડાખમાંથી તિબેટ ઉપર આક્રમણ કર્યું. જોરાવરસિંહની સેનાએ તિબેટની સેનાને હરાવીને તિબેટના પાટનગર લ્હાસા ઉપર કબ્જો કરીને છેક કૈલાસ- માનસરોવર પહોંચી ગયા (ડીસેમ્બર-૧૮૪૧) તિબેટમાં આ સેનાએ કિલ્લેબંધી પણ કરી. પરંતુ ત્યારબાદ અઠવાડીયાઓ સુધી તિબેટમાં બરફ અને વરસાદનું તોફાન આવ્યુ, અસહય ઠંડીમાં જોરાવરસિંહના ઘણા સૈનિકો માર્યા ગયા. આ સમય દરમ્યાન તિબેટના સૈનિકો અને તેની મદદમાં આવેલા ચીની સૈનિકોને રીગ્રૂપ થવાનો સમય મળી ગયો. એ લોકોએ જોરાવરસિંહના સૈન્ય ઉપર વળતુ આક્રમણ કર્યું. બરફના તોફાનને લીધે જોરાવરસિંહની ૪૫૦ માઈલ લાંબી પૂરવઠા હરોળમાં ભંગાણ પડતા, તિબેટન-ચીની સૈનિકો સાથેની લડાઈમાં જોરાવરસિંહ શહિદ થયા, જોરાવરસિંહની સેનાનો પીછો કરતા તિબેટ અને ચીનના સૈનિકો લડાખ સુધી આવી ગયા. જોરાવરસિંહના બીજા સેનાપતિ બસ્તીરામ મહેતાએ લડાખ પાસે દુશ્મનની ફોજની કૂચ અટકાવી દીધી. એ દરમ્યાન જમ્મુથી લશ્કરની કૂમક આવી પહોંચી. મહારાજા ગુલાબસિંહની સેનાએ તિબેટન—ચીની લશ્કરને હરાવીને તેના સેનાપતિનો વધ કરીને જોરાવરસિંહના મોતનો બદલો લીધો. સપ્ટેમ્બ૨–૧૮૪૨માં શીખ સામ્રાજય અને ચીનની સ૨કા૨ વચ્ચે ચુસુલની સંધી થઈ. આ સંધીની શરતો મુજબ બંને દેશોએ એકબીજાના પ્રદેશ ઉપર આક્રમણ ન કરવાનું નકકી કર્યુ. આમ લેહ-લડાખ, બાલ્ટીસ્તાન, સ્કાર્દુ જે જમ્મુ રાજયનો ભાગ હતા તેના ઉપર આક્રમણ ન કરવાનું ચીની સરકારે સ્વીકાર્યું.

૨૦મી સદીની શરૂઆતમાં બ્રિટીશરોને લાગ્યું કે જો રશિયા તિબેટ ઉપર આક્રમણ કરે કે પોતાની વગ વધારે તો બ્રિટીશ ઈન્ડીયાને જરૂર પડકાર ઉભો થાય. એટલે ડિસેમ્બર-૧૯૦૩માં બ્રિટીશ ઈન્ડીયન આર્મીએ કર્નલ યંગ હસબન્ડની આગેવાની નીચે તિબેટ ઉપર આક્રમણ કર્યું અને તિબેટના સૈન્યને હરાવીને તેના પાટનગર લ્હાસાને કબજે કર્યું. આ લડાઈ બાદ સપ્ટેમ્બર-૧૯૦૪ માં ગ્રેટબ્રિટન અને તિબેટ વચ્ચે લ્હાસા સંધી થઈ. આ સંધીની શરતો મુજબ તિબેટ કોઈ અન્ય દેશને કોઈપણ પ્રકારના હકકો તિબેટમાં ન આપી શકે અને વ્યુહાત્મક રીતે અગત્યની ચુંબી ખીણ ઉપ૨ બ્રિટીશ ઈન્ડીયાનો કબજો રહે તેવી ગોઠવણ થઈ. બ્રિટીશ ઈન્ડીયન આર્મી તિબેટમાંથી પાછુ ફર્યુ.

તિબેટ એક દુર્ગમ પહાડી પ્રદેશ અને મુખ્યત્વે બૌધ્ધ મઠોનો દેશ છે. આ રાજકીય રીતે સ્વાયત્ત્। પ્રદેશ ઉપર ચીનનું આધિપત્ય નામ માત્રનું હતું. ૧૯૧૨માં ચીનમાં કવીંગ વંશના શાસનનો અંત આવ્યો. ત્યારબાદ જાન્યુઆરી ૧૯૧૩માં તિબેટ અને મોંગોલીયાએ ચીની આધિપત્યને ફગાવી દઈને સ્વતંત્રતાની ઘોષણા કરી. આમ વાસ્તવિક રીતે જોતા ૧૯૧૨-૧૩થી તિબેટ એક સ્વતંત્ર સાર્વભૌમ રાજય તરીકે અસ્તિત્વમાં આવ્યું. દલાઈ લામા તેના ધાર્મિક અને રાજકીય વડા બન્યા.

ચીનમાં કવીંગ વંશ સામેનો વ્યાપક અસંતોષ અને ખેડૂત આંદોલનને લીધે ૧૯૧૨ માં કવીંગ વંશના શાસનનો અંત આવ્યો. ૧૯૧૩ માં તિબેટ અને મોંગોલીયાએ સ્વતંત્રતાની ઘોષણા કરી. આ બધી ઉથલપાથલ વચ્ચે બ્રિટીશ ઈન્ડીયા ગવર્નમેન્ટને લાગ્યું કે હવે તિબેટ અને બ્રિટીશ ઈન્ડીયા વચ્ચેની સરહદ નકકી કરી લેવી જોઈએ. જેથી ભવિષ્યમાં કોઈ સીમા વિવાદ ઉભો ન થાય, એટલે ૧૯૧૪માં બ્રિટીશ ઈન્ડીયા ગવર્નમેન્ટના પ્રયત્નોથી બ્રિટીશ ઈન્ડીયા, તિબેટ અને ચીનના પ્રતિનિધિ મંડળો વચ્ચે ત્રીપક્ષી બેઠક ભારતમાં સિમલામાં યોજાઈ. આ બેઠકનું આયોજન બ્રિટીશ ઈન્ડીયા અને તિબેટ વચ્ચે તેમજ તિબેટ અને ચીન વચ્ચેની સરહદ નકકી કરવા માટે બ્રિટીશરોએ કરેલું. આ બેઠકમાં ત્રણે દેશોના પ્રતિનિધિ મંડળોએ વિચાર- વિમર્શ કરીને બ્રિટીશ ઈન્ડીયા અને તિબેટ વચ્ચે તેમજ તિબેટ અને ચીન વચ્ચેની સીમાનું નિર્ધારણ કરતી સમજુતી ઉપર સહીઓ કરી. આ મંત્રણાઓમાં બ્રિટીશ ઈન્ડીયાના પ્રતિનિધી મંડળના નેતા તરીકે બ્રિટીશ ઈન્ડીયાના તે સમયના વિદેશ મંત્રી મેકમોહન હતા એટલે આ સિમલા સમજૂતિ મુજબ બ્રિટીશ ઈન્ડીયા અને તિબેટ વચ્ચે જે સરહદ નકકી થઈ તેને મેકમોહન લાઈન નામ આપવામાં આવ્યું. સિમલા સમજૂતિ પછી ચીની પ્રતિનિધિમંડળ ચીન પાછુ ફર્યુ. ત્યારે ચીની સરકારે સિમલા સમજુતિમાં તિબેટ અને ચીન વચ્ચે જે સીમારેખા નકકી કરવામાં આવી છે તે ચીનને મંજૂર નથી એવું કહીને આ સંધીને અનુમોદન આપવાની ના પાડી દીધી. બ્રિટીશ ઈન્ડીયા અને તિબેટ વચ્ચે નકકી થયેલ સીમારેખા મેકમોહન લાઈન અંગે ચીને ત્યારે કે ત્યારબાદ ૧૯૪૯ સુધી કોઈ વિરોધ કર્યો ન હોતો. આમ, ૧૯૧૪ની સિમલા સમજૂતીમાં તેનો વાંધો તિબેટ અને ચીન વચ્ચે થયેલ સીમા રેખા બાબત જ હતો અને તેવા કારણસર જ તેણે આ સમજૂતિને બહાલી આપવાનો ઈન્કાર કરેલો.

૧૯૪૫-૪૬ માં ચીનમાં માઓના દળો અને ચાંગ કાઈ શેક ના દળો વચ્ચે આંતર વિગ્રહ ચાલતો હતો. ભારતમાં પણ સ્વતંત્રતાની ચળવળ તેની ચરમસીમા ઉપર હતી. બીજા વિશ્વયુધ્ધમાં બ્રિટન વિજયી થયું હતું પરંતુ,આર્થિક રીતે ઘણુ ખૂવાર થઈ ગયું હતું. બીજા વિશ્વયુદ્ઘ પછી બ્રિટનમાં થયેલી સામાન્ય ચૂંટણીમાં ચર્ચિલની હાર થઈ હતી અને મજૂર પક્ષના કલેમેન્ટ એટલીની નવી સરકાર સત્તા ઉપર આવી હતી. આ સરકારે ભારતને બને તેટલી વહેલી સ્વતંત્રતા આપવાનું નકકી કર્યુ આ અરસામાં ભારતીય સૈન્યોના અંગ્રેજ સેનાપતિએ કહયુ કે 'અત્યારે જયારે ચીન આંતરવિગ્રહમાં રોકાયેલુ છે ત્યારે જ ભારતે તિબેટ ઉપર કબજો કરી લેવો જોઈએ. જો આપણે આમ નહિ કરીએ તો પછી ચીન તેનો કબજો લઈ લેશે.' પરંતુ આ સમય દરમ્યાન ભારતના ભાગલા અને તેને કારણે ઉભી થયેલી ગંભીર પરિસ્થિતિનો ભારત સામનો કરી રહયુ હતું અને વિદાય લેતા બ્રિટીશ લશ્કરને આવુ કરવામાં રસ ન હોય એ દેખીતું જ છે. ભારતના દળો કાશ્મીર ઉપર પાકિસ્તાને કરેલ હૂમલો, હૈદરાબાદમાં સૈન્ય કાર્યવાહી, આ બધામાં રોકાયેલા હતાં.

અહિં એક ઘટનાની નોંધ કરવી જરૂરી લાગે છે. ૧૯૪૫-૪૬માં બ્રિટીશરોની ભારતમાંથી વિદાય અને ભારતના ભાગલા નિશ્ચિત દેખાતા હતાં. બીજુ વિશ્વયુધ્ધ હમણાં જ પુરૂ થયું હતું. યુધ્ધમાં થયેલ ભયંકર હિંસાચાર અને વિનાશ દુનિયા સામે જ હતો. ત્યારે ગાંધીજી માનતા હતાં કે લશ્કરીદળો હિંસાના પ્રતિક છે. લશ્કરો હિંસા માટે જ હોય છે. ગાંધીજીએ પોતાની આ માન્યતા કોંગ્રેસ કારોબારી સમક્ષ આગ્રહપૂર્વક રજૂ કરીને એવો ઠરાવ કરવાની માંગણી કરી કે, આઝાદી પછી નવી સરકાર લશ્કરો વિખેરી નાખશે અને સૈન્યો નિભાવશે નહિં. આ ઠરાવ ઉપર ચર્ચાને અંતે સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું સમાજ ઉપર અત્યાચાર કરનારાઓ સાથે હિંસા આચર્યા વિના કામ પાડી શકાય એમ હું માનતો નથી. આંતરિક અવ્યવસ્થા અને બહારના આક્રમણ સામે હિંસક પ્રતિકાર કર્યા વિના છૂટકો જ નથીે આમ આ ઠરાવનું પ્રકરણ પુરૂ થયું. આમાં, લશ્કરના આધુનિકિકરણ અને વિસ્તરણની તો વાત જ કયાં આવે?

ભારતમાં આઝાદીના સૂર્યોદય સાથે વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની માન્યતા હતી કે એશિયાના નવોદિત રાષ્ટ્રો વચ્ચે મિત્રાચારી અને સહકાર હોય તો એ પશ્ચિમના દેશોના મૂડીવાદ અને સામ્રાજયવાદની અસરમાંથી મૂકત રહીને પ્રગતિ કરી શકે. આ વિચારસરણી અંતર્ગત તેઓનું માનવું હતું કે, એશિયાના બે મહાન રાષ્ટ્રો ભારત અને ચીન વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો હોય તો વિશ્વરાજકારણમાં એશિયા એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે. તેઓનું આ એક સ્વપ્ન હતું અને એટલે જ તેઓ 'હિન્દી ચીની ભાઈ-ભાઈ' ના સુત્રોચ્ચાર કરતા હતાં. જવાહરલાલ નહેરૂ આદર્શવાદી વિશ્વ માનવ હતા. જયારે સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતની ધીંગીધરાના સંપૂર્ણ વાસ્તવવાદી ભારતીય લોખંડી પુરૂષ હતા એટલે જ ૧૯૪૮-૪૯માં નહેરૂ શાંતિપૂર્ણ સહઅસ્તિત્વના 'પંચશીલ' સિધ્ધાંતો મુજબ 'હિન્દી ચીની ભાઈ-ભાઈ' ના ગાણા ગાતા હતાં ત્યારે સરદાર પટેલે તેમને ચેતવ્યા હતાં. સરદાર આ સમાજવાદીઓ અને સામ્યવાદીઓના દંભી ચારિત્ર્યથી પૂરા વાકેફ હતાં. તિબેટ ઉપર ચીનનું આધિપત્ય જવાહરલાલે સ્વીકાર્યું ત્યારે સરદારે તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. તિબેટને હડપ કરીને ચીન આપણી સરહદ સુધી આવી જાય તો આપણા ઉત્તર-પૂર્વના વિસ્તારો અને આસામ ઉપર બહુ મોટું જોખમ આવી પડે તે વાત સ૨દાર બરાબર સમજતા હતાં. ચીનની બદદાનતનો અંદાજ સરદારને બરાબર આવી ગયેલો. જવાહરલાલ નહેરૂ અને ચીનના વડાપ્રધાન ચાઉ—એન–લાઈ વચ્ચે જે પત્રવ્યવહાર થયેલો એ વાંચીને સરદારે કહયુ હતું કે, આ પત્રોમાં ચીને વાપરેલી ભાષા મિત્રને છાજે એવી નથી. યુનોમાં ચીનને સ્થાન અપાવવા માટે નહેરૂ ઉતાવળા થતાં હતાં ત્યારે સરદારે એમને થોડીક વધુ ધીરજ રાખીને વૈશ્વીક પ્રવાહોનું અવલોકન કર્યા પછી જ આગળ વધવાની સલાહ આપી હતી.

આઝાદી પછી જવાહરલાલ નહેરૂના વડપણ હેઠળ રચાયેલી સરકારમાં સરદાર પટેલ ગૃહપ્રધાન હતાં. ભારતના ભાગલા, કોમી રમખાણો, લાખોની સંખ્યામાં ભારત આવેલા નિર્વાસિતો, દેશી રાજયોનુ ભારતમાં વિલિનિકરણ, પાકિસ્તાનનું કાશ્મીર ઉપર આક્રમણ આવા અનેક પ્રશ્નો વચ્ચે દિવસ- રાતના અથાક પરિશ્રમથી સરદાર પટેલનું સ્વાસ્થ્ય કથળતુ જતુ હતું. છતાં પણ ભારતની એકતા અને અખંડતા પ્રત્યે સતત ચિંતિત એવા સરદારે તા.૭/૧૧/૧૯૫૦ ના રોજ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂને એક ઐતિહાસિક પત્ર લખ્યો. પત્ર ઘણો વિસ્તૃત છે. તેના મુખ્ય મુદાઓ જોઈએ તો (૧) આપણે ચીનને આપણું મિત્ર માનીએ છીએ પરંતુ ચીન આપણને મિત્ર માનતું નથી. (૨) ચીનને યુનોમાં સ્થાન અપાવવા માટે આપણે આપણાથી બનતું બધુ જ કર્યું છતાં ચીન આપણને શંકાની નજરે જુએ છે, (૩) તિબેટીયનોએ ચીનથી બચવા આપણા ઉપર વિશ્વાસ મુકયો પરંતુ આપણે તેને બચાવી શકયા નથી. આપણે તેનો દ્રોહ કર્યો છે, (૪) ચીન તિબેટના પ્રશ્નનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માંગે છે તેવો ખોટો વિશ્વાસ આપણને આપે છે પરંતુ હકિકતમાં તે તિબેટ ઉપ૨ આક્રમણની તૈયારી કરી રહયું છે. (૫) તિબેટ ઉપર કબજો કર્યા પછી ચીન આપણા દરવાજા સુધી આવી જશે ત્યારે ઉત્ત્।ર-પશ્ચિમે પાકિસ્તાન અને ઉત્તર-પૂર્વમાં ચીન એમ બે મોરચે આપણે લડવાનું આવશે. (૬) આપણી ઉત્તર-પૂર્વના સરહદના પ્રદેશોમાં વસતી પ્રજા તિબેટન કે મોંગ્લોઈડ પ્રજાને મળતી આવે છે. એ લોકોની ભારત પ્રત્યેની લાગણી કે પ્રતિબધ્ધતા જોવા મળતી નથી. ત્યાં આપણા વહિવટી તંત્રનું માળખું પણ મજબૂત નથી. આવા સંજોગોમાં આપણી આંતરિક અને બાહય સુરક્ષા સામે ગંભીર ખતરો ઉભો થયો છે. (૭) ૧૯૧૪માં બ્રિટીશ ઈન્ડીયા ગવર્નમેન્ટ અને તિબેટ વચ્ચે થયેલ સિમલા સમજૂતિ અન્વયે ભારત અને તિબેટ વચ્ચે મેકમોહન લાઈનને સરહદ તરીકે માન્ય કરવામાં આવી હતી. તેને તે વખતની ચીની સરકારે બહાલી આપી નથી એટલે ચીન તેને સરહદ તરીકે માનવાનો ઈન્કાર કરી દેશે. (૮) ચીનનો ખતરો જોતા આપણી સરહદોના રક્ષણ માટે રેલ–રસ્તા, સંદેશાવ્યવહાર, આપણી સરહદી ચોકીઓ તેમાં સૈનિકોનું સંખ્યાબળ, શ સ્ત્રસંરંજામ, પૂરવઠા હરોળો વગેરે બાબતોનું નવેસરથી સંકલન અને આયોજન એક ક્ષણ પણ ગુમાવ્યા વગર તાત્કાલીક કરવાની જરૂર છે. આ અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરીને યોગ્ય પગલા લેવા આપણે તુરત જ મળીએ.

સરદાર પટેલના આ પત્રના જવાબમાં ૧૮–૧૧–૧૯૫૦ના રોજ નહેરૂએ પોતાના પત્રમાં લખ્યું કે ચીન તરફથી આપણા દેશ ઉપર કોઈ લશ્કરી આક્રમણ કરવામાં આવે તે મને તો લગભગ અસંભવિત જ લાગે છે. ચીન આવુ કરે તેવી કલ્પના પણ કરી શકાય નહિ. આવી કોઈ સંભાવના હું નકારી કાઢું છું.ે જવાહરલાલ નહેરૂના આ શબ્દો તેમને ચીન ઉપર કેટલો આંધળો વિશ્વાસ હતો એ બતાવે છે. ભવિષ્યની ઘટનાઓએ એ સાબીત કરી આપ્યું કે સરદાર પટેલ કેટલા દીર્ધદ્રષ્ટા હતાં. તા.૭/૧૧/૧૯૫૦ના પત્રમાં સરદારે જવાહરલાલને રૂબરૂ મળીને જરૂરી ચર્ચા-વિચારણા તુરત જ કરવાનું કહેલું. પરંતુ, આ દેશના કમનશીબે આવી મુલાકાત થાય તે પહેલા જ તા. ૩૦/૧૨/૫૦ના રોજ સરદારનું અવસાન થયું અને તેઓ માત્ર ભારતના જ નહિ વિશ્વના ઈતિહાસમાં એક અજોડ લોખંડી પુરૂષ તરીકેની પોતાની અમીટ છાપ છોડી ગયા. સ્વતંત્રતા મળ્યા પહેલા ૧૯૪૭માં અખંડ ભારતનો ૬૦% વિસ્તાર બ્રિટીશ ઈન્ડીયા તરીકે અંગ્રેજોના સીધા શાસન હેઠળ હતો અને બાકીનો ૪૦% ભૂમિ વિસ્તાર ૫૬૨ દેશી રજવાડાઓ પાસે હતો. બ્રિટીશ ઈન્ડીયાના ભૂમિ વિસ્તાર પૈકી ત્રીજો ભાગ પાકિસ્તાનમાં જતો હતો. એટલે દેશી રજવાડાઓનું વિલિનિકરણ ભારતમાં ન થાય તો અખંડ હિન્દુસ્તાનનો માંડ ૪૦% વિસ્તાર જ ભારતના ભાગે આવે. પરંતુ, સરદારે ૫૬૨ રજવાડાઓને ભારત સંઘમાં વિલિન કરીને દુનિયાના ઈતિહાસમાં એક અજોડ સિધ્ધિ મેળવી. 'હિન્દુસ્તાનના ઈતિહાસમાં કયારેય આવડો મોટો ભુમિ વિસ્તાર એક નેજા હેઠળ એક કેન્દ્રીય શાસન હેઠળ રચાયો નથી. ચંદ્રગુપ્ત મોર્ય અને સમ્રાટ અશોકથી માંડીને મોગલો કે બ્રિટીશ હકુમત હેઠળ પણ આટલો વિસ્તાર એક દેશ બનીને રચાયો નહોતો.' (સરદારપટેલ) આજે જે વિશાળ ભારત વિશ્વમાં ગૌરવ ભેર છાતી કાઢીને ઉભુ છે તેના પાયામાં સરદાર વલ્લભભાઈ પટેલનો અથાક પરિશ્રમ પડેલો છે.

૧૯૪૭-૪૮માં ચીનની સરકારે હિંદુસ્તાનની નવી સરકારને જાણ કરી દીધી હતી કે જે રીતે હિંદુસ્તાન બ્રિટીશ પંજામાંથી મુકત થયુ છે, એ જ રીતે ચીન તિબેટને પણ અગાઉની બ્રિટીશ સરકારે જે અન્યાયો કર્યા છે એમાંથી મુકત કરવા શાંતિમય ઉપાયો લેશે. સરદાર વલ્લભભાઈ પટેલ આ નોંધને ચેતવણી સમજતા હતાં અને જવાહરલાલ નહેરૂ એને મૈત્રીભરી માહિતી સમજતા હતાં. સરદારે નહેરૂને કહયું : 'જેને તમે મૈત્રીભરી માહિતી માનો છો એ નોંધની ભાષા આપણા માટે ચેતવણી સમાન છે એમ હું માનું છું. સામ્યવાદીઓ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કયારેય કશુંય શાંતિપૂર્વક કરતા નથી એટલું જ નહિ પણ આપણા દેશના પૂર્વોત્ત્।ર પ્રદેશમાં રહેતી પ્રજા આપણા કરતા વિશેષ ચીની અને તિબેટીયનો જેવી છે તેઓ મોંગોલિયન છે અને તેમના સાંસ્કૃતિક વલણો પણ આપણાથી જુદા છે એ સતત ધ્યાનમાં રાખવા જેવું છે. ચીન ભવિષ્યમાં આનો ફાયદો પણ ઉઠાવે. જવાહરલાલે સરદારની આ વાતનો વિરોધ કરતા કહેલુંે ચીન સામ્રાજયવાદી બને એ વાત સ્વીકારી ન શકાય એવી છે. આપણી વાત ચીન શાંતિપૂર્વક સાંભળે છે. એ લક્ષણ જ આવી કોઈ શંકાનો છેદ ઉડાડી દે છે.'

ત્યારબાદ ચીનના પ્રશ્ને જ વિચારણા કરવા માટે પ્રધાનમંડળની બેઠક મળી ત્યારે એન.વી.ગાડગીલે સરદારના મતનું સમર્થન કર્યું. ગાડગીલે કહયું કે, આપણે ચીન સાથે ભવિષ્યમાં કોઈ શત્રુતા વહોરવાની વાત નથી પણ જો ચીન તિબેટનો કબજો લઈને ભારતના ઉત્તર-પૂર્વીય પ્રદેશો સુધી આવી પહોચે તો આપણા માટે ભય પેદા થાય ખરો. ગાડગીલની આ વાત સાંભળીને જવાહરલાલ હસી પડયા અને બોલ્યા 'ગાડગીલજી, તમે ચીનનો ઈતિહાસ ન જાણતા હો એવું બને પણ હિંદુસ્તાનની ભૂગોળ પણ તમારી જાણમાં ન હોય એ ભારે કહેવાય! શું તમને ખબર નથી કે તિબેટ અને હિંદુસ્તાન વચ્ચે આખો હિમાલય આડો પડયો છે?' જવાહરલાલની આ વાતનો ગાડગીલ કંઈ જવાબ આપી શકયા નહિ પણ કનૈયાલાલ મુનશીએ વચ્ચેથી જ જવાહરલાલને કહ્યું. 'પંડિતજી હું માત્ર ભૂગોળ જ નહિ ઈતિહાસ પણ જાણું છુ અને ઈતિહાસમાં એ નોંધાયુ છે કે, સાતમી સદીમાં તિબેટીયનોએ હિમાલય ઓળંગીને કનોજ ઉપર આક્રમણ કર્યુ હતું. જે હિમાલય ઓળંગવો સાતમી સદીમાં દુષ્કર હતો એ હિમાલય આજે વીસમી સદીમાં ઓળંગવો એટલો બધો મુશ્કેલ ન કહેવાય, જવાહરલાલ, મુનશી સામે ટગરટગર જોઈ રહયા અને પછી વાત ઉડાડી દેતા હોય એમ બોલ્યો નોનસેન્સે ૧૯૬૨માં ચીને ભારત ઉપર આક્રમણ કર્યુ ત્યારે નહેરૂની માન્યતાનો છેદ ઉડી ગયો. સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન તરીકે સરદારને બદલે જવાહરલાલને ગાંધીજીએ પસંદ કરેલા. ગાંધીજી માનતા હતા કે વિદેશનીતીમાં જવાહરલાલને જેટલી જાણકારી છે એટલી સરદાર પટેલને નથી. ઈતિહાસે ગાંધીજીની પસંદગીને અને માન્યતાને પણ સદંતર ખોટી ઠરાવી.'

૧૯૫૦માં ચીને તિબેટ ઉપર લશ્કરી આક્રમણ કરીને તેનો કબજો લીધો. તિબેટના ધાર્મિક અને રાજકીય વડા દલાઈ લામા (૧૪માં)એ એપ્રીલ ૧૯૫૯માં તેના હજારો સમર્થકો સાથે ભારતમાં શરણ લીધું. પહેલા મસૂરીમાં અને ત્યારબાદ મે-૧૯૬૦માં ધર્મશાલામાં સેન્ટ્રલ તિબેટન એડમીનીસ્ટ્રેશન (CTA) ના નામે તિબેટની નિર્વાસિત સરકારની રચના કરી. આ ઘટના બાદ કમ્યુનિસ્ટ ચીનના સત્તાધીશો સાથે થયેલ પત્રવ્યવહાર પછી ભારત સરકાર અને ખાસ કરીને જવાહરલાલ નહેરૂ એવી ભ્રમણામાં હતાં કે ચીન કયારેય ભારત ઉપર આક્રમણ નહિ કરે. આપણી વિદેશનીતિ અને રક્ષાનીતિ ફકત પાકિસ્તાન કેન્દ્રીત હતી. ચીનના આવી પડનારા ખતરા સામે ભાગ્યે જ કોઈ પગલા લેવાયા. ૧૯૫૦ થી ૧૯૬૨ સુધીના બાર વર્ષ દરમ્યાન ભારતે ચીનના ખતરા સામે પોતાની વિદેશનીતિ અને સંરક્ષણનીતિને યોગ્ય રીતે ઘાટ આપીને તૈયારીઓ કરી હોત તો ૧૯૬૨માં આપણે ચીન સામે ખરાબ રીતે હાર્યા ન હોત. પરંતુ આ સમય દરમ્યાન વિશ્વમાનવ જવાહરલાલ નહેરૂ એશીયા આફ્રિકાના નવોદીત સ્વતંત્ર રાષ્ટ્રોનો 'નોન એલાયન્ડ મુવમેન્ટ' (નામ) ના નામે સંઘ ઉભો કરવામાં વ્યસ્ત હતાં, જેમાંથી ભારતને કશું જ મળવાની શકયતા નહોતી. કોઈપણ દેશની વિદેશનીતિ અને સંરક્ષણનીતિ બંને એક બીજા સાથે સંકલીત જ હોય. લશ્કરી તાકાતના પીઠબળ વગરની વિદેશનીતિ વાંઝણી છે. ૧૯૫૦ થી જ ચીન આપણા લડાખ અને અકસાઈ ચીનના પ્રદેશમાં ઘુસણખોરી કરતુ હોવાના અહેવાલો મળતા રહેતા હતાં. આ દરમ્યાન ચીન આપણા અકસાઈ ચીનના પ્રદેશમાં લડાખ સુધી રસ્તાનું બાંધકામ રશિયન ઈજનેરોની મદદથી કરતુ હોવાના સમાચાર આવ્યા પરંતુ, ભારત સરકારે ચીનની આ પેશકદમી રોકવા કોઈ લશ્કરી કે રાજકીય પગલા લીધા નહિ. ૧૯૫૮માં જયારે આ રસ્તો બંધાઈ ગયો ત્યારે ભારત સરકાર જાગી પરંતુ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. ભારતની કોઈ મજબૂત સંરક્ષણ ચોકી આ પ્રદેશમાં હતી જ નહિ. જે હતી તે નામ માત્રની પોલીસ ચોકીઓ હતી, લેહલડાખ, બાલ્ટીસ્તાન, અકસાઈ ચીન આપણા જમ્મુ- કાશ્મીર રાજયનો હીસ્સો જ હતાં અને છે છતાં તેના રક્ષણ માટે મજબૂત લશ્કરી માળખું આપણે આઝાદી પછી ઉભુ કર્યું નહીં કારણ કે, નહેરૂ એમ માનતા હતાં કે ચીન કયારેય ભારત ઉપર આક્રમણ કરે જ નહિં.

૧૯૫૦ પછી અમેરીકા એમ વિચારતુ હતુ કે જો ભારત અને જાપાન ચીનના વિસ્તારવાદ સામે સંગઠીત થાય તો ચીન જે દેશોને ખતરારૂપ હતુ તેવા તાઈવાન, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપુર, ફિલીપાઈન્સ, સીલોન, દક્ષિણ વિયેટનામ, દક્ષિણ કોરીયા, બર્મા (મ્યાનમાર) અને કમ્બોડીયા તેમાં સાથ આપવા તૈયાર જ હતાં. ઓસ્ટ્રેલીયા પણ સાથ આપવા તૈયાર હતું કેમ કે, આ દેશો અને આપણા હિતો ચીનના ખતરા સામે સમાન હતાં. આપણે આ ન કર્યુ એનું કારણ ફકત અમેરીકા અને પશ્ચિમના દેશોના મૂડીવાદ અને સામ્રાજયવાદ સામે નહેરૂની સૂગ. જવાહરલાલ નહેરૂ આ બાબતમાં વિશ્વમાં જોર શોરથી ભાષણો પણ આપતા હતાં. દક્ષિણ એશિયા અને યુરોપમાં સામ્યવાદનો પગ પેસારો રોકવા માટે CENTO (સેન્ટ્રલ ટ્રીટી ઓર્ગેનાઈઝેશન) અને SEATO (સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઈઝેશન) જેવા સંગઠનો અમેરીકાએ ૧૯૫૦ થી ૧૯૫૫ વચ્ચે જ તૈયાર કર્યા. આ સંગઠનોમાં ભારતને જોડવા માટે અમેરીકાના પ્રતિનિધી જોન ફોસ્ટર ડલ્લાસ આ સમય દરમ્યાન ભારત આવ્યા. ભારત માટે આ સુવર્ણ અવસર હતો કેમકે, ચીનનો ખતરો ભારત ઉપર તોળાઈ રહયો હતો. એવું કહેવાય છે કે તેઓ નહેરૂને વિગતવાર આ યોજના સમજાવી રહયા હતાં ત્યારે નહેરૂને ઉંઘ આવી ગઈ હતી. ત્યારબાદ જહોન ફોસ્ટર ડલ્લાસે પાકિસ્તાનનો સંપર્ક કર્યો. પાકિસ્તાને આ તક ઝડપી લીધી અને 'સેન્ટો' અને 'સિયાટો' બન્ને કરારમાં સામેલ થઈ ગયું. 'સિયાટો'ની રચના સપ્ટેમ્બ૨–૧૯૫૪માં થઈ. સભ્યો હતાં અમેરીકા, ફ્રાંસ, બ્રિટન, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયા, ફિલીપીન્સ, થાઈલેન્ડ અને પાકિસ્તાન. 'સેન્ટો'ની રચના ૨૪-ફેબ્રુઆરી-૧૯૫૫ના રોજ થઈ. સભ્યો હતા ઈરાન, ઈરાક, પાકિસ્તાન, તુર્કી અને બ્રિટન. ભારત તો બીનજોડાણવાદી ચળવળનું પુરસ્કર્તા હતું. એટલે આ સંગઠનોમાં તે જોડાયું નહિં. બીજી બાજુ આ   સંગઠનોનું સભ્યપદ મેળવીને પાકિસ્તાન અમેરીકાની આર્થિક અને લશ્કરી સહાય લાંબા સમય સુધી મેળવતું રહયુ. અમેરીકાએ પાકિસ્તાનને એશિયામાં સામ્યવાદના પ્રસારને રોકવા માટે આપેલા શસ્ત્રો પાકિસ્તાને ભારત સાથેના ૧૯૬૫ અને ૧૯૭૧ ના યુધ્ધોમાં ભારત સામે વાપર્યા અને આપણે પૈસા ખર્ચીને રશિયન શસ્ત્રો મેળવતા રહયા. 'સેન્ટો' અને 'સિયાટો'નું સભ્ય થયા પછી પાકિસ્તાનને તો મેળવવાનું જ હતું, ગુમાવવાનું તો કશું હતું જ નહિં. પાકિસ્તાનના શાસકો સ્વતંત્ર ભારતના શાસકો કરતા વધારે ચાલાક સાબીત થયા. પાકિસ્તાને આ સંધીઓમાં સામેલ થઈને અમેરીકાનો જેટલો લાભ લેવાય તેટલો લીધો. ૧૯૬૫ અને ૧૯૭૧ ની ભારત સાથેની લડાઈમાં આ બન્ને કરારના અન્ય દેશોએ પાકિસ્તાનને ભારત વિરૂધ્ધ મદદ કરવાની ના પાડી કેમકે, આ સંગઠનનો હેતું તો એશિયામાં સામ્યવાદને રોકવાનો હતો. પાકિસ્તાને પ્રયત્નો તો કરી જોયા પણ અમેરીકા સિવાય કોઈ દેશનો સાથ પાકિસ્તાનને ન મળ્યો. પાકિસ્તાને જોયું કે, હવે આ બંને સંગઠનોમાં રહેવાથી કોઈ વિશેષ લાભ થાય તેમ નથી અને આ સંગઠન તેને ભારત સામેની તેની લડાઈમાં કોઈ મદદ કરે તેમ નથી એટલે ૧૯૭૫માં પાકિસ્તાન આ બન્ને સંગઠનમાંથી નીકળી ગયું અને ચીન સાથે દોસ્તી કરી લીધી.

૧૯૫૦ થી ૧૯૫૫ વચ્ચે જવાહરલાલ નહેરૂ ચીનને યુનોમાં સ્થાન અપાવવા માટે અથાક મહેનત કરી રહયા હતા ત્યારે ચીન ચૂપચાપ ભારત ઉપર આક્રમણ કરવાની તૈયારીમાં લાગી ગયુ હતું.

ચીને ૧૯૫૦માં તિબેટનો લશ્કરી બળથી કબજો લીધો. ત્યારબાદ ભારતે તિબેટ ઉપર ચીનના સાર્વભૌમત્વને માન્યતા ન આપી હોત તો અમેરીકા અને બ્રિટન પણ ચીનનો વિરોધ કરવા તૈયાર જ હતાં. આપણે તિબેટ ઉપરના ચીની સાર્વભૌમત્વનો ત્યારે સ્વીકાર ન કર્યો હોત તો ચીન સાથેના આપણા સીમા વિવાદમાં તેનો Quid pro quo તરીકે ઉપયોગ કરી શકયા હોત. તિબેટને આમ પણ ચીનના આક્રમણથી બચાવવા આપણે ત્યારે સક્ષમ નહોતા. પરંતુ ચીન વિરૂધ્ધ આંતરરાષ્ટ્રીય લોકમત ચોકકસ ઉભો કરી શકયા હોત. બ્રિટને છેક ૨૦૦૮માં અને અમેરીકાએ ૨૦૧૪માં તિબેટ ચીનનો પ્રદેશ છે તે રીતે માન્યતા આપી. ભારત અને ચીન વચ્ચે રહેલ તિબેટના આ વિશાળ બફર સ્ટેટને આપણે ચીનની તરફેણમાં સાવ મફતમાં માંડવાળ કરી દીધો. તિબેટે આપણા ઉપર વિશ્વાસ મુકયો હતો તેનો આપણે વિશ્વાસઘાત તો કર્યો જ હતો.

આપણે અગાઉ જોયુ તેમ ૧૯૫૦ પછી અમેરીકા ભારત સાથે તમામ ક્ષેત્રોમાં સહયોગ કરવા તૈયાર હતું. પરંતુ, બીનજોડાણવાદ નામની દુબળી ગાયને પાળવામાં વ્યસ્ત એવા જવાહરલાલ નહેરૂએ અમેરીકાની આ ઓફર સ્વીકારી નહી. ભારત ઉપર ઝળુંબતા ચીની રાક્ષસના ખતરાને ધ્યાનમાં લઈને દેશહિતમાં ભારતે અમેરીકાની આ ઓફરનો સ્વીકાર કર્યો હોત તો ભારતને અમેરીકાની આર્થિક અને લશ્કરી મદદ મળી હોત. અમેરીકાની ગુપ્તચર સંસ્થાનો પણ ભારતને લાભ મળ્યો હોત. જો આમ થયું હોત તો ૧૯૬૨માં ચીનના આક્રમણનો સામનો કરવામાં અમેરીકા ભારત સાથે હોત અને પરિણામ ભારતની તરફેણમાં હોત.

એમાં કોઈ શંકાને સ્થાન નથી કે જો આપણે ૧૯૫૦ થી ૧૯૬૨ સુધીના બાર વર્ષના નોટીસ પીરીયડનો ઉપયોગ આપણે આપણી તમામ તાકાત ભારતની ૨૫૦૦ માઈલ લાંબી તિબેટન સરહદ ઉપ૨ લશ્કરી તૈયારીઓ કરવામાં, આધુનિક શસ્ત્ર સરંજામ મેળવવામાં અને આ આધુનીક શસ્ત્રો ચલાવવાની આપણા જવાનોને તાલીમ આપવામાં, દુશ્મનની ગતિવિધિઓ, તેના શસ્ત્ર સરંજામ, સૈન્ય સંખ્યાબળ વગેરેની ચોકકસ માહિતી મેળવીને તે મુજબ આપણી લશ્કરી તૈયારીઓને અંજામ આપવામાં, સરહદી રસ્તાઓ બાંધવામાં તેમજ સંદેશાવ્યવહારનું આધુનિક માળખુ ઉભુ કરવામાં કર્યો હોત તો આપણે ચીનનો સારી રીતે સામનો કરી શકયા હોત.       ૧૯૬૧માં આપણા પ્રખ્યાત પત્રકાર ડી.આર.માંકેકરે ન્યુયોર્કમાં યુનોમાંના અમેરીકાના પ્રતિનિધિ અદલાઈ સ્ટીવન્સનની મુલાકાત લીધેલ. આ મુલાકાત દરમિયાન સ્ટીવન્સને વ્યગ્રતાથી કહ્યું હતું 'તમારા નહેરૂને કહો કે દક્ષિણ-પૂર્વ એશિયામાં અમે તમારી લડાઈ લડી રહયા છીએ. એને ખબર હોવી જોઈએ કે, એના દેશ માટે શું સારું છે.' આ મુલાકાત દરમ્યાન સ્ટીવન્સને વિસ્તારપૂર્વક વાત કરી કે એશીયાના બે મોટા દેશો ભારત અને જાપાન, પૂર્વ એશિયામાં ચીનના વિસ્તારવાદને રોકવા કેવી રીતે સંયુકત રીતે પ્રાદેશિક સંરક્ષણનું માળખુ ઉભુ કરી શકે.

૧૯૬૧ સુધી આપણા લશ્કરી વડા રહી ચૂકેલા જનરલ કે.એસ.થીમૈયાએ જુલાઈ -૧૯૬૨ (ચીનના આક્રમણના ત્રણ મહિના પહેલા) એક સેમિનારમાં કહેલું 'પાકિસ્તાન સાથે સર્વાંગી યુધ્ધની શકયતા હું વિચારી શકું, પરંતુ મને ડર છે કે, ચીનની બાબતમાં હું એમ ન કરી શકું. હું સૈનિક તરીકે પણ એવી કલ્પના ન કરી શકુ કે ભારત પોતાની રીતે એકલું ચીન સાથે ખુલ્લુ યુધ્ધ કરી શકે. ચીનની અત્યારની શકિત, તેનું સૈન્ય સંખ્યાબળ, શ સ્ત્રો અને યુદ્ઘ વિમાનો રશિયાની મદદ સાથે આપણા કરતા સો ગણું વધારે છે અને નજીકના ભવિષ્યમાં આપણે ચીનની સમકક્ષ થવાની કલ્પના પણ કરી શકીએ નહિ. આપણા દેશની સલામતી નિશ્ચિત કરવાનું આપણે આપણા રાજકારણીઓ અને કૂટનિતિજ્ઞો ઉપ૨ જ છોડવું રહયું.' જનરલ થીમૈયાએ લશ્કરી વડા તરીકે આવો જ અભિપ્રાય સંરક્ષણમંત્રી કૃષ્ણમેનનને પણ આપેલો. પરંતુ કૃષ્ણમેનન માટે આવી સલાહ નકામી હતી કેમકે, સરકારને ખાત્રી હતી કે ચીન કયારેય ભારત ઉપર આક્રમણ નહિં કરે.

જયારે દેશના વડાપ્રધાન અને સંરક્ષણમંત્રી બંને એમ માનતા હોય કે, ચીન કયારેય ભારત ઉ૫૨ આક્રમણ નહિ કરે ત્યાં દેશની સરહદોનું રક્ષણ કરવા યોગ્ય પગલાઓ લેવાની વાત જ કયાં આવે? લેહ-લડાખ અને અકસાઈ ચીનના મોરચે આપણું સંરક્ષણ માળખું લગભગ નહિવત હતું. સંરક્ષણ ચોકીઓ, તેમાં સૈનિકોનું પુરતું સંખ્યાબળ, પુરતા શ સ્ત્રો, પુરવઠા લાઈનો, સતત પેટ્રોલીગ આવું કશું જ હતું નહિ. જે ચોકીઓ હતી તે ચીનના આક્રમણને ખાળી શકે તેવી સ્થીતીમાં જ નહોતી, ૧૯૫૮ સુધીમાં તો ચીને અકસાઈ ચીનમાં રસ્તાનું બાંધકામ કરી લીધુ ત્યાં સુધી ભારતે રક્ષણાત્મક પગલા લીધા નહિં. ત્યાં સુધીમાં તો ચીને અકસાઈ ચીનનો લગભગ કબજો જ કરી લીધો. આ સમાચાર વર્તમાનપત્રોમાં પ્રસિધ્ધ થતાં સંસદમાં ઉહાપોહ થયો ત્યારે વડાપ્રધાન જવાહરલાલે કહયું કે, 'એ પ્રદેશ સાવ નિર્જન છે ત્યાં એક તણખલું પણ ઉગતું નથી.' ચીને કંઈ રાતો-રાત ૨સ્તાનું બાંધકામ કરીને કબજો નહોતો કર્યો. ૧૯૫૦થી આ ઘૂસણખોરી ચાલતી હતી. પરંતુ આપણને બહુ મોડી ખબર પડી, કેમકે આપણા ગુપ્તચર તંત્ર જેવું પણ ત્યાં કંઈ હતું જ નહિ. આ પ્રકારની બેદરકારી આપણો જૂનો રોગ છે. ૧૯૯૯ માં કારગીલની પહાડીઓ ઉપર આપણી ચોકીઓ ઉપર પાકિસ્તાની સૈનિકોએ કબજો કરી લીધાના ખબર એ વિસ્તારમાં ઘેંટા-બકરા ચરાવનારાઓ તરફથી મળેલા. પરિણામે એ ચોકીઓ ફરીથી કબજે કરવા આપણે પ૦૦ થી વધારે સૈનિકોનો ભોગ આપવો પડયો.

ઉત્તર-પૂર્વ અને પૂર્વની મેકમોહન લાઈન ઉપર પણ આપણુ મજબૂત સંરક્ષણ માળખું નહોતું, સરહદી ૨સ્તાનું માળખું, સંદેશા વ્યવહારની સુવિધા, પૂરવઠા હરોળો, સરહદી ચોકીઓ આ ચોકીઓમાં સૈન્યબળ, આ સૈનિકો પાસેના શસ્ત્રો આ બધુ એટલુ જુનવાણી હતું કે, ચીનના આક્રમણ સામે એ ટકી શકે તેમ હતું જ નહીં. ચીનની ઘુસણખોરીના અહેવાલો પછી સરકારે ગંભીર નોંધ લઈને આપણા ભૂમીદળ, હવાઈદળ અને નૌકાદળના વડાઓની બેઠક બોલાવીને સંભવિત આક્રમણનો સામનો કરવા માટે શું કરવું જોઈએ, કેવા પગલા લેવા જોઈએ, એ જાણવાની જરૂર હતી. લશ્કરની સલાહ પ્રમાણે યોગ્ય પગલા લેવાની જરૂર હતી. નહેરૂ સરકારે આવું કંઈ કર્યાનું જાણવા મળતું નથી. વિપક્ષના નેતાઓને પણ વિશ્વાસમાં લઈને સરહદપરની વાસ્તવીક પરિસ્થિતિથી માહિતગાર કરવાની જરૂર હતી. ચીની ઘુસણખોરીના સમાચાર આવતા સંસદમાં વિરોધપક્ષોએ નહેરૂ સરકાર ઉપર પસ્તાળ પાડી ત્યારે લશ્કરી દળોના વડાઓ સાથે કોઈ ચર્ચા વિચારણા કર્યા વગર જ નહેરુએ ૧૨ મી ઓકટોમ્બ૨ ૧૯૬૨ ના રોજ સંસદમાં એવું નિવેદન કર્યું કે, મેં આપણા લશ્કરને હુકમ કર્યો છે કે, ચીનાઓને આપણી ભૂમિ ઉપરથી હાંકી કાઢો. આખરે ૨૦ ઓકટોમ્બર ૧૯૬૨ના રોજ ચીને ભારત ઉપર આક્રમણ કર્યુ. લેહ-લદાખના ઉત્તર-પશ્ચિમ મોરચા ઉપર આપણી પોલીસ ચોકીઓ જ હતી. આ પોલીસ ચોકીઓ ચીનના આક્રમણ સામે જરા પણ ટકી શકે તેમ નહોતી. એટલે ચીને અકસાઈ ચીન ઉપર બહુ સહેલાઈથી કબજો કરી લીધો. હકિકતમાં ૧૯૫૪ થી જ તેઓ ત્યાં હતાં. ઉત્ત્।ર-પૂર્વ અને પૂર્વીય હિમાલયના મોર્ચા ઉપર આપણી છૂટી છવાઈ ચોકીઓ, મર્યાદિત સૈન્ય સંખ્યાબળ, રોડ-રસ્તાનો અભાવ અને સંદેશાવ્યવહારના જરી પૂરાણા વાયરલેસ સેટ, જુના પુરાણા શ સ્ત્રો ૩૦૩ રાઈફલો, આપણા લશ્કરની પુરતી તૈયારીઓનો અભાવ, સામે પક્ષે ચીનનું મોટું સૈન્યબળ, આધુનીકશ સ્ત્રો, ઓટોમેટીક રાઈફલો, તિબેટમાં આપણી સરહદ સુધી બાંધેલા રસ્તાઓ, સંદેશાવ્યવહારના આધુનીક સાધનો અને આક્રમણ માટે ૧૯૫૦થી કરેલું આયોજન આ બધા પરીબળોને હિસાબે ૨૦ ઓકટોમ્બર-૧૯૬૨ થી ૨૧ નવેમ્બર-૧૯૬૨ સુધીના એક મહીનાની લડાઈમાં આપણા દળો બહુ ખરાબ રીતે હાર્યા. આ એક મહીના જેવા ટુંકા સમયમાં ચીને આપણો ઘણો પ્રદેશ કબજે કર્યો અને ચીની સેના છેક તેજપુર (આસામ) સુધી આવી ગઈ. તેજપુર ગમે ત્યારે ચીનના કબજામાં આવી જાય તેવી પરીસ્થીતી ઉભી થઈ. તેજપુર ચીનના કબજામાં જાય તો આસામ સાથેનો આપણો સંપર્ક કપાઈ જાય. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નહેરૂએ તા.૧૮-૧૧-૧૯૬૨ના રોજ અમેરીકાના પ્રમુખ જહોન એફ. કેનેડીને એસ.ઓ.એસ. સંદેશો મોકલ્યો. અમેરીકા અને કેનડાએ વિના વિલંબે તુરત જ મદદની ઓફર કરી. અમેરીકા અને કેનેડાએ ભારતને શ સ્ત્રો મોકલવા શરૂ કર્યા. અમેરીકાએ પોતાના ટોચના જનરલોને તુરત જ ભારત મોકલ્યા. અમેરીકાના આધુનીક શસ્ત્રો ભરેલા વિમાનો કલકતાના ડમડમ હવાઈ મથક ઉપર ઉતરવા લાગ્યા. અમેરીકન જનરલોએ યુધ્ધની સ્થિતિનું તત્કાલ આકલન કર્યું. પ્રતિઆક્રમણ કરવાની તત્કાલ તૈયારીઓ શરૂ થઈ. પરંતુ, અમેરીકન મદદ આવી પહોંચી ત્યાં સુધીમાં ૨૦ થી ૨૫ નવેમ્બર -૧૯૬૨ સુધીમાં ચીને કબજે  કરવા ધારેલો ભારતીય પ્રદેશ તેણે કબજે કરી લીધો હતો. આ લડાઈ દરમ્યાન ભારતે પોતાના હવાઈ દળનો ઉપયોગ શા માટે ન કર્યો એ સમજાતું નથી. આનું કારણ સંરક્ષણ દળો અને સરકાર વચ્ચે સંકલનનો અભાવ હોય શકે. ચીને કરેલા આક્રમણના ઘેરા પ્રત્યાધાતો વિશ્વમાં પડયા. ભારતમાં રહેલા ચીનના ખાંધીયાઓએ ચીનને એવું રીપોર્ટીગ કરેલુ કે, એકવાર ચીન આક્રમણ કરશે એટલે ભારતમાં વિદ્રોહ ભડકી ઉઠશે અને ભારતની એકતા છિન્નભિન્ન થઈ જશે. તેને બદલે આખુ ભારત ચીન વિરૂધ્ધ એકી અવાજે ઉભુ થઈ ગયું. ડીસેમ્બરમાં હિમાલયમાં બરફ પડવાનો શરૂ થાય ત્યારે ચીનની પુરવઠા હરોળો કપાઈ જાય તેવી શકયતા હતી. ખંધા ચીને જોયુ કે, આવા સંજોગોમાં તે અમેરીકાના હવાઈદળનો સામનો કરી શકશે નહી. અમેરીકન હવાઈદળ જો ચીનની પુરવઠા લાઈનો અને અગ્રીમ ચોકીઓ ઉપર બોમ્બમારો કરે તો ચીની સૈનિકોનો વિનાશ જ થાય. આ બધી શકયતાઓનો વિચાર કરીને ચીને એકપક્ષીય યુદ્ઘ વિરામ જાહેર કરી દીધો અને પોતાના દળો વીસ કિલોમીટર સુધી પાછા ખેંચવાની જાહેરાત કરી. ભારત અને ચીન વચ્ચે યુદ્ઘવિરામ અંગે મધ્યસ્થી કરવામાં ઈજીપ્તના ગમાલ અબ્દુલ નાસરે અને શ્રીલંકાના સિરીમાઓ ભંડારનાયકે અગત્યની ભૂમિકા ભજવી. બીનજોડાણવાદી સંગઠનના અન્ય કોઈ સભ્યો ભારતની તરફેણમાં આગળ આવ્યા નહિ. એક મહત્વની વાત એ છે કે, ભારત અને ચીન વચ્ચે ૧૯૬૨થી યુધ્ધવિરામ ચાલુ છે, યુધ્ધ પુરૂ થયું નથી કે નથી સરહદી ઝઘડાનો ઉકેલ આવ્યો.   

૧૪મી નવેમ્બર ૧૯૬૨ના રોજ ભારતની સંસદે સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો કે, 'ગમે તેટલો લાંબો અને મુશ્કેલ સંઘર્ષ હોય તો પણ, ભારતની પવિત્ર ભૂમિ ઉપરથી આક્રમણખોરોને હાંકી કાઢવાના ભારતના લોકોના દ્રઢ નિર્ધારનુ આ સભા, આશા અને વિશ્વાસ સાથે સમર્થન કરે છે.' ભારતની સંસદે સર્વાનુમતે અને એકી અવાજે દ્રઢતાપૂર્વક અને નિશ્ચયાત્મક રીતે પ્રતિજ્ઞા કરી કે ભારતની એકે એક ઈંચ જમીન જયાં સુધી આક્રમણકારોના કબજામાંથી મુકત કરવામાં નહી આવે ત્યાં સુધી તે જંપીને બેસસે નહિં.

હવે સવાલ એ થાય કે, ભારતની કેટલી ભૂમિ આજની તારીખે ચીન અને પાકિસ્તાનના કબજામાં છે ?

     જમ્મુ અને કાશ્મીરનો ૭૮૦૦૦ ચો.કી.મી. વિસ્તાર પાકિસ્તાનના કબજામાં છે. તે પૈકી ૫૧૮૦ ચો.કી.મી. વિસ્તાર તેણે ૧૯૬૩માં ચીનને આપી દીધો છે.

     જમ્મુ કાશ્મીરનો ભાગ એવા લડાખમાં આવેલ અકસાઈ ચીનનો ૩૮૦૦૦ ચો.કી.મી. પ્રદેશ તેમજ પાકિસ્તાને ૧૯૬૩માં ચીનને આપેલ ૫૧૮૦ ચો.કી.મી. મળીને કુલ ૪૩,૧૮૦ ચો.કી.મી. પ્રદેશ ચીનના કબજામાં છે અને ઉત્તર-પૂર્વની સરહદે અરૂણાચલ પ્રદેશનો ૯૦,૦૦૦ ચો.કી.મી. વિસ્તાર પોતાનો હોવાનો ચીન દાવો કરે છે.

૧૯૬૨ નું યુધ્ધ આપણે હાર્યા તો પણ કેટલાક મોર્ચા ઉપર આપણા સૈનિકોએ બેમિસાલ શોર્યનું ઉદાહરણ વિશ્વ સમક્ષ પેશ કર્યુ. આવી જ એક ઘટનાનો ઉલ્લેખ ન કરીએ તો એ વીર શહીદોને અંજલિ આપવાનું ચૂકી જવાય. લદાખના પહાડી પ્રદેશમાં ચૂસૂલ ઘાટીમાં પ્રવેશવા માટેનો રસ્તો રેઝાંગલા પાસ તરીકે ઓળખાય છે. આ જગ્યાના રક્ષણ માટે ૧૩ મી કુમાઉં રેજિમેન્ટના ૧૨૦ સૈનિકોની એક ટુકડી ફરજ ઉપર હતી. ૧૮ મી નવેમ્બર ૧૯૬૨ ના રોજ ચીનના લગભગ ૬૦૦૦ સૈનિકોએ વહેલી સવારે ૩:૩૦ કલાકે આ ભારતીય ચોકી ઉપર આક્રમણ કર્યું. ચીની સૈનિકો પાસે તોપો સહિત આધુનિક હથિયારો હતા. જયારે આપણાં ૧૨૦ સૈનિકો પાસે મર્યાદિત સંખ્યામાં જૂના હથિયારો અને દારૂગોળો હતો. મેજર શૈતાનસિંહના નેતૃત્વ હેઠળ આ સૈનિકોએ ચીની સૈનિકોનો જબરદસ્ત મુકાબલો કરીને વીરતાનું અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું. આપણાં આર્મી હેડ કવાર્ટરે તે લોકોને ચોકી છોડી દઈને પીછેહઠ કરવાનું કહ્યું પરંતુ, આ ૧૨૦ સૈનિકોએ પીછેહઠ કરવાની ના પાડી. જબરદસ્ત યુધ્ધ થયું. આપણાં આ ૧૨૦ સૈનિકોએ ચીનના ૧૩૦૦ સૈનિકોને ઠાર કર્યા. પરંતુ ચીની સૈનિકોની મોટી સંખ્યા અને આધુનિક હથિયારો સામે આ લોકોએ આખો દિવસ યુધ્ધ કરીને તેઓને રોકી રાખ્યા તો પણ એ કયાં સુધી ટકી શકે ? આ ૧૨૦ આહીર સૈનિકો પૈકી ૧૧૪ સૈનિકો શહિદ થયા. બાકીના ૬ સૈનિકોને ચીની સેનાએ કેદ પકડ્યા. પરંતુ આ ૬ સૈનિકો ચમત્કારિક રીતે ચીનાઓને છક્ક્ડ ખવડાવીને ભાગી છૂટયા. આ ૬ સૈનિકો પૈકી ૧ માનદ કેપ્ટન રામચંદ્ર યાદવ ૧૯ નવેમ્બરના રોજ નજીકના આર્મી હેડ કવાર્ટરમાં પહોચ્યા ત્યારે આપણાં સૈનિકોની બહાદુરી અને જાનફેસાનીની ભારતને અને વિશ્વને જાણ થઈ. વિશ્વની ૧૦ યાદગાર લડાઈઓમાં આ રેઝાંગલા પાસની લડાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉત્ત્।ર-પૂર્વ નેફાની સરહદે પણ ભારતીય સૈનિકોની વીરતાના કેટલાક અપ્રતિમ ઉદાહરણો જોવા મળ્યા.

૧૯૬૨ના લશ્કરી પરાજય પછી ભારતે પોતાના સંરક્ષણ દળોનું મોટા પાયે આધુનિકીકરણ કરવાનું શરૂ કર્યું. આધુનિક હથિયારો, સંદેશાવ્યવહારના નવા સાધનો, લશ્કરી દળોની સઘન તાલીમ, સરહદી વિસ્તારોમાં રસ્તાઓના નિર્માણ માટે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી. ઉત્તર-પશ્ચિમ, ઉત્તર-પૂર્વ અને પૂર્વીય સરહદો સુધી રેલ અને રોડ રસ્તાના અગત્યના ૭૩ પ્રોજેકટ આજ સુધીમાં પૂરા થવામાં છે અને આ કામ સતત ચાલુ છે. ઘર આંગણે શસ્ત્ર સરંજામના નિર્માણ માટે વિદેશી ટેકનોલોજી મેળવીને કારખાના સ્થાપ્યા. ૧૯૬૫ સુધીમાં આપણાં દળોની સંખ્યા ૮ લાખ સુધી પહોચી ગઈ. ૧૯૬૫ માં પાકિસ્તાન સામેની લડાઈમાં ભારતે પોતાની વધતી તાકાતનો પરચો દુનિયાને બતાવી આપ્યો. ૧૯૬૮ માં અમેરિકાના સંરક્ષણમંત્રીએ પોતાના વાર્ષિક અહેવાલમાં સામ્યવાદી બ્લોકની બહાર એશિયામાં ભારતીય લશ્કરી દળોને પ્રથમ સ્થાને મૂકયા. એણે જણાવ્યુ કે '૨૩ લાખના ચીની દળો પૈકી ચીનની સરહદની બહાર આક્રમણ કરવાની મર્યાદિત શકિત સામે ભારતનું ૧૧ લાખનું સૈન્યદળ ચીનના આક્રમણ સામે પોતાના દેશનું રક્ષણ કરી શકે તેમ છે. તેણે આગળ જણાવ્યું કે આજે (૧૯૬૮ માં) ભારતીય દળોનો વ્યકિતદીઠ ફાયરપાવર ચીનના વ્યકિતદિઠ ફાય૨ પાવર કરતા વધારે છે અને ખુબ વિકસીત સંચાર સાધનો અને પરિવહન ક્ષમતાને કારણે બહુ ઝડપથી પોતાના દળોને સીમા ઉપ૨ જયાં જરૂર જણાય ત્યાં ગોઠવી શકે છે.' સપ્ટેમ્બર/ઓકટોબર-૧૯૬૭ માં સિકિકમની સરહદે નાથુલા અને ચોલા વિસ્તારમાં ભારતીય અને ચીની દળો વચ્ચે જબરૂ ઘર્ષણ થયુ. આ લડાઈમાં ભારતના ૮૮ સૈનિકો શહિદ થયા અને ૧૬૩ ઘવાયા. સામે પક્ષે ચીનના ૩૪૦ સૈનિકો મરાયા અને ૪૫૦ ઘાયલ થયા. ભારતીય દળોએ ચીની દળોને ત્રણ કી.મી. દૂર સુધી તગડી મુકયા.

૧૯૮૭માં અરૂણાચલ પ્રદેશના સામદોરોંગ ચુ ખીણ વિસ્તારમાં ભારતીય અને ચીની સૈનિકો સામ સામે આવી ગયા પરંતુ, બંને પક્ષો ઘર્ષણથી દૂર રહયા.

૨૦૧૭ ડોકલામ સ્ટેન્ડ ઓફ : ૧૬ જુન ૨૦૧૭ ના રોજ ચીનના સૈનિકોએ ચીન અને ભૂતાન વચ્ચે આવેલ ડોકલામ વિસ્તાર, જેને ભૂતાન પોતાનો માને છે, તેમાં રોડ બીલ્ડીંગ મશીનરી સાથે મોટરેબલ રોડ બનાવવાનું શરૂ કર્યુ. ૧૮ જુન ૨૦૧૭ ના રોજ સશસ્ત્ર ૨૭૦ ભારતીય સૈનિકોએ ચીનના સૈનિકોને રોડ બનાવતા અટકાવવા માટે ડોકલામ વિસ્તારમાં પ્રવેશ કર્યો. ચીનના સૈનિકોને રોડ બનાવતા અટકાવ્યા. ચીન અને ભારતના સૈનિકો આ એરીયામાં સામ સામે આવી ગયા. ભારતીય સરકાર અને સંરક્ષણ દળોએ ડોકલામનું રક્ષણ કરવાના અદભુત મકકમ ઈરાદાનું પ્રદર્શન કર્યુ. આ સ્ટેન્ડ ઓફ ૨૮-ઓગષ્ટ-૨૦૧૭ સુધી ચાલ્યો. ૨૮-ઓગષ્ટ ના રોજ બન્ને દેશો આ સ્ટેન્ડ ઓફ ખતમ કરવા સહમત થયા અને બન્ને દેશોએ પોતાના દળો પાછા ખેંચ્યા.

ડોકલામ સ્ટેન્ડ ઓફ પછી પણ ચીની સેના ભારતીય સરહદે કયાંક ને કયાંક ઉંબાડીયા કરતી રહે છે. પરંતુ  ભારતીય દળો સતર્ક હોવાથી ચીન ફાવે તેમ નથી. કયારેક બન્ને દેશોના સૈનિકો વચ્ચે હાથો હાથની લડાઈ, ધકકામુકકી થઈ જાય છે. પરંતુ ચીનને ખબર છે કે આ ૧૯૬૨ નું ભારત નથી અને લડાઈ કરવાથી કોઈ ફાયદો નથી અને ઝડપથી વિકસતા ભારત સાથે લડાઈ કરવા કરતા વેપાર કરવાથી ફાયદો થાય તેમ છે.

   ૧૯૬૨ની લડાઈ પછી બંને દેશો વચ્ચેના રાજકીય સંબંધો અટકી ગયા હતાં ત્યારબાદ છેક ૧૯૭૮માં ભારતના તત્કાલીન વિદેશમંત્રી શ્રી અટલબિહારી વાજપાઈ ચીનની મુલાકાતે ગયા.

   ૧૯૭૯માં બંને દેશો વચ્ચે રાજકીય સંબંધો ફરી શરૂ થયા. બંને દેશો સરહદના પ્રશ્ને મંત્રણા કરવા તૈયાર થયા અને કૈલાસ માનસરોવરની યાત્રા પણ શરૂ થઈ .

   ૧૯૮૧ માં ચીનના વિદેશમંત્રી હુ આંગ હુ ભારત આવ્યા.

   ડિસેમ્બર–૧૯૮૮માં ભારતના તત્કાલીન વડાપ્રધાન રાજીવગાંધીએ ચીનની મુલાકાત લીધી.

   ડિસેમ્બર-૧૯૯૧માં ચીનના વડાપ્રધાન લી પેંગ ભારત આવ્યા

   મે-૧૯૯૨ માં ભારતના રાષ્ટ્રપતિ આર.વેંકટરમણે ચીનની મુલાકાત લીધી.

   જુલાઈ-૧૯૯૨માં ભારતના સંરક્ષણ મંત્રી શરદ પવારે ચીનની મુલાકાત લીધી. ૨૦૦૬ થી ભારત અને ચીન વચ્ચે વેપાર શરૂ થયો.

   ડિસેમ્બર-૨૦૧૦ માં ચીનના વડાપ્રધાન વેન જીઆબાઓ ચીનની ૪૦૦ કંપનીના પ્રતિનિધિઓ સાથે ભારત આવ્યા. ચીની કંપનીઓ ભારત સાથે વેપાર કરવા ઉત્સુક હતી. ત્યારબાદ ભારત અને ચીન વચ્ચે વેપાર સતત વધતો રહયો છે. ભારતીય બજારો ચીનની સસ્તી ચીજોથી ઉભરાવા લાગ્યા, પરંતુ, આ વેપારનું પલ્લુ ચીન તરફે નમેલું છે. ભારત ચીનમાં જેટલી નિકાસ કરે છે તેનાથી ત્રણ – ચાર ગણી વસ્તુ ચીનથી આયાત કરે છે.

ચીનને તેના બધા જ ૧૪ પાડોશી દેશો સાથે સરહદી વિવાદો અને ઝઘડા હતાં. તે પૈકી રશિયા, અફઘાનીસ્તાન, કઝાકીસ્તાન, મ્યાનમાર, પાકિસ્તાન અને તાઝીકીસ્તાન સાથે તેણે સરહદી વિવાદોનો નિવેડો લાવી દીધો છે. ભારત અને ભુતાન સાથેની સરહદોનો નિવેડો લાવવાનો જ બાકી છે. સરહદ બાબતે માત્ર ભારત સાથે જ નહી પરંતુ, રશિયા અને વિયેટનામ સાથે પણ ચીને યુધ્ધ કરી લીધુ છે. ૧૯૬૯ માં તેને રશિયા સાથે ઉસ્સૂરી નદીની સરહદે ભયંકર લશ્કરી અથડામણો થઈ પરંતુ ત્યારબાદ ૧૯૯૧ માં સોવિયેટ યુનિયનના વિઘટન પહેલા રશિયા સાથેના સરહદી ઝઘડાનું નિરાકરણ થઈ ગયું. સૌથી મોટો સરહદી ઝઘડો તેને ભારત સાથે જ છે અને તેના પાયામાં ચીનની વિસ્તારવાદી નીતિ છે. આ થઈ જમીની સરહદની વાત. આ સિવાય ચીનને તેના પાડોસીઓ જાપાન, દક્ષીણ કોરીયા, વિયેટનામ અને ફિલીપાઈન્સ સાથે દરીયાઈ સીમા અંગે વિવાદો છે, દક્ષિણ ચીન સાગરને તે પોતાનો જળવિસ્તાર માને છે અને આ વિસ્તારમાં આવેલાં જાપાન અને ફિલીપાઈન્સના આધિપત્યવાળા ટાપુઓ પોતાના હોવાનો ચીન દાવો કરે છે અને આ રાષ્ટ્રોને ધમકાવવા પોતાના નૌકાદળ અને હવાઈદળનો અવાર નવાર ઉપયોગ કરે છે. ફિલીપાઈન્સે આ બાબતમાં આંતરાષ્ટ્રીય અદાલતમાં ફરીયાદ કરેલી તેનો ચુકાદો ફીલીપાઈન્સની તરફેણમાં આવી ગયો છે. આંતરરાષ્ટ્રીય અદાલતે દક્ષિણ ચીન સાગર ઉપરનો ચીનનો દાવો નકારી કાઢયો છે. ચીને આ ચુકાદો માનવાનો ઈન્કાર કર્યો છે એટલું જ નહીં ચીને આ વિસ્તારમાં કૃત્રિમ ટાપુઓનું નિર્માણ કરીને તેના ઉપર પોતાના નૌકાદળ અને હવાઈદળ ગોઠવી દીધા છે.

૧૯૭૮માં ભારતના વિદેશમંત્રી માનનીય અટલબિહારી બાજપાઈની ચીન યાત્રા પછી ભારત અને ચીન વચ્ચે ફરીથી રાજકીય સંપર્કો શરૂ થયા પછી ૨૦૦૫ થી બન્ને દેશોના ઉચ્ચકક્ષાના પ્રતિનિધિ મંડળો વચ્ચે સીમા વિવાદ અંગે મંત્રણાઓ શરૂ થઈ ત્યારથી આજસુધીમાં વીસથી વધુ બેઠકો થઈ છે. પરંતુ, પ્રગતિ ખુબજ ઓછી થઈ છે. ચીન આ ઝઘડાનો અંત આવે તેમ ઈચ્છતું નથી. કેમ કે, તે ભારતની ૪૩,૦૦૦ ચો.કિ.મી. થી વધારે ભૂમિ ઉપર કબજો કરીને બેઠું છે એટલે તેનું વલ્લણ અકકડ છે. આ ઝઘડો ચાલુ રાખીને તે ભારતને સતત દબાણ હેઠળ રાખવા માંગે છે. ચીન સાથે સરહદી બાબતે સમાધાન થાય તેવી શકયતા ઓછી છે કેમ કે, સિયાચીન કે જે લડાખમાં ભારતનો પ્રદેશ છે તેના ઉપર ચીનનો કબજો છે અને ચીન તેને પોતાનો માને છે. ચીન લડાખમાં હજુએ વધારે ભારતીય પ્રદેશ કબજે કરવા માંગે છે અને ભારતના સમગ્ર અરૂણાચલ પ્રદેશ ઉપર પોતાનો દાવો કરે છે. એટલે આ મુદે ભારત અને ચીન વચ્ચે ગમે ત્યારે સંઘર્ષની શકયતા ઉભી જ છે. પરંતુ, ૧૯૬૨ પછી ભારતે આર્થિક, વૈજ્ઞાનિક, ટેકનોલોજી, લશ્કરનું આધુનિકીકરણ, શસ્ત્ર નિર્માણ વિગેરે ક્ષેત્રોમાં ધીમી છતાં મકકમ પ્રગતિ કરી છે. ૧૯૭૪ માં ભારતે અણુબોમ્બનું પરિક્ષણ કર્યા પછી આ ક્ષેત્રે પણ ઘણી પ્રગતિ કરી છે. આજે ભારત સંભવત ૅં હાઈડ્રોજન બોમ્બ પણ ધરાવે છે. સાથો સાથ ભારતે અણુબોમ્બ ફેંકી શકે એવા લાંબી રેંજના મિસાઈલો પણ વિકસાવ્યા છે અને તેના સફળ પરિક્ષણો પણ કર્યા છે. ભારતે બનાવેલ અગ્ની -૫ મિસાઈલ ૫૦૦૦ કિ.મી. સુધી અણુ હુમલો કરવા સક્ષમ છે. ચીન પોતે એવું કહે છે કે, અગ્ની - ૫ ની રેંજ ૮૦૦૦ કિ.મી.ની છે. શ સ્ત્રો ઘર આંગણે બનાવવાની બાબતમાં પણ ભારતે મકકમ પ્રગતિ કરી છે. ટેન્કો, યુધ્ધ વિમાનો, યુધ્ધ જહાજો, તોપો, આધુનીક રાઈફલો અને મશીનગનો ભારત બનાવે છે અને આ શસ્ત્રોની નિકાસ પણ કરે છે.

ભારતે અત્યારે બે મોરચે લડવાનું છે. પશ્ચિમે પાકિસ્તાન અને ચીન સામે અને ઉત્તર-પૂર્વમાં ચીન સામે. ૧૯૭૧ ની લડાઈમાં ભારતે પાકિસ્તાનને નિર્ણયાત્મક હાર આપીને પાકિસ્તાના બે ટૂકડા કરી નાંખ્યા. બાંગ્લાદેશનું સર્જન થયું ત્યારથી પાકિસ્તાને ચીન સાથે સાંઠગાંઠ કરી લીધી છે. ચીને તેને અણુ ટેકનોલોજી આપીને અણુબોમ્બ બનાવવામાં મદદ કરી અને આજે વિશ્વની વ્યુહાત્મક સંશોધન સંસ્થાઓના અનુમાન મુજબ ભારત કરતાં વધારે અણુબોમ્બ પાકિસ્તાન પાસે છે. ચીને તેને યુધ્ધ વિમાનો, યુધ્ધ જહાજો અને આધુનિક શ સ્ત્રો આપ્યા છે. પાકિસ્તાને પોતાનું ગ્વાદર બંદર ચીનને આપ્યું છે. ચીનના ઘ્ભ્ચ્ઘ્ ચાઈના પાકિસ્તાન ઈકોનોમીક કોરીડોર પ્રોજેકટમાં પાકિસ્તાન સક્રિય ભાગીદાર છે. ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશ્યેટીવમાં પણ પાકિસ્તાન સામેલ છે. ચીન અને પાકિસ્તાનની આ ઘરી ભારત માટે ભારે ખતરારૂપ છે. ચીન અને પાકિસ્તાનના આ નાપાક જોડાણને પહોચી વળવા ભારતે પણ પૂરતી તૈયારીઓ કરી છે. ઉત્ત્।ર-પશ્યિમે લડાખ અને ઉત્ત્।ર-પૂર્વમાં તિબેટ સાથેની સરહદે બર્ફીલા પહાડોમાં લડી શકે તેવા તાલીમ બધ્ધ સૈનિકોની બે ડિવિઝન (૪૦,૦૦૦ સૈનિકો) ચીનની સરહદે ગોઠવવાનું કામ ચાલુ છે. આપણા હવાઈદળની જરૂરીયાત ૪૭ સ્કોડૂનની છે તેની સામે આપણી પાસે અત્યારે માત્ર ૩૨ સ્કોડ્રન જ છે. ૨૦૧૪ માં માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર સત્ત્।ા ઉપર આવ્યા પછી તેણે બહુ ઝડપથી નિર્ણય લઈને ફ્રાંસના લડાયક જેટ વિમાન રફાલે ખરીદવાનો ફ્રાંસ સરકાર સાથે સોદો કર્યો છે. થોડા વખતમાં આ વિમાનો આપણને મળતા થશે ત્યારે ભારતની હવાઈ તાકાતમાં ઓર વધારો થશે. ભારતના નેવલ ડોકયાર્ડઝમાં યુધ્ધ જહાજો અને સબમરીનો બનાવવાનું કામ ચાલુ છે. ઘર આંગણે વિમાનવાહક જહાજ બનાવવાનો પ્રોજેકટ પણ ચાલુ છે. ભારતના સંરક્ષણ દળોને આધુનિક શસ્ત્રોથી સજજ કરવાનું કામ પૂરજોશમાં ચાલુ છે. દક્ષિણ એશિયામાં ચીની વિસ્તારવાદના ખતરા સામે ભારત, અમેરીકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ ઈન્ડો પેસીફીક ગ્રુપની રચના કરી છે. હિન્દ મહાસાગર અને બંગાળના ઉપસાગરમાં આ દેશોની સામરીક કવાયતો પણ યોજવામાં આવેલ છે.

સામે પક્ષે ચીને તિબેટમાં ૧૪ મોટા લશ્કરી હવાઈઅડ્ડા બનાવ્યા છે. તિબેટમાં ભારતની સરહદે અણુમિસાઈલો ગોઠવી છે. મોટા પાયે લશ્કરી મથકો ઉભા કર્યા છે અને આખાયે તિબેટમાં ૫૮,૦૦૦ કિ.મી. ના રેલ અને રોડ-રસ્તાનું આખુ નેટવર્ક ઉભુ કરી દીધુ છે. ભારતને ચારેબાજુથી ઘેરી લેવા માટે શ્રીલંકાના હંબનટોટા બંદ૨ ઉપ૨ ચીનનું નિયંત્રણ છે. આપણા આંદામાન - નિકોબાર ટાપુઓ પાસે મ્યાનમારના કોકો ટાપુ ઉપર ચીને લશ્કરી અડ્ડો બનાવ્યો છે. માલદીવની અત્યારની સરકાર પહેલા જે સરકાર હતી તેની પાસેથી કેટલાક ટાપુઓ લીઝ ઉપર મેળવીને ત્યાં નૌકામથક ઉભુ કરી રહયું છે. આફ્રિકામાં જીબુટીમાં તેણે લશ્કરી મથક બાંધ્યું છે. પાકિસ્તાનના ગ્વાદર બંદર ઉપર ચીનનું નિયંત્રણ છે. ભારતને માટે મુશ્કેલી ઉભી કરવાની એક પણ તક ચીન જતી કરતુ નથી. ભારતને યુનોની સલામતી સમિતિમાં કાયમી સભ્યપદ આપવાની દરખાસ્તને સતત વીટો કરે છે. ભારતને ન્યુકલીયર સપ્લાય ગ્રુપના સભ્યપદ સામે પણ તે અવરોધ ઉભા કરે છે. પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી મસૂદ અજહરને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી ઘોષીત કરીને તેના ઉપર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ મૂકવાના ભારતના પ્રયત્નોને નિષ્ફળ બનાવે છે. નેપાળ હિન્દુરાષ્ટ્ર હતું. ભારત સાથેના તેના સંબંધો સૌહાર્દપૂર્ણ હતાં. આજે નેપાળમાં સામ્યવાદીઓ સત્તા ઉપર છે. ભારતે નેપાળની સરહદે પોતાના પ્રદેશમાં બનાવેલ લીપુલેખ માર્ગ અંગે તે ભારતનો વિરોધ કરે છે તેની પાછળ ચીન છે. લડાખની સરહદે પેંગોંગત્સે સરોવરની નજીક ગલવાન વેલીમાં ભારતના અને ચીનના સૈનિકો અત્યારે સામસામા આવી ગયા છે. ચીની હેલીકોપ્ટર આ વિસ્તારની ભારતની સરહદે ઉડતા, ભારતે પણ લડાખમાં આવેલ આપણા દોલતબેગ ઓલ્ડિ વિમાન મથકેથી આપણા સુખોઈ ૩૦ વિમાનો આ વિસ્તારની ચોકી કરવા કાર્યરત કરી દીધા છે. ચીને તેના સૈનિકોની સંખ્યામાં વધારો કરતા ભારતે પણ તેનો સામનો કરવા વધારાના સૈનિકો ગોઠવી દીધા છે. સ્ટેન્ડ ઓફ ચાલુ છે.

વિશ્વના દેશોની બિરાદરીમાં બદમાશ રાષ્ટ્રોની એક ત્રીપુટી છે. ચીન, પાકિસ્તાન અને ઉત્તર કોરીયા, ચીન આ ત્રીપુટીનું આગેવાન છે. ચીન કોઈપણ રીતે આખા વિશ્વમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવા માંગે છે. તેની આ મહેચ્છામાં એશિયામાં સૌથી મોટો અવરોધ અને પડકાર હોય તો ભારત જ છે. તેથી ભારતને તે કોઈપણ રીતે આગળ વધવા દેવા માંગતું નથી. ચીન માત્ર ભારત માટે જ નહિ સમગ્ર વિશ્વ અને સમગ્ર માનવજાત માટે ખતરારૂપ છે. લોકશાહી વિશ્વ અને મૂકત માનવ સભ્યતા સામે ચીન એક ગંભીર ખતરો છે અને આ ખતરાનો વિશ્વના દેશોએ ભેગા મળીને સામનો કરવો પડે તેવી સ્થિતિ છે.

ભારતની સરહદે ચાઈનીઝ ડ્રેગન ફૂંફાડા મારતો પૂંછડી પછાડે છે તેની સામે ભારતીય હાથી પોતાના મજબૂત બે દંતશૂળ ડ્રેગન સામે તાકીને ચિંધાડતો ઉભો છે. આ હાથી પાછળ ઉભા છે સિંહ સમાન ભારતીય સૈનિકો. ભારતની વધતી તાકાત અને વિશ્વમાં ભારતના વધતા સમ્માનથી ચીન અને પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ છે અને આ બન્ને સાથે મળીને લડાખ અને કાશ્મીર ઉપર કબજો ક૨વા સંયુકત રીતે ગમે ત્યારે ભારત ઉપર હૂમલો કરે તેવી શકયતા ઉભી થઈ છે. ભારત સતર્ક છે અને સમર્થ પણ છે.

સંદર્ભ ગ્રંથો :

( 1 )   Between the lines - Kuldip Nayar.

( 2 )   The Guilty Men of 1962 - D.R.Mankekar.

( 3 )   મહામાનવ સરદાર – દિનકર જોષી.

ગાંધીજીએ લશ્કર વિખેરી નાખવા કહ્યું, પણ સરદારે...

અહિં એક ઘટનાની નોંધ કરવી જરૂરી લાગે છે. ૧૯૪૫-૪૬માં બ્રિટીશરોની ભારતમાંથી વિદાય અને ભારતના ભાગલા નિશ્ચિત દેખાતા હતાં. બીજુ વિશ્વયુધ્ધ હમણાં જ પુરૂ થયું હતું. યુધ્ધમાં થયેલ ભયંકર હિંસાચાર અને વિનાશ દુનિયા સામે જ હતો. ત્યારે ગાંધીજી માનતા હતાં કે લશ્કરીદળો હિંસાના પ્રતિક છે. લશ્કરો હિંસા માટે જ હોય છે. ગાંધીજીએ પોતાની આ માન્યતા કોંગ્રેસ કારોબારી સમક્ષ આગ્રહપૂર્વક રજૂ કરીને એવો ઠરાવ કરવાની માંગણી કરી કે, આઝાદી પછી નવી સરકાર લશ્કરો વિખેરી નાખશે અને સૈન્યો નિભાવશે નહિં. આ ઠરાવ ઉપર ચર્ચાને અંતે સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું સમાજ ઉપર અત્યાચાર કરનારાઓ સાથે હિંસા આચર્યા વિના કામ પાડી શકાય એમ હું માનતો નથી. આંતરિક અવ્યવસ્થા અને બહારના આક્રમણ સામે હિંસક પ્રતિકાર કર્યા વિના છૂટકો જ નથીે આમ આ ઠરાવનું પ્રકરણ પુરૂ થયું. આમાં, લશ્કરના આધુનિકિકરણ અને વિસ્તરણની તો વાત જ કયાં આવે?

હજુ પણ ભારતની કેટલી ભૂમિ ચીન અને પાકિસ્તાનના કબ્જામાં

જમ્મુ અને કાશ્મીરનો ૭૮૦૦૦ ચો.કી.મી. વિસ્તાર પાકિસ્તાનના કબજામાં છે. તે પૈકી ૫૧૮૦ ચો.કી.મી. વિસ્તાર તેણે ૧૯૬૩માં ચીનને આપી દીધો છે.

જમ્મુ કાશ્મીરનો ભાગ એવા લડાખમાં આવેલ અકસાઈ ચીનનો ૩૮૦૦૦ ચો.કી.મી. પ્રદેશ તેમજ પાકિસ્તાને ૧૯૬૩માં ચીનને આપેલ ૫૧૮૦ ચો.કી.મી. મળીને કુલ ૪૩,૧૮૦ ચો.કી.મી. પ્રદેશ ચીનના કબજામાં છે અને ઉત્ત્।ર-પૂર્વની સરહદે અરૂણાચલ પ્રદેશનો ૯૦,૦૦૦ ચો.કી.મી. વિસ્તાર પોતાનો હોવાનો ચીન દાવો કરે છે.

નેહરૂ કહેતા - ચીન આક્રમણ નહિ કરે

૧૯૫૦માં ચીને તિબેટ ઉપર લશ્કરી આક્રમણ કરીને તેનો કબજો લીધો. તિબેટના ધાર્મિક અને રાજકીય વડા દલાઈ લામા (૧૪માં)એ એપ્રીલ ૧૯૫૯માં તેના હજારો સમર્થકો સાથે ભારતમાં શરણ લીધું. પહેલા મસૂરીમાં અને ત્યારબાદ મે-૧૯૬૦માં ધર્મશાલામાં સેન્ટ્રલ તિબેટન એડમીનીસ્ટ્રેશન (CTA) ના નામે તિબેટની નિર્વાસિત સરકારની રચના કરી. આ ઘટના બાદ કમ્યુનિસ્ટ ચીનના સત્તાધીશો સાથે થયેલ પત્રવ્યવહાર પછી ભારત સરકાર અને ખાસ કરીને જવાહરલાલ નહેરૂ એવી ભ્રમણામાં હતાં કે ચીન કયારેય ભારત ઉપર આક્રમણ નહિ કરે. આપણી વિદેશનીતિ અને રક્ષાનીતિ ફકત પાકિસ્તાન કેન્દ્રીત હતી.

ચીનના આવી પડનારા ખતરા સામે ભાગ્યે જ કોઈ પગલા લેવાયા. ૧૯૫૦ થી ૧૯૬૨ સુધીના બાર વર્ષ દરમ્યાન ભારતે ચીનના ખતરા સામે પોતાની વિદેશનીતિ અને સંરક્ષણનીતિને યોગ્ય રીતે ઘાટ આપીને તૈયારીઓ કરી હોત તો ૧૯૬૨માં આપણે ચીન સામે ખરાબ રીતે હાર્યા ન હોત. પરંતુ આ સમય દરમ્યાન વિશ્વમાનવ જવાહરલાલ નહેરૂ એશીયા આફ્રિકાના નવોદીત સ્વતંત્ર રાષ્ટ્રોનો 'નોન એલાયન્ડ મુવમેન્ટે (નામ) ના નામે સંઘ ઉભો કરવામાં વ્યસ્ત હતાં, જેમાંથી ભારતને કશું જ મળવાની શકયતા નહોતી. કોઈપણ દેશની વિદેશનીતિ અને સંરક્ષણનીતિ બંને એક બીજા સાથે સંકલીત જ હોય. લશ્કરી તાકાતના પીઠબળ વગરની વિદેશનીતિ વાંઝણી છે. ૧૯૫૦ થી જ ચીન આપણા લડાખ અને અકસાઈ ચીનના પ્રદેશમાં ઘુસણખોરી કરતુ હોવાના અહેવાલો મળતા રહેતા હતાં.

આ દરમ્યાન ચીન આપણા અકસાઈ ચીનના પ્રદેશમાં લડાખ સુધી રસ્તાનું બાંધકામ રશિયન ઈજનેરોની મદદથી કરતુ હોવાના સમાચાર આવ્યા પરંતુ, ભારત સરકારે ચીનની આ પેશકદમી રોકવા કોઈ લશ્કરી કે રાજકીય પગલા લીધા નહિ. ૧૯૫૮માં જયારે આ રસ્તો બંધાઈ ગયો ત્યારે ભારત સરકાર જાગી પરંતુ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. ભારતની કોઈ મજબૂત સંરક્ષણ ચોકી આ પ્રદેશમાં હતી જ નહિ. જે હતી તે નામ માત્રની પોલીસ ચોકીઓ હતી, લેહલડાખ, બાલ્ટીસ્તાન, અકસાઈ ચીન આપણા જમ્મુ- કાશ્મીર રાજયનો હીસ્સો જ હતાં અને છે છતાં તેના રક્ષણ માટે મજબૂત લશ્કરી માળખું આપણે આઝાદી પછી ઉભુ કર્યું નહીં કારણ કે, નહેરૂ એમ માનતા હતાં કે ચીન કયારેય ભારત ઉપર આક્રમણ કરે જ નહિં.

૧૯૭૮થી ચીન સાથે નવેસરથી સંબંધો

    ૧૯૬૨ની લડાઈ પછી બંને દેશો વચ્ચેના રાજકીય સંબંધો અટકી ગયા હતાં ત્યારબાદ છેક ૧૯૭૮માં ભારતના તત્કાલીન વિદેશમંત્રી શ્રી અટલબિહારી વાજપાઈ ચીનની મુલાકાતે ગયા.

    ૧૯૭૯માં બંને દેશો વચ્ચે રાજકીય સંબંધો ફરી શરૂ થયા. બંને દેશો સરહદના પ્રશ્ને મંત્રણા કરવા તૈયાર થયા અને કૈલાસ માનસરોવરની યાત્રા પણ શરૂ થઈ

    ૧૯૮૧ માં ચીનના વિદેશમંત્રી હુ આંગ હુ ભારત આવ્યા.

    ડિસેમ્બર–૧૯૮૮માં ભારતના તત્કાલીન વડાપ્રધાન રાજીવગાંધીએ ચીનની મુલાકાત લીધી.

    ડિસેમ્બર-૧૯૯૧માં ચીનના વડાપ્રધાન લી પેંગ ભારત આવ્યા

    મે-૧૯૯૨ માં ભારતના રાષ્ટ્રપતિ આર.વેંકટરમણે ચીનની મુલાકાત લીધી.

    જુલાઈ-૧૯૯૨માં ભારતના સંરક્ષણ મંત્રી શરદ પવારે ચીનની મુલાકાત લીધી. ૨૦૦૬ થી ભારત અને ચીન વચ્ચે વેપાર શરૂ થયો.

    ડિસેમ્બર-૨૦૧૦ માં ચીનના વડાપ્રધાન વેન જીઆબાઓ ચીનની ૪૦૦ કંપનીના પ્રતિનિધિઓ સાથે ભારત આવ્યા. ચીની કંપનીઓ ભારત સાથે વેપાર કરવા ઉત્સુક હતી. ત્યારબાદ ભારત અને ચીન વચ્ચે વેપાર સતત વધતો રહયો છે. ભારતીય બજારો ચીનની સસ્તી ચીજોથી ઉભરાવા લાગ્યા, પરંતુ, આ વેપારનું પલ્લુ ચીન તરફે નમેલું છે. ભારત ચીનમાં જેટલી નિકાસ કરે છે તેનાથી ત્રણ – ચાર ગણી વસ્તુ ચીનથી આયાત કરે છે.

: આલેખન :

આર.બી.ગણાત્રા

નિવૃત્ત અધિકારી સ્ટેટ બેંક અને

રાજકોટ નાગરિક સહકારી બેંક લી.

રાજકોટ.

મો.નં.૯૪૨૮૨ ૦૨૦૩૯

(1:31 pm IST)