Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

સુશાંતસિંહ આત્મહત્યા કેસ

સલમાન - કરણ જોહર - એકતા કપૂર સહિત આઠ લોકો સામે બિહારમાં કેસ નોંધાયો

ઇન્ડસ્ટ્રીના લોકોથી જ પરેશાન હતો સુશાંત : આપઘાત માટે પ્રેર્યો હોવાનો આરોપ : ૩ જુલાઇએ સુનાવણી

પટણા તા. ૧૭ : બોલિવુડ એકટર સુશાંત સિંહ રાજપૂતે ૧૪ જૂને પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. સુશાંતના અકાળે મોતના સમાચાર સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ છે. સુશાંતની છેલ્લી ફિલ્મ 'છીછોરે'એ બોકસ ઓફિસ પર સારી કમાણી કરી હતી. સુશાંતના મોત બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રી બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. ઘણા લોકોએ દાવો કર્યો છે કે, સુશાંત સાથે બોલિવુડમાં અન્યાય થયો છે. હવે સુશાંતની મોત મામલે બિહારમાં કરણ જોહર સહિત ૮ લોકો સામે કેસ દાખલ થયો છે.

બિહારની મુઝઝફરપુર કોર્ટમાં IPCની કલમ ૩૦૬, ૧૦૯, ૫૦૪ અને ૫૦૬ હેઠળ કરણ જોહર, સંજય લીલા ભણસાલી, સલમાન ખાન અને એકતા કપૂર સહિત ૮ લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ વકીલ સુધીર કુમાર ઓઝાએ કર્યો છે. સુધીર કુમાર ઓઝાનો આરોપ છે કે, આ ૮ લોકોના ષડયંત્રના કારણે સુશાંતે આત્મહત્યા કરી હતી. ફરિયાદ પ્રમાણે, આ પ્રોડ્યુસરોએ ષડયંત્ર હેઠળ સુશાંતની ફિલ્મો રિલીઝ ના થવા દીધી અને તેઓના લીધે જ સુશાંતને કોઈ ફિલ્મી પાર્ટીમાં આમંત્રણ મળતું નહોતું. ઓઝાએ કહ્યું કે, સુશાંતના મોતથી બિહારના લોકોની જ નહીં આખા દેશના લોકોની લાગણીઓ દુભાઈ છે. આ મામલે ૩ જુલાઈએ સુનાવણી હાથ ધરવામાં આવશે.

કહેવાઈ રહ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂત થોડા સમયથી ડિપ્રેશનમાં હતો કારણકે તેની પાસે ફિલ્મો નહોતી. કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે ટ્વિટ કર્યું હતું કે, છેલ્લા ૬ મહિનામાં સુશાંતને ૭ ફિલ્મોમાંથી કાઢી મૂકાયો હતો. જેના લીધે તે ભાંગી પડ્યો હતો. આ સિવાય સોશિયલ મીડિયા પર એવા દાવા પણ થઈ રહ્યા છે કે, કરણ જોહર, સલમાન ખાન, એકતા કપૂર, ટી-સીરીઝ જેવા મોટા પ્રોડ્કશન હાઉસે સુશાંતને પ્રતિબંધિત કર્યો હતો.

બોલિવુડમાં ચાલી રહેલા નેપોટિઝમે પણ સુશાંતને આત્મહત્યા કરવા પ્રેર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. કંગના રણૌતે પણ વિડીયો પોસ્ટ કરીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલતા નેપોટિઝમ વિશે વાત કરી હતી. કંગના સિવાય રણવીર શૌર, અભિનવ સિંહ કશ્યપ જેવા સિતારાઓએ પણ બોલિવુડમાં નેપોટિઝમનો આરોપ લગાવ્યો છે.

(4:08 pm IST)