Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ફડણવીસનો આરોપ સાચો

મહારાષ્ટ્ર સરકારનો ભગોઃ ૧૩૨૮ દર્દીનાં મોત નોંધ્યા જ ન્હોતાઃ કુલ મૃત્યુઆંક ૫૫૩૭

મહારાષ્ટ્ર,તા.૧૭:મહારાષ્ટ્ર સરકારને શરમમાં મૂકે તેવી દ્યટના હાલમાં જ બની છે. રાજયના કોવિડ-૧૯ના મૃત્યુઆંકમાં અત્યાર સુધીમાં ૧,૩૨૮ મોત નોંધવાના જ રહી ગયા હતા. રાજયના આરોગ્ય વિભાગે ડેટાનો હિસાબ મેળવ્યો ત્યારે રહી ગયેલા ૧,૩૨૮ મોત ઉમેરવામાં આવ્યા. ઉમેરવાના રહી ગયેલા આ મૃત્યુઆંકમાંથી ૮૬૨ મુંબઈના હતા.

રહી ગયેલા મૃત્યુઆંક ઉમેર્યા બાદ મહારાષ્ટ્રનો કુલ મોતનો આંકડો મંગળવારે ૫,૫૩૭ પર પહોંચ્યો છે. આમાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા ૮૧ મોતનો પણ સમાવેશ થાય છે. સોમવાર સુધી મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯થી મોતને ભેટેલા લોકોની સંખ્યા ૪,૧૨૮ હતી. મંગળવારે મુંબઈનો મૃત્યુઆંક પણ વધીને ૩,૧૬૭ થયો છે, જે સોમવારે ૨,૨૫૦ હતો. મંગળવારના આંકડામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને લીધે મોતને ભેટેલા ૫૫ દર્દીઓનો પણ સમાવેશ થાય છે. આ નવા આંકડા બાદ મુંબઈનો કેસ ફેટાલિટી રેટ (CFR) મતલબ કે મૃત્યુદર ૫%થી વધુ થયો છે. જયારે મહારાષ્ટ્રનો મૃત્યુદર સોમવારે ૩.૭% હતો જે વધીને ૩.૮% થયો છે. આનો અર્થ એ પણ થાય છે કે, ભારતના મૃત્યુદરમાં મહારાષ્ટ્રનો ફાળો ૪૦%થી વધીને ૫૦%થી વધુ થયો છે.

અધિકારીઓનું કહેવું છે કે, રહી ગયેલા આંકડા માર્ચ મહિનાથી અત્યાર સુધીના હોઈ શકે છે. એ વખતે લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય પરંતુ તેમના મોત બીજી કોઈ તકલીફ જેવી કે હાર્ટ અટેક કે ન્યૂમોનિયાને લીધે થયા હોય અને કોવિડ ડેથમાં ના ગણ્યા હોય તેવું બની શકે છે.

ડેટાની ફેર ચકાસણી બાદ સ્પષ્ટ થયું છે કે, ૮૬૨ મોત મુંબઈના હતા અને બાકી ૪૬૬ મોત ૨૪ જિલ્લાઓમાંથી છે. મહત્વનું છે કે, સોમવારે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે ફરિયાદ કરી હતી કે, ૯૫૧ મોત ડેટામાંથી 'ગાયબ' છે. ડેટા ચકાસ્યા બાદ મુંબઈના નોંધવાના રહી ગયેલા મોત ફડણવીસે આપેલા આંકડાની નજીકના છે. મુંબઈ બાદ થાણેમાં સૌથી વધુ ૧૪૬ મોત થયા છે. જલગાંવ, સોલાપુર જેવા સ્થળો જયાં પહેલાથી જ મૃત્યુદર ઊંચો છે ત્યાં પણ અનુક્રમે ૩૪ અને ૫૧ મોત ઉમેરાયા હતા.

મૃત્યુઆંકને લઈને ઉઠેલા વિવાદ વિશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યું, રાજય કોવિડ-૧૯ સામે પ્રામાણિકતા અને પારદર્શિતા સાથે લડી રહ્યું છે. શ્નડેટાનો હિસાબ મેળવવાનું કામ દર અઠવાડિયે કરવામાં આવશે જેથી સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે. અગાઉ પણ આ જ પ્રકારે કેસનો અભ્યાસ કરવામાં આવ્યો હતોલૃ, તેમ સીએમે ટ્વિટમાં જણાવ્યું હતું.

મુખ્ય સચિવ અજોય મહેતા કહ્યું, રાજયમાં નવું એસઓપી શરૂ કરાશે. દર અઠવાડિયે પોઝિટિવ આવેલા લોકોની માહિતી અને તેમની સ્થિતિ કેવી છે તે જણાવવામાં આવશે. જો આ દરમિયાન કોઈ ભૂલ હશે તો આ સમયગાળામાં જ સુધરી જશે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, સરકારના આંકડા તેમણે કરેલી ફરિયાદની સાબિતી પૂરે છે.

(11:29 am IST)