Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ટીડીએસ કપાતમાં રપ% રાહત આપવાની આવકવેરાની જાહેરાત કાગળ પર જ રહી

સોફટવેરની ગણતરી પ્રમાણે ટેકસ ભરવામાં આવે તો કરદાતાને નોટિસ અપાઇ

મુંબઇ તા. ૧૭ :.. ટીડીએસમાં રપ ટકા રાહત આપવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ પણ કરદાતા દ્વારા ટીડીએસ ભરવામાં આવે તો તેના વ્યાજ પેટે ર.રપ ટકાના બદલે ૩ ટકા લેખે જ વ્યાજ વસૂલ કરવામાં આવે છે. જયારે કરદાતા દ્વારા જાહેર કરાયેલી રાહત પ્રમાણે ટીડીએસનું વ્યાજ ભરપાઇ કરે તો તેઓને નોટિસ ફટકારવાનું ઇન્કમટેકસ વિભાગે શરૂ કર્યુ છે. જેથી ઇન્કમટેકસ વિભાગના સોફટવેરમાં સુધારો નહીં કરવાના લીધે કરદાતાઓને નોટીસ મળતા કચવાટ પેદા થયો છે.

કોરોના મહામારીને કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉનને કારણે માર્ચ મહિના અંત સુધીમાં ટીડીએસ જમા નહીં કરાવનાર કરદાતાને ૦.૭પ ટકા લેખે વ્યાજ ભરવાની જાહેરાત કરવામાં આવી હતી. જયારે પહેલા ૧ ટકા લેખે વ્યાજ ભરવાનું હોય તેના બદલે ૦.રપ ટકા રાહત આપવામાં આવી હતી. આ રાહતની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમને કરી હોવા છતાં ઇન્કમટેકસ વિભાગે તેના સોફટવેરમાં સુધારો કર્યો નથી. તેના લીધે કરદાતા બાકી રહેલા ટીડીએસની ૦.૭પ ટકા લેખે વ્યાજ સહિત રકમ જમા કરાવી દે છે તો આઇટી દ્વારા આવા કરદાતાઓને નોટીસ મોકલી રહી છે. તેમજ તેમાં ઓછું વ્યાજ ભરપાઇ કર્યુ હોવાનું જણાવવામાં આવી રહયું છે. જેથી કરદાતા દ્વારા ભરવામાં આવેલા ૦.૭પ ટકા લેખે ત્રણ મહિના વ્યાજના બદલે ૩ ટકા જ વ્યાજ વસુલવાની નોટીસ આપવામાં આવી રહી છે. એક તરફ નણામંત્રીએ રાહત આપવાની જાહેરાત કરી હોવા છતાં સોફટવેરમાં સુધારો કરવામાં ઇન્કમટેકસના જવાબદારો આળસ દાખવી રહ્યા છે. તેના લીધે જ કરદાતાઓએ નોટીસ મળી રહી છે. કરદાતાઓને આકર્ષવા માટે આયકર વિભાગ દ્વારા આવી સંખ્યાબધ્ધ જાહેરાતો તો કરવામાં આવે છે પરંતુ તેના અમલીકરણ મુદ્ે ગંભીરતા દાખવવામાં આવતી ન હોવાની બુમ ઉઠવા પામી છે.

(11:21 am IST)