Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

GST: વેરા-સમાધાન યોજના-ર૦૧૯ ની મુદત ત્રણ મહિના લંબાવાઇઃ હવે ૩૧ જુલાઇ સુધીમાં હપ્તા ભરી શકાશે

રાજકોટ તા. ૧૭ :.. સરકારના નાણાં વિભાગના તા. ૬-૧ર-ર૦૧૯ ના રોજના ઠરાવથી વેરા સમાધાન યોજના જાહેર કરવામાં આવેલ છે. આ ઠરાવથી વસુલાતના બાકી કિસ્સાઓમાં અગાઉ ભરાયેલ આંશિક ભરણું  પુરેપુરૂ મજરે આપવા, અગાઉના બાકી મુળ વેરો ભર્યેથી વ્યાજ અને દંડમાં માફી આપવા, વેરા સમાધાન યોજના હેઠળ ભરવાની થતી રકમ હપ્તેથી ભરવાની સગવડ આપવા હપ્તાની રકમ ભરવામાં ચુક થયે વ્યાજ સાથે ભરવાની સુવિધા આપવા અને સી ફોર્મ અંગે ચાલતી અપીલોમાં ખરાઇ ન થતાં સી ફોર્મના ભરવાના હપ્તામાં પ૦ ટકા રાહત આપવા નિર્ણય કરવામાં આવેલ.

સરકારની આ યોજનાને વેપારી વર્ગનો ખૂબ જ બહોળો પ્રતિસાદ મળેલ અને અંદાજે પ૧,૦૦૦ વસુલાતના કેસો માટે અંદાજીત ૩૭,૭૦૦ અરજીઓ વેરા સમાધાન યોજના હેઠળ મળેલ હતી.

દરમિયાન કોવીડ-૧૯ મહામારીના કારણે સમગ્ર રાજયમાં ર૩ માર્ચથી લોકડાઉન જાહેર કરવામાં આવેલ જેના કારણે ઘણા વેપારીઓ પ્રથમ હપ્તો ભરી શકેલ નથી અને મોટા ભાગના વેપારીઓ એપ્રિલ અને મે માસમાં ભરવાના થતા હપ્તા ભરી શકેલ નથી. સમાધાન યોજનાને મળેલ પ્રચંડ પ્રતિસાદ મળેલ હોવા છતાં લોકડાઉનના કારણે હપ્તાની રકમ ભરી ન શકવાથી વેપારી વર્ગ સમાધાન યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે સરકારે તા. ૧૬-૬-ર૦ર૦ના ઠરાવથી સમાધાન યોજના લંબાવી યોજના અંતર્ગત પ્રથમ હપ્તો ભરવાની મુદત તા. ૧પ-૩-ર૦ર૦ થી લંબાવી તા. ૩૧-૭-ર૦ર૦ નિયત કરેલ છે. આથી જે વેપારી વર્ગ પ્રથમ હપ્તો ભરી શકેલ નથી તેઓ તા.૩૧-૭-ર૦ર૦ સુધીમાં પ્રથમ હપ્તો ભરી યોજનાનો લાભ ચાલુ રાખી શકે છે.

તેમજ જે વેપારીઓએ પ્રથમ હપ્તો ભરેલ છે પરંતુ બીજો હપ્તો ભરી શકેલ નથી તેઓ પણ બીજો હપ્તો તા. ૩૧-૭-ર૦ર૦ સુધીમાં  ભરી શકે છે અને ત્યાર પછીના હપ્તા ઓગસ્ટ અને ત્યાર પછીના મહિનાઓમાં ભરવાના રહે છે.આમ વેપારીઓને સમાધાન યોજના હેઠળ હપ્તાની રકમ ભરવા ત્રણ માસ કરતાં વધારે સમયની રાહત આપવામાં આવેલ છે. ઠરાવની અન્ય જોગવાઇઓ યથાવત રાખવામાં આવેલ છે. તેમ એક યાદીમાં ઉમેરાયું છે.

(11:20 am IST)