Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

સહેલાણીઓની આતુરતાપૂર્વક રાહ જોતો પ્રવાસન ઉદ્યોગઃ દસ કરોડ લોકોની રોજીરોટી સંકટમાં!

કોરોના મહામારીએ 'મહા' માર માર્યોઃ ઇ.સ.ર૦૧૮માં ભારતનો પ્રવાસન ઉદ્યોગ ૧૭ લાખ કરોડનો હતોઃ જે ભારતના કુલ GDPના ૯.ર ટકા જેટલો થાય છેઃ હાલમાં મંદીએ ભરડો લીધોઃ દેશ-વિદેશના પ્રવાસીઓની પ્રથમ પસંદ ગણાતા 'ગોવા' ટુરીઝમને ઓકટોબર મહિનાથી 'તેજી' દેખાઇ રહી છેઃ પૃથ્વી પરના 'સ્વર્ગ' કાશ્મીરને પણ લોકો ખૂબ ‘MISS’ કરે છેઃ ગુજરાત, રાજસ્થાન તથા પશ્ચિમ બંગાળ પણ ટુરીઝમને દોડતું કરી શકે છે

રાજકોટ તા. ૧૭ : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાયેલ કોરોનાએ દુનિયાના મોટાભાગના દેશોમાં હાહાકાર મચાવી દીધો છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં અંદાજે ૪ લાખ જેટલા લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે અને કરોડો લોકો સંક્રમિત થયા છે. કોરોના સામેની તકેદારીરૂપે ભારતમાં સમય-સંજોગો પ્રમાણે લોકડાઉન પણ આપવામાં આવ્યું છે.

આ તમામ પરિસ્થિતિ વચ્ચે ભારત સહિત સમગ્ર વિશ્વના પ્રવાસન ઉદ્યોગને અબજો-ખરબો રૂપિયાનું નુકશાન થયું છે. ટુરીઝમ ઇન્ડસ્ટ્રીઝ સાવ ખતમ થઇ ગઇ છે. કોરોના મહામારીના 'મહા' મારને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં કરોડો લોકોની રોજગારી ઉપર રીતસર જોખમ ઉભું થઇ ગયું છે. પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલ લોકો પોતાની નોકરી જવાના કારણે કે  નોકરી જવાના ભયને કારણે ડીપ્રેશનમાં પણ ચાલ્યા જતા હોવાનું જોવા મળે છે. માત્ર ભારતમાં પ્રવાસન ઉદ્યોગ સાથે એક યા બીજી રીતે સંકળાયેલા દસ કરોડ જેટલા લોકોની રોજીરોટી સંકટમાં હોવાનું જાણવા મળે છે

ટ્રાવેલ એજન્ટસ, ટ્રાવેલ કંપની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર્સ, એરલાઇન્સ, કોર્પોરેટ જાયન્ટસ, ટીકીટ બુકીંગ એજન્ટસ, વ્હીકલ ઓપરેટર્સ, ટૂર ગાઇડ, પાસપોર્ટ પ્રોસીજર વિગેરે ક્ષેત્રે સંકળાયેલા કરોડો લોકો હાલમાં કોરોના તથા લોકડાઉનને કારણે પ્રભાવિત થયા છે. ઘણાં બધાં લોકો નોકરીમાંથી છૂટા થઇ ગયા છે અથવા તો તેઓને છૂટા કરવામાં આવ્યા છે. કે પછી ઘણાં બધાં સ્ટાફના કામના કલાકો કે દિવસો ઘટાડીને પગાર પણ ઘટાડી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

વર્લ્ડ ટૂર તથા ટૂરીઝમ કાઉન્સીલના રીપોર્ટ અનુસાર ર૦૧૮માં ભારતનો પ્રવાસન ઉદ્યોગ અંદાજે ૧૬.૯૧ લાખ કરોડ(ર૪૦ બિલીયન યુ.એસ.ડોલર) રૂપિયાનો હતો. જે સમગ્ર ભારતના કુલ GDP (ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડકટ) ના ૯.ર ટકા જેટલો થવા જાય છે. સમગ્ર ભારતમાં પ્રવાસન ઉદ્યોગ ૮.૧ ટકા જેટલી રોજગારી આપી રહ્યો છે.

ઇ.સ.ર૦૧૯માં પણ આ પ્રમાણ મોટે-ભાગે જળવાઇ રહ્યું હોવાનું જાણવા મળે છે.પરંતુ હાલમાં કોરોના મહામારી-લોકડાઉન-આર્થિક મુસીબતો વિગેરેને કારણે પ્રવાસન ઉદ્યોગને મંદીએ ભરડો લીધો હોવાનું 'ટ્રાવેલ માર્કેટ' માં દેખાઇ રહ્યું છે.

કોલકતા (પશ્ચિમ બંગાળ) માંથી દર વર્ષે લાખો પ્રવાસીઓ દેશના વિવિધ ભાગોમાં ફરવા માટે જતા હોય છે. જેઓ આ વર્ષે કોરોનાને કારણે નજીકની કે દૂરની એમ એકપણ જગ્યાએ જવા રાજી નથી. દેશ-વિદેશના પ્રવાસીઓની પ્રથમ પસંદ ગણાતું ગોવા પણ આ વર્ષે સાવ સુનુ-સુનુ છે. ગયા વર્ષે ર૦૧૯માં ૭૧ લાખ જેટલા ભારતીયો ગોવા ખાતે ફરવા આવ્યા હતા. જયારે આ વર્ષે તો ફરવાનો એ સમય ચાલ્યો ગયો હોવાનું ગોવા ટુરીઝમના નિર્દેશક મેનિનો ડીસોઝા જણાવી રહ્યા છે. ગોવા ટુરીઝમ હવે આગામી ઓકટોબરથી ડીસેમ્બર, ર૦ર૦ની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યું છે. જે સમય દરમ્યાન પ્રવાસન ક્ષેત્રે મોટી 'તેજી'ની આશા સેવાઇ રહી છે.

પૃથ્વી પરનું સ્વર્ગ ગણાતું એવરગ્રીન-અબોવઓલ કાશ્મીરને પણ પ્રવાસીઓ-સહેલાણીઓ ખૂબ ‘MISS’ કરે છે. કાશ્મીરનું આહલાદક વાતાવરણ અને 'નેચરલબ્યુટી' સમગ્ર વિશ્વના લોકોની પ્રથમ પસંદ ગણાતા આવ્યા છે. કોરોના સહિતના અન્ય કારણોને લીધે કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગને માઠી અસર થઇ છે. કાશ્મીરની ૬૦ ટકા જેટલી વસ્તીની રોજગારી ટુરીઝમ ઉપર નિર્ભર છે, ત્યારે કાશ્મીરની ખીણ (વાદિયો) જલ્દીથી પ્રવાસીઓથી ધમધમતી થાય તેવું ત્યાંના લોકો તથા ટૂર ઓપરેટર્સ ઇચ્છી રહ્યા છે.

ભારતના અબજો-ખરબો રૂપિયાના ટુરીઝમ ક્ષેત્રેને સપ્ટેમ્બરથી ડીસેમ્બર, ર૦ર૦ દરમ્યાન ગુજરાત, રાજસ્થાન તથા પશ્ચિમ-બંગાળના સહેલાણીઓ પાસેથી પણ ખૂબ મોટી આશા હોવાનું ડો. ભંવરલાલ ચૌધરી જણાવી રહ્યા છે. સાથે-સાથે સહેલાણીઓ ઉપરોકત ત્રણેય રાજયોમાં ફરવા જવાનું પણ પસંદ કરી રહ્યા છે. તેમાં પણ ગુજરાતનું ટુરીઝમ તો પ્રાયોરીટીમાં હોવાનું દેખાઇ રહ્યું છે. ર૦૧૯માં સમગ્ર ભારતમાંથી અંદાજે પ.રર કરોડ લોકો રાજસ્થાન ફરવા માટે આવ્યા હતા. અને એવી જ રીતે કરોડો સહેલાણીઓએ ગુજરાત ઉપર પોતાની પસંદગી ઉતારી હતી.  સમગ્ર ભારતનો પ્રવાસન ઉદ્યોગ હવે સહેલાણીઓની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યો છે. જલ્દીથી દેશ-વિદેશના લોકો ભારતના વિવિધ પર્યટન સ્થળોએ ઉમળકાભેર- હોંશભેર ફરવા માટે આવે અને વિવિધ ડેસ્ટીનેશન્સ ઉપરથી જીંદગીભરની મીઠી યાદી લઇને જાય તેવા દૃશ્યો જોવા લોકો બેબાકળા બન્યા છે.

(11:20 am IST)