Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો સરકાર પરત ખેંચે : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી

ભાવ વધારા સંબંધિત નિર્ણય અસંવેદનશીલ : કોંગ્રેસ : કોરોના સંકટ સમયે લોકોની પરેશાની વધારનાર પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો પરત લેવો જોઈએ : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી

નવી દિલ્હી, તા. ૧૬ : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારા સંબંધિત નિર્ણયને અસંવેદનશીલ ગણાવ્યો છે. સાથે સોનિયા ગાંધીએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે કોરોના મહામારીના સમયે લોકોની પરેશાની વધારનાર પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો પરત ખેંચવો જોઈએ. વડાપ્રધાનને લખેલા પત્રમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે સરકાર પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો કરીને ૨૬૦૦૦૦ કરોડ રુપિયાની વધારાની રેવન્યુ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ જ્યારે વડાપ્રધાન દેશના લોકોને આત્મનિર્ભર થવાની આશા કરે છે, તો આવા સંકટ સમયે લોકો પર આર્થિક ભાર નાખવો ઉચિત નથી.

             સોનિયા ગાંધીએ કહ્યું કે, વર્તમાન કોવિડ-૧૯ મહામારી વિરુદ્ધની લડાઈ દરમિયાન ભારતને સ્વાસ્થ્ય સંબંધિત, આર્થિક અને સામાજિક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. મને વાતની પીડા છે કે આવા મુશ્કેલ સમયમાં સરકારે પેટ્રોલ-ડિઝલની કિંમતો વધારીને અસંવેદનશીલ નિર્ણય લીધો છે. સોનિયા ગાંધીના કહેવા મુજબ આવા સમયે સરકારનો નિર્ણયનું ઔચિત્ય સમજમાં આવતું નથી જ્યારે દેશના કરોડો લોકોની નોકરીઓ જતી રહી છે. લોકની સામે આજીવિકાનું સંકટ પેદા થયું છે. લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે અને ખેડૂતોએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષે દાવો કર્યો કે છેલ્લા કેટલાક દિવસો દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં લગભગ ટકાનો ઘટાડો થયો છે.

             પરંતુ મુશ્કેલ સમયમાં સરકાર લોકોને તેનો લાભ આપવા માટે કશુંય કરી રહી નથી. સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી કે પેટ્રોલ-ડિઝલમાં કરાયેલો ભાવ વધારો પરત લેવામાં આવે અને કાચા તેલની ઓછી થયેલી કિંમતોનો લાભ સીધો દેશના નાગરિકોને મળવો જોઈએ. જો તમે(વડાપ્રધાન) લોકો આત્મનિર્ભર થાય તેવી આશા રાખો છો તો લોકો આગળ વધે રસ્તામાં અવરોધ પેદા કરો નહીં.

              હું ફરી કહી રહી છું કે જો લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેમના હાથમાં સીધા પૈસા આપો. અત્રે ઉલ્લેખનીય છે કે, તેલ કંપનીઓ દ્વારા મંગળવારે પેટ્રોલના ભાવમાં ૪૭ પૈસા અને ડીઝલના ભાવમાં ૯૩ પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. એટલું નહીં એટીએફ અર્થાત વિમાન ઇંધણના ભાવમાં પણ ૧૬. ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આમ, પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત ૧૦મા દિવસે વધારો કરવામાં આવ્યો છે.

(10:14 pm IST)