Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ભવિષ્યમાં કોરોના સામે ભારતનો જંગ વિશ્વ યાદ કરશે : દુનિયાભરમાં આપણા લોકડાઉન અને શિસ્તની ચર્ચા

કોરોના સંકટ વચ્ચે પીએમ મોદીની 3 મહિનામાં છઠ્ઠીવાર મુખ્યમંત્રીઓસાથે વીસી : રિકવરી રેટ 50 ટકા કરતા પણ વધુ: વિશ્વ કરશે અભ્યાસ

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સંકટ વચ્ચે વડાપ્રધાન મોદીએ પર્વતીય અને પૂર્વોત્તર સહિત 21 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફ્રન્સિંગ પર ચર્ચા કરી. તેમણે કહ્યું કે આપણો રિકવરી રેટ 50 ટકાથી વધુ છે. ભવિષ્યમાં જ્યારે પણ ભારતના કોરોનાની લડાઇનો અભ્યાસ થશે તો વિશ્વ આપણા લોકડાઉન અને શિસ્તને લીધે તેને યાદ કરશે. 15 મિનિટના પોતાના પ્રારંભિક સંબોધનમાં મોદીએ કોરાના સામેની લડાઈમાં સરકારના પગલા, રાજ્યોનો સહકાર, કોરોનાથી બચવાની રીતો, લોકડાઉનની અસર, અનલોક-1, ઈકોનોમી અને આર્થિક સુધારાની વાત કરી. પીએમ મોદીએ ત્રણ મહિનામાં 6ઠ્ઠી વખત મુખ્યમંત્રીઓ સાથે કોરોના મુદ્દે વાત કરી.

તેમણે કહ્યું કે મોદીએ કહ્યું કે, વિશ્વના મોટા-મોટા એક્સપર્ટ્સ, હેલ્થ નિષ્ણાતો આપણા લોકડાઉન અને ભારતીયોએ દર્શાવેલી શિસ્તની ચર્ચા કરી રહ્યાં છે. આજે ભારતનો રિકવરી રેટ 50 ટકાથી વધુ છે. ભારત વિશ્વના એ દેશોમાં મોખરે છે, જ્યાં કોરોના સંક્રમિત દર્દીઓના જીવન બચી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે મેમાં ટોલ કલેક્શનમાં વધારો થયો અને અનલોક-1 શરૂ થતાં જૂનમાં એક્સપોર્ટ પણ અગાઉ જેવું થઇ ગયું.

 

પીએમ મોદીએ પંજાબ, ચંડીગઢ, ઉત્તરાખંડ, હિમાચલ, લદ્દાખ, ઝારખંડ, છત્તીસગઢ, ગોવા, કેરળ, આસામ, ત્રિપુરા, મેઘાલય,અરુણાચલ, મિઝોરમ, સિક્કિમ, મણિપુર, નાગાલેન્ડ, અંડામાન-નિકોબાર, દાદરાનગર હવેલી અને દીવ-દમણ, લક્ષ્યદ્વિપના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી.હતી

વડાપ્રધાને કહ્યું કે “આપણે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું પડશે કે કોરોના તેના પ્રસારને જેટલો રોકી શકીશું, તેટલું આપણું અર્થતંત્ર પાટા પર દોડશે, આપણી ઓફિસો ખુલશે, માર્કેટ ખુલશે, ટ્રાન્સપોર્ટેશનના સાધન ખુલશે અને રોજગારના એટલા જ અવસરો ઉત્પન્ન થશે.

પીએમે કહ્યું કે માસ્ક વગર બહાર નીકળવું જોખમી હોઇ શકે છે. માસ્ક માત્ર એ વ્યક્તિ માટે જ નહીં પરંતુ બીજાની સુરક્ષા માટે પણ જરૂરી છે. બે મીટરનું અંતર અને હાથ ધોવા પણ બહુ જરૂરી છે. પોતાના પરિવારની સુરક્ષા માટે આ નિયમોનું પાલન જરૂરી છે.

(12:00 am IST)