Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

હવે (NEFT) હેઠળ ૨૪*૭ ટ્રોન્ઝેકશન થઇ શકશે

RBIએ બેન્કોને ૨૪ કલાક નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા આપવા જણાવ્યું

નવી દિલ્હી, તા.૧૭: હવે નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા ૨૪ કલાક સાત દિવસ (૨૪*૭) મળી રહેશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ અઠવાડિયાના તમામ (સાત) દિવસ અને ૨૪ કલાક ઓનલાઇન ફંડ ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ માટે નેશનલ ઇલેકટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) દ્વારા આ સુવિધા મળશે.

આરબીઆઇએ આ પ્રસ્તાવ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ ઇન ઇન્ડિયાઃ વિઝન-૨૦૧૯-૨૧ ડોકયુમેન્ટમાં રજૂ કર્યો છે એટલું જ નહીં, આરબીઆઇ રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટમાં ગ્રાહક લેવડ દેવડ માટે અને તેમની માગણીના આધારે તેનું વિસ્તરણ કરવાની શકયતા પણ તપાસશે. આરબીઆઇએ જણાવ્યું છે કે NEFT નો સમય વધારતાં પહેલાં તેનું ટેસ્ટિંગ કરવું જરૂરી છે. અત્યારે NEFT બે કલાકના અંતરાલ પર બેન્કિંગ સમય દરમિયાન થાય છે.

હાલ NEFT માં રવિવારે તેમજ મહિનાના બીજા અને ચોથા શનિવારે તથા બેન્ક હોલિડે પર ટ્રાન્ઝેકશન થઇ શકતાં નથી. હવે આરબીઆઇ આ સેવા ૨૪ કલાક શરૂ કરવા માટે તૈયારી કરી રહી છે અને આ માટે નવા નિયમો લાવવામાં આવશે. આ ઉપરાંત ઓફલાઇન હોવા છતાં મોબાઇલ ફોનથી પૈસાનું પેમેન્ટ થઇ શકશે. આ સુવિધા આરબીઆઇ બે વર્ષમાં લાગુ કરી દેશે.

(3:47 pm IST)