Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

કર્ણાટક : નારાજ લિંગાયત ધારાસભ્યોને હવે મનાવાશે

મુખ્યપ્રધાન બન્યા બાદ યેદીયુરપ્પા સામે પડકાર : મુશ્કેલીમાં કોંગ્રેસ- જેડીએસના ૧૨થી પણ વધુ લિંગાયત સમુદાયના ધારાસભ્યો યેદીયુરપ્પાની સહાય કરી શકે છે

બેંગલોર,તા. ૧૭ : કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતી સર્જાયા બાદ સરકાર રચવા માટે જટિલ સ્થિતી સર્જાયેલી છે. ખુબ પડકારરૂપ સ્થિતીમાં મુખ્યપ્રધાન તરીકેની જવાબદારી સંભાળી લીધા બાદ પુરતી સંખ્યામાં ધારાસભ્યો એકત્રિત કરવા માટે યેદીયુરપ્પા સામે પણ પડકાર છે. ભાજપના તમામ ટોપના નેતાઓ હવે નારાજ થયેલા લિંગાયત સમુદાયના ધારાસભ્યોને મનાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. એવુ જાણવા મળ્યુ છે કે બીએસ યેદીયુરપ્પા લિંગાયત સમુદાયના શક્તિશાળી નેતા છે. આવી સ્થિતીમાં કોંગ્રેસ અને જેડીએસના આશરે ૧૨ જેટલા નારાજ લિંગાયત સમુદાયના ધારાસભ્યોને મનાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ભાજપને આશા છે કે કોંગ્રેસ અને જેડીએસના પોસ્ટ પોલ ગઠબંધનથી નારાજ રહેલા સભ્યો ટેકો આપી શકે છે. કોંગ્રેસ પાર્ટી તરફથી લિંગાયત કાર્ડ રમવામાં આવ્યા બાદ પણ તેને કોઇ ફાયદો થયો ન હતો. લિંગાયત સમુદાયના લોકોએ ભાજપને સાથ આપ્યો હતો. કર્ણાટકમાં વોકલિંગા અને લિંગાયત સમુદાય વચ્ચે લાંબા સમયથી ખેંચતાણની સ્થિતી રહી છે.ભાજપે કર્ણાટકમાં યોજાયેલી ૨૨૪ વિધાનસભાની કુલ સીટ પૈકીની ૨૨૨માંથી ૧૦૪ સીટો જીતી હતી. ભારતીય જનતા પાર્ટી કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી જ્યારે કોંગ્રેસ પાર્ટીને ૭૮ સીટો મળી હતી. જેડીએસ ત્રીજા સ્થાન ઉપર રહી હતી તેને ૩૮ સીટો મળી હતી. અન્યોના ખાતામાં બે સીટો ગઈ હતી. ૨મી મેના દિવસે ઉંચુ મતદાન ૭૦ ટકાની આસપાસ રહ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ બન્ને દ્વારા જીત માટેના દાવા કરવામાં આવી રહ્યા હતા. ૧૨મી મેના દિવસે કર્ણાટકમાં ૫૮૫૪૬ મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. સવારે ૭થી લઇને સાંજે છ વાગ્યા સુધી મતદાન ચાલુ હતું. કર્ણાટકમાં  ૨૦૧૩માં વિધાનસભા ચૂંટણીમાં ૭૧.૪ ટકા મતદાન થયું હતું જ્યારે આ વખતે ૭૦ ટકા મતદાન થયું હતુ.કર્ણાટકમાં હજુ સુધી તમામ રાજકીય પક્ષો સક્રિય છે.

(12:43 pm IST)