Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

ભાજપના ‘મહારાજા' પાસે અબજોની સંપત્તિ છતાં ૪૭ લાખથી વધુનું દેવું

સિંધિયાના સ્‍વર્ગસ્‍થ દાદા જીવાજીરાવ સિંધિયાના નામે જ ૩૮૨ કરોડ રૂપિયાની જંગમ અને સ્‍થાવર સંપત્તિ છે

ગુના, તા.૧૭: વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં બે દિવસ બાદ પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. આ માટે ઉમેદવારો પોતાની બેઠક પરથી નામાંકન ભરી રહ્યા છે. ત્‍યારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર જ્‍યોતિરાદિત્‍ય સિંધિયાએ દુર્ગા અષ્ટમીના અવસર પર મધ્‍યપ્રદેશની ગુના લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આ નોમિનેશનની સાથે તેણે સોંગદનામું પણ આપ્‍યું છે જેમાં તેમણે ચૂંટણી પંચ સમક્ષ પોતાની સંપત્તિ અને અન્‍ય માહિતી રજૂ કરી છે.

કેન્‍દ્રીય મંત્રીએ આપેલા સોંગદનામાં મુજબ તેમની પાસે ૪ કરોડ ૬૪ લાખ ૫૦ હજાર જ્‍યારે તેમની પત્‍ની પાસે ૧૪ લાખ ૧૮ હજાર રૂપિયાની જંગમ સંપત્તિ છે. આ સિવાય જ્‍યોતિરાદિત્‍ય સિંધિયા પાસે માત્ર ૨૫,૦૦૦ રૂપિયા રોકડા છે જ્‍યારે તેમની પત્‍ની પાસે માત્ર ૨૦,૦૦૦ રૂપિયા છે. આ સિવાય તેમની પુત્રી અનન્‍યા રાજેના માત્ર ૫ હજાર જ રોકડ છે. જ્‍યોતિરાદિત્‍ય સિંધિયાએ આપેલા સોંગદનામાં મુંજબ  સિંધિયાના સ્‍વર્ગસ્‍થ દાદા જીવાજીરાવ સિંધિયાના નામે જ ૩૮૨ કરોડ રૂપિયાની જંગમ અને સ્‍થાવર સંપત્તિ છે. ઉપરાંત દાદાના નામે બેંક ખાતામાં રોકાણના રૂપમાં રૂ. ૫૬.૨૯ કરોડની જંગમ સંપત્તિ છે.

ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરાયેલા સોગંદનામામાં તેણે પોતાની વારસામાં મળેલી BMW કારનો પણ ઉલ્લેખ કર્યો છે. આ સિવાય જ્‍યોતિરાદિત્‍ય સિંધિયા પર ૪૭,૫૦,૦૦૦ રૂપિયાની બેંક લોન પણ હોવાનું જણાવ્‍યું છે. વધુમાં, તેમની પત્‍ની પર ૭૪,૦૦૦ રૂપિયાની લોન છે જ્‍યારે તેમની પુત્રી પર કોઈપણ પ્રકારની લોન નથી. ઉલ્લેખનીય છે કે જ્‍યોતિરાદિત્‍ય સિંધિયા મધ્‍યપ્રદેશના સૌથી અમીર ઉમેદવાર છે.

(4:02 pm IST)