Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

પહેલાં ગર્લફ્રેન્‍ડના બર્થ-ડેની કેક કાપી, પછી ગર્લફ્રેન્‍ડને જ...પતાવી દીધી

મુંબઇની હૃદય હચમચાવતી ઘટનામુંબઇની હૃદય હચમચાવતી ઘટના

મુંબઇ, તા.૧૭: મુંબઈમાંથી ફરી એકવાર ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અહીં ગર્લફ્રેન્‍ડની બર્થ ડેની ઉજવણી કરવા માટે આવેલા તેના બોયફ્રેન્‍ડે હત્‍યા કરી હોવાની ઘટના બની છે. કાંદિવલી વિસ્‍તારમાં આ ઘટના બાદ ચકચાર મચી જવા પામી છે.

જે યુવતીની હત્‍યા કરવામાં આવી છે તેનું નામ હેમકુમારી મોતીરામ ભટ ઉર્ફે શાનુ હોવાનું સામે આવ્‍યું છે. જ્‍યારે તેને મારનાર આરોપી બોયફ્રેન્‍ડનું નામ ડંબર બહાદુર ખડકે વિશ્વકર્મા તરીકે સામે આવ્‍યું છે. જેનીં ઉંમર ૩૦ વર્ષની હતી. આ હત્‍યાના સંબંધમાં પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર શાનુ નેપાળની વતની છે અને તે કાંદિવલીના અશોકનગર વિસ્‍તારમ ઘરગથ્‍થુ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. તો બીજી બાજુ ડામ્‍બર બહાદુર એ સિકયોરિટી ગાર્ડ તરીકે કામ કરે છે. તે પણ નેપાળનો જ વતની છે.

આ બંને થોડા મહિના પહેલા જ સોશિયલ મીડિયા દ્વારા એકબીજાનાં પરિચયમાં આવ્‍યા હતા. બંને વચ્‍ચે પ્રેમ થઈ જતાં છેલ્લા છ મહિનાથી તેઓ રિલેશનશિપમાં પણ રહેતા હતા. બન્‍યું એવું કે ૧૪મી એપ્રિલે શાનુનો જન્‍મદિવસ હતો. તે પોતાનો જન્‍મદિવસ તેના બોયફ્રેન્‍ડ સાથે સેલિબ્રેટ કરવા ઇચ્‍છતી હતી.

૧૪મી તારીખે તે પોતાનો બર્થડે ઉજવી શકે એ માટે શનિવારે ૧૩ એપ્રિલની સાંજે તે બોયફ્રેન્‍ડનાં ઘરે રોકાવા માટે આવી ગઈ હતી. આ સમયે તેની માતા ઘરે હાજર હતી. એવું પણ કહેવાય છે કે બંનેએ પોતાનો જન્‍મદિવસ ઉજવ્‍યો અને રાત્રે મદ્યપાન પણ કર્યું હતું. થોડીકવારમાં જ બંનેની વચ્‍ચે કોઈ નજીવા કારણસર ઉગ્ર ઝઘડો શરૂ થઈ ગયો. ત્‍યારે ગુસ્‍સે ભરાયેલા ડામ્‍બર બહાદુરે તેની ગર્લફ્રેન્‍ડ શાનુને દિવાલ અથડાવી હતી. આ ધક્કો એટલો જોરથી વાગ્‍યો હતો કે શાનુ તે જ સમયે ઢળી પડી હતી.

પોલીસને આ મામલાની જાણ થતાં જ તેઓ ઘટનાસ્‍થળે પહોંચી ગઈ હતી અને તેઓએ બેભાન અવસ્‍થામાં પડેલી શાનુને તાત્‍કાલિક નજીકની સરકારી હોસ્‍પિટલમાં દાખલ કરવાનો નિર્ણય કરીને દાખલ કરાવી હતી. પણ કમનસીબે તેને ત્‍યાં મળત જાહેર કરવામાં આવી હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર તેને માથામાં ગંભીર ઈજા થવાને કારણે ઘટનાસ્‍થળે જ તેનું મોત નીપજ્‍યું હતું. તેના મળતદેહને બાદમાં પોસ્‍ટમોર્ટમ માટે મોકલવામાં આવ્‍યો હતો.

આરોપી ડંબર બહાદુર આ ઘટના બાદ નાસી છૂટયો હતો. પણ ફરાર થયેલા ડંબર બહાદુરની શોધખોળ પોલીસે શરૂ કરી દીધી હતી. આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે થોડા જ કલાકોમાં ડંબર બહાદુરની ધરપકડ કરી હતી. આ મામલે સમતાનગર પોલીસે હત્‍યાનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.(

(3:51 pm IST)