Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

ભાજપના ઉમેદવારની અધધ ૧૪૦૦ કરોડની સંપત્તિ

દુબઇથી લઇને લંડન સુધી પથરાયેલી છે સંપત્તિ દ.ગોવાથી ચૂંટણી લડતા પલ્લવી ડેમ્‍પો : સૌથી વધુ ધનવાન ઉમેદવાર

નવી દિલ્‍હી તા. ૧૭ : લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની નોમિનેશન ચાલી રહી છે. ભાજપના ઉમેદવાર પલ્લવી ડેમ્‍પોએ પણ દક્ષિણ ગોવા લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. આ સમયગાળા દરમિયાન તેણે પોતાની સંપત્તિ વિશે જે માહિતી આપી છે તે ચોંકાવનારી છે. આ રીતે, પલ્લવી ડેમ્‍પો દેશની સૌથી હોટ લોકસભા ઉમેદવારોમાંની એક માનવામાં આવે છે. પલ્લવી ડેમ્‍પોએ તેના ૪૧૯ પાનાના એફિડેવિટમાં જણાવ્‍યું છે કે તેના પતિ શ્રીનિવાસ સહિત તેની કુલ સંપત્તિ ૧૪૦૦ કરોડ રૂપિયા છે. પલ્લવી ડેમ્‍પો રાજકારણમાં નવી છે, પરંતુ મની પાવરથી ખૂબ જ મજબૂત છે.

તેમના પતિ શ્રીનિવાસ ડેમ્‍પો ગ્રૂપના ચેરમેન છે, જે ફૂટબોલથી લઈને રિયલ એસ્‍ટેટ અને શિપબિલ્‍ડિંગ સુધીની પ્રવૃત્તિઓમાં સક્રિય છે. આટલું જ નહીં શ્રીનિવાસ એજયુકેશન અને માઈનિંગના બિઝનેસ સાથે પણ સંકળાયેલો છે. એફિડેવિટ અનુસાર, પલ્લવી ડેમ્‍પોની જંગમ સંપત્તિ ૨૫૫.૪ કરોડ રૂપિયા છે, જયારે શ્રીનિવાસની સંપત્તિ ૯૯૪.૮ કરોડ રૂપિયા છે. હવે જો પલ્લવીની સ્‍થાવર મિલકતની વાત કરીએ તો તેની બજાર કિંમત ૨૮.૨ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. શ્રીનિવાસની સ્‍થાવર મિલકતની કિંમત ૮૩.૨ કરોડ રૂપિયા છે. ગોવા સહિત દેશના ઘણા ભાગોમાં મિલકત ધરાવતા ડેમ્‍પો દંપતી પાસે દુબઈના સવાનામાં પણ એક ફલેટ છે, જેની કિંમત ૨.૫ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

આ સિવાય તેમનો લંડનમાં એક એપાર્ટમેન્‍ટ પણ છે. તેની કિંમત ૧૦ કરોડ રૂપિયા સુધી આંકવામાં આવી છે. પલ્લવી ડેમ્‍પોને પણ સોનામાં રોકાણ કરવાનું પસંદ છે. તેમની પાસે લગભગ ૫.૭ કરોડ રૂપિયાનું સોનું છે. તેણે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦ કરોડ રૂપિયાનું આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું હતું. તે જ વર્ષે શ્રીનિવાસે ૧૧ કરોડ રૂપિયાનું રિટર્ન ફાઈલ કર્યું હતું. એટલું જ નહીં, પલ્લવી ડેમ્‍પોએ એમઆઈટી, પુણે યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્‍ટમાં પોસ્‍ટ ગ્રેજયુએશનની ડિગ્રી પણ લીધી હતી. નોંધનીય છે કે ભાજપે દેશભરમાં ૪૫૦થી વધુ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્‍યા છે. પીએમ નરેન્‍દ્ર મોદીએ NDA ૪૦૦ પાર કરવાનો નારો આપ્‍યો છે. તે જ સમયે, તેમને વિશ્વાસ છે કે ભાજપ પોતાના દમ પર ૩૬૦ બેઠકો મેળવશે.

(3:42 pm IST)