Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

નવીન પટનાયક એન્‍ટી ઇન્‍કંબન્‍સી નડવાના એંધાણ વચ્‍ચે ઇતિહાસ રચશે ?

બીજેડી ઓડીશામાં સતત છઠ્ઠીવાર ધારાસભા જીતે તો દેશના સૌથી લાંબા સમય સુધી મુખ્‍યમંત્રી બનવાનો રેકોર્ડ બનશે જો કે અન્‍ય રાજકીય પક્ષોમાંથી આવેલ નેતાઓને ત્રીજા ભાગની ટીકીટ અપાતા રોષ : સતત સત્તામાં રહેવાથી સ્‍થાનીક કાર્યકરો લોકોનો વિશ્વાસ તથા ભરોસો ગુમાવતા દેખાય છે

ભુવનેશ્વર તા. ૧૭ : દેશમાં સૌથી લાંબા સમય સુધી મુખ્‍યમંત્રી રહેવાની યાદીમાં ઓડીશાના સીએમ નવીન પટનાયક બીજા નંબરે છે. જો આ ઓગસ્‍ટમાં બીજેડી ચૂંટણી જીતે તો પટનાયક સીક્કીમના પૂર્વ મુખ્‍યમંત્રી ચામલીંગને પાછળ છોડી સૌથી લાંબા સમય સુધી સીએમ રહેવાનો રેકોર્ડ સર્જશે. ઉપરાંત સતત છઠ્ઠીવાર સત્તામાં આવવાનો રેકોર્ડ પણ તેમના નામે નોંધાશે.

સતત પાંચ વખત સરળતાથી ચૂંટણી જીતનાર પટનાયક આ વખતે પોતાના લાંબા અને સફળ રાજકીય કારકિર્દીના સૌથી કપરા પડકારોને સામનો કરી રહ્યા છે. અઢી દાયકામાં પ્રથમવાર તેમને અને બીજેડીને એન્‍ટી ઇન્‍કબસીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે પટનાયકની લોકપ્રિયતા કાયમ છે. પણ મોટા ભાગની જગ્‍યાઓ પર સતત સત્તામાં રહેવાથી સ્‍થાનીક કાર્યકરો લોકોનો ભરોસો અને સમર્થન ગુમાવતા જોવા મળી રહ્યા છે.

પાર્ટી દ્વારા અત્‍યાર સુધીમાં ૨૧ લોકસભા અને ૧૧૮ વિધાનસભા ઉમેદવારોની યાદીમાં ભાજપ - કોંગ્રેસમાંથી આવેલ નેતાઓની ભરમાર છે. કુલ યાદીમાંથી ત્રીજા ભાગના નામો પક્ષ પલટુ કરનાર છે. અનુમાન છે કે બાકીની ૩૦ બેઠકો પર પણ આવું જ ચિત્ર ઉપસશે.

બીજેડીના નેતાઓ જેમને ટીકીટ નથી મળી તેઓ ભાજપ તરફ વળી રહ્યા છે. જેમને ભાજપે પણ ટીકીટ નથી આપી તેઓ ખુલેઆમ ઉમેદવારનો વિરોધ કરી અપક્ષ ઉમેદવારી નોંધાવવાની તૈયારી કરી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્‍ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી કાનુનગો મુજબ આ વખતે બીજેડીની સ્‍થિતિ છેલ્લી ત્રણ ચૂંટણીઓ કરતા સારી નથી.

પાર્ટી કાર્યકરોમાં ફરિયાદ ઉઠી રહી છે કે, ઉમેદવારોની આટલી સંખ્‍યા હોવા છતાં અન્‍ય પક્ષમાંથી આવેલ નેતાઓને બોલાવીને ટીકીટ આપવામાં આવી રહી છે. જોકે બીજેડીના પ્રવકતા અને સાંસદ પાત્રાએ પાર્ટી પહેલા જેટલી મજબૂત ન હોવાની વાતોનો છેદ ઉડાડી દીધો હતો

(1:59 pm IST)